પાકિસ્તાનમાં કેબલ કારના માલિકની ધરપકડ, 1200 ફૂટની ઉંચાઈએ ફસાયા હતા 8 લોકો

પાકિસ્તાન પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ખીણ ઉપર 12 કલાકથી પણ વધારે સમય સુધી લટકી રહેલી કેબલ કારના માલિક અને તેના ઓપરેટરની ધરપકડ કરવામાં આવી છે. કેબલ કારના માલિક અને તેના ઓપરેટરને વારંવાર સુરક્ષા સંબંધી ચેતવણીઓ આપવામાં આવી હતી જેની અવગણના થઈ હતી.  કેબલ કારમાં ફસાયેલા લોકોનું 14 કલાકે રેસ્ક્યુ મંગળવારના […]

Share:

પાકિસ્તાન પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ખીણ ઉપર 12 કલાકથી પણ વધારે સમય સુધી લટકી રહેલી કેબલ કારના માલિક અને તેના ઓપરેટરની ધરપકડ કરવામાં આવી છે. કેબલ કારના માલિક અને તેના ઓપરેટરને વારંવાર સુરક્ષા સંબંધી ચેતવણીઓ આપવામાં આવી હતી જેની અવગણના થઈ હતી. 

કેબલ કારમાં ફસાયેલા લોકોનું 14 કલાકે રેસ્ક્યુ

મંગળવારના રોજ વહેલી સવારે 6 બાળકો નદી ઓળંગવા માટે કેબલ કારની મદદથી શાળાએ જઈ રહ્યા હતા ત્યારે હવામાં 1,200 ફૂટની ઉંચાઈએ કેબલ કારના 3 પૈકીના 2 વાયર તૂટી ગયા હતા. આ કારણે 6 બાળકો સહિત કુલ 8 લોકો હવામાં ઉંચે ફસાઈ ગયા હતા અને 14 કલાકની મહેનત બાદ તે તમામને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. 

ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના વરિષ્ઠ પોલીસ અધિકારી તાહિર અયુબ ખાને આ ઘટના અંગે જણાવ્યું હતું કે, “કેબલ કાર માટે વપરાઈ રહેલા કેબલ ખૂબ જ હલકી ગુણવત્તાના હતા અને મશીનોને પણ સમારકામની જરૂર હતી. કેબલ કારના માલિકને જૂન મહિનામાં નોટિસ પાઠવવામાં આવી હતી અને ત્યાર બાદ ઓગષ્ટમાં પણ એક નોટિસ મોકલવામાં આવી હતી.” આ સાથે જ તેમણે સુરક્ષાલક્ષી ચેતવણીઓની અવગણના બદલ કેબલ કારના માલિક અને તેના ઓપરેટરની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. 

ઝિપ લાઈનર્સ બન્યા રેસ્ક્યુ ઓપરેશનના હીરો

આશરે 14 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ કેબલ કારમાં 1,200 ફૂટની ઉંચાઈએ ફસાયેલા 6 બાળકો સહિત 8 લોકોને બચાવી લેવાયા હતા. રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવા માટે ઝિપ લાઈનર્સની મદદ લેવામાં આવી હતી અને દેશના કાર્યવાહક વડાપ્રધાન અનવર ઉલ હક કાકરે ઝિપ લાઈનર્સને હીરો તરીકે બિરદાવ્યા હતા. અંધારામાં પવનના ભારે દબાણ વચ્ચે તેમણે આ ઓપરેશન પાર પાડ્યું હતું. 

બટ્ટાગ્રામ જિલ્લાના 6 બાળકો મંગળવારે સવારે 8 કલાકે શાળાએ જઈ રહ્યા હતા કેબલ કારના વાયર તૂટી જવાના કારણે તેઓ સૌ હવામાં અટકી ગયા હતા. તે વિસ્તારના બાળકો આ રીતે કેબલ કારની મદદથી ઘાટી અને નદી ઓળંગીને નિયમિત શાળાએ જતા હોય છે. ઉંચા પહાડો અને ઉંડી ખીણ વચ્ચે ઝાંગરી નદીના કિનારે અનેક કલાકો સુધી આ કેબલ કાર હવામાં લટકી રહી હતી જેથી તેમાં રહેલા લોકોના જીવ ઉંચા થઈ ગયા હતા. 

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પાસે 2017ના વર્ષમાં આ પ્રકારની દુર્ઘટના બની હતી જેમાં 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કેબલ કારનો વાયર તૂટી જવાના કારણે તેમાં સવાર 10 લોકો મોતને ભેટ્યા હતા.