કેનેડા-ભારત વચ્ચેની તંગદિલી વધી, હરદીપ સિંહ નિજ્જરની હત્યાના પગલે ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા

કેનેડાએ ભારત પર ખાલિસ્તાની આતકંવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ થવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ સોમવારના રોજ એક ટોચના ભારતીય રાજદ્વારી પવન કુમાર રાયની હકાલપટ્ટી કરી હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને ભારત સરકાર વચ્ચેના સંભવિત કનેક્શનનો દાવો કર્યો હતો.  ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના અમુક […]

Share:

કેનેડાએ ભારત પર ખાલિસ્તાની આતકંવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ થવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ સોમવારના રોજ એક ટોચના ભારતીય રાજદ્વારી પવન કુમાર રાયની હકાલપટ્ટી કરી હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને ભારત સરકાર વચ્ચેના સંભવિત કનેક્શનનો દાવો કર્યો હતો.
 

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના અમુક મહિનાઓ બાદ ભારતીય રાજદ્વારીની હકાલપટ્ટીના અનુસંધાને કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ જણાવ્યું હતું કે, જો હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સામેલગીરીની વાત સાચી હશે તો તે અમારા સાર્વભૌમત્વ અને એકબીજા સાથેના વર્તન અંગેના પાયાના નિયમનું મોટું ઉલ્લંઘન ગણાશે માટે અમે આ પગલું ભર્યું છે.
 

કેનેડાએ હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સામેલ હોવાના આરોપ બાદ નવી દિલ્હીના ઈન્ટેલિજન્સ ચીફની હકાલપટ્ટી કરી ત્યાર બાદ ઓટાવા અને દિલ્હી વચ્ચેના સંબંધોમાં ખટાશ વધી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, “જૂનમાં બ્રિટિશ કોલંબિયા ખાતે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા થઈ તેમાં ભારતીય એજન્ટ્સ સામેલ હોવાના વિશ્વસનીય આરોપો હતા. અમારી સરકાર આ આરોપોની સક્રિયતાપૂર્વક તપાસ કરી રહી છે.” આ સાથે જ જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર સમક્ષ આ મુદ્દો ઉકેલવા સહયોગની પણ માગણી કરી હતી.
 

કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ જણાવ્યું હતું કે, ટ્રુડો સરકારે તાત્કાલિક એક્શન લીધું છે. તેમણે અધિકારીનું નામ લીધા વગર જ તેમણે એક સીનિયર ભારતીય રાજદ્વારીની કેનેડામાંથી હકાલપટ્ટી કરી હોવાની માહિતી આપી હતી. તેમણે હકાલપટ્ટી કરવામાં આવી તે ભારતીય રાજદ્વારી કેનેડામાં ભારતની વિદેશી ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો)ના ચીફ હોવાનું જણાવ્યું હતું. 


18 જૂનના રોજ હરદીપ સિંહ નિજ્જરની હત્યા


ભારતે હરદીપ સિંહ નિજ્જરને વોન્ટેડ આતંકવાદી ઘોષિત કર્યો હતો. 18 જૂનના રોજ વેનકુંવરના ઉપનગર સરે ખાતે એક ગુરૂદ્વારા પાસે હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હરદીપ સિંહ નિજ્જર પર ભારતમાં આતંકવાદી હુમલા કરવાનો આરોપ હતો. 


જસ્ટિન ટ્રુડોના એક પૂર્વ સલાહકાર જોક્લિન કૂલને જણાવ્યું હતું કે, કેનેડા દ્વારા ભારત પર જે આરોપો લગાવવામાં આવ્યા છે તેની ઉંડી અસરો જોવા મળશે. વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે સાઉદી અરેબિયા પર 2018માં તુર્કીના પત્રકાર જમાલ ખશોગીની હત્યા કરાવ્યાનો આરોપ લાગ્યો હતો તે જ રીતે ભારત રાજનૈતિક વિરોધીઓની હત્યા કરાવનારા દેશોના ગ્રુપમાં સામેલ થશે.