કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ UAEના રાષ્ટ્રપતિને ફોન કરીને ભારત સાથેના વિવાદ અંગે રોદણા રોયા

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા આંતરિક યુદ્ધ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંયુક્ત આરબ અમીરાત  (UAE)ના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે વાતચીત કરી હતી. જસ્ટિન ટ્રુડોએ પોતે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) દ્વારા આ અંગેની જાણ કરી હતી. જસ્ટિન ટ્રુડોના કહેવા પ્રમાણે તેમણે UAEના શાસક સાથે ઈઝરાયલની સ્થિતિ અંગે ચર્ચા […]

Share:

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા આંતરિક યુદ્ધ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંયુક્ત આરબ અમીરાત  (UAE)ના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે વાતચીત કરી હતી. જસ્ટિન ટ્રુડોએ પોતે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) દ્વારા આ અંગેની જાણ કરી હતી. જસ્ટિન ટ્રુડોના કહેવા પ્રમાણે તેમણે UAEના શાસક સાથે ઈઝરાયલની સ્થિતિ અંગે ચર્ચા કરી તેની સાથે જ ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે પણ ચર્ચા કરી હતી. 

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કહેવા પ્રમાણે કાયદાનું સન્માન કરવું મહત્વનું છે. જસ્ટિન ટ્રુડો અને UAEના પ્રમુખે ઈઝરાયલની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને નાગરિકોના જીવ માટે પણ ચિંતા વ્યક્ત કરી હતી. 

જસ્ટિન ટ્રુડોની સોશિયલ મીડિયા પોસ્ટ

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, “આજે ફોન પર મહામહિમ મોહમ્મદ બિન જાયદ અને મેં ઈઝરાયલની વર્તમાન સ્થિતિ અંગે વાત કરી. અમે ઉંડી ચિંતા વ્યક્ત કરી અને લોકોની સુરક્ષા અંગે ચર્ચા કરી. અમે ભારત અને કાયદો જાળવી રાખી તેના સન્માનના મહત્વ અંગે પણ વાત કરી.”

હકીકતે જસ્ટિન ટ્રુડોએ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો અને ત્યારથી બંને દેશ વચ્ચેના સંબંધોમાં તણાવ વ્યાપ્યો છે. 

બ્રિટિશ વડાપ્રધાન સાથે પણ કરી હતી વાત

યુકેના વડાપ્રધાન ઋષિ સુનકે રવિવારના રોજ પોતાના કેનેડાના સમકક્ષ જસ્ટિન ટ્રુડો સાથે વાત કરીને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદને ઘટાડવા આહ્વાન કર્યું હતું. ઋષિ સુનકે સ્થિતિ થાળે પડે તેવી આશા વ્યક્ત કરવાની સાથે આગામી તબક્કા સુધી પોતે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના સંપર્કમાં રહેશે તે માટે સહમતિ દર્શાવી હતી. 

નોંધનીય છે કે, ઈઝરાયલ પર હમાસના આતંકવાદી હુમલા બાદ યુદ્ધ છેડાયું છે અને સમગ્ર વિશ્વ જાણે બે હિસ્સામાં વહેંચાઈ ગયું છે. અમેરિકા, ભારત અને યુરોપે ખુલીને ઈઝરાયલનું સમર્થન કર્યું છે જ્યારે મુસ્લિમ દેશોના સંગઠન OICએ હમાસને સમર્થન આપ્યું છે. આ બધા વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ વિશ્વના અનેક નેતાઓ સાથે આ મુદ્દે વાત કરી છે. 

જોકે તેની વચ્ચે પણ જસ્ટિન ટ્રુડો ઈઝરાયલની સ્થિતિ કરતા ભારત સાથેના સંબંધો મામલે વધારે ચિંતિત જણાઈ રહ્યા છે. UAEની ગણતરી ભારતની નજીકના દેશોમાં થાય છે ત્યારે ત્યાંના પ્રમુખ સાથેની વાતચીતમાં જસ્ટિન ટ્રુડોએ ભારત સાથેના સંબંધો અંગે વાતચીત કરવાની તક જતી નહોતી કરી.  જસ્ટિન ટ્રુડોએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે પણ વાતચીત કરી હતી. જોકે તે દરમિયાન ભારત મામલે કોઈ વાત નહોતી થઈ.