કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના પ્લેનમાં સર્જાઈ ટેક્નિકલ ખામી

કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના પ્લેનમાં રવિવારે કેટલીક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી અને કેનેડાનું પ્રતિનિધિમંડળ જે રવિવારે પરત ફરવાનું હતું તે જ્યાં સુધી ગ્રાઉન્ડ એન્જિનિયરિંગ ટીમ સમસ્યાનું નિરાકરણ ન લાવે ત્યાં સુધી તેઓ ભારતમાં જ રહેશે. જસ્ટિન ટ્રુડો શુક્રવારે G20 સમિટ માટે નવી દિલ્હી પહોંચ્યા હતા અને તેમનું કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સ્વાગત કર્યું હતું. પ્લેનમાં […]

Share:

કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના પ્લેનમાં રવિવારે કેટલીક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી અને કેનેડાનું પ્રતિનિધિમંડળ જે રવિવારે પરત ફરવાનું હતું તે જ્યાં સુધી ગ્રાઉન્ડ એન્જિનિયરિંગ ટીમ સમસ્યાનું નિરાકરણ ન લાવે ત્યાં સુધી તેઓ ભારતમાં જ રહેશે. જસ્ટિન ટ્રુડો શુક્રવારે G20 સમિટ માટે નવી દિલ્હી પહોંચ્યા હતા અને તેમનું કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સ્વાગત કર્યું હતું.

પ્લેનમાં ટેક્નિકલ ખામીને કારણે જસ્ટિન ટ્રુડોનો ભારત પ્રવાસ લંબાવાયો

કેનેડિયન વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવમાં આવ્યું હતું, “એરપોર્ટ પહોંચ્યા બાદ અમને કેનેડાના સશસ્ત્ર દળ દ્વારા જાણ કરવામાં આવી હતી કે CFC001 પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે. આ ટેક્નિકલ ખામી રાતોરાત ઠીક થઈ શકતી નથી. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી અમારું પ્રતિનિધિમંડળ ભારતમાં જ રહેશે.”

ભારતની અધ્યક્ષતા હેઠળની G20 સમિટ રવિવારે સફળતાપૂર્વક પૂર્ણ થઈ. G20 ના ભારતની અધ્યક્ષતાની સૌથી મોટી સિદ્ધિ એ છે કે નવી દિલ્હી G20 નેતાઓની ઘોષણા પર સર્વસંમતિ પ્રાપ્ત થઈ છે. વિદેશી નિરીક્ષકોના મતે, રશિયા-યુક્રેન યુદ્ધ પર અલગ-અલગ વલણને કારણે બહુ ઓછા લોકો સર્વસંમતિની અપેક્ષા રાખતા હતા. પરંતુ, ભારતના G20 શેરપા અમિતાભ કાંતના નેતૃત્વમાં, ભારતીય રાજદ્વારીઓએ સર્વસંમતિ શક્ય બનાવી. કેનેડાના PM જસ્ટિન ટ્રુડો કેનેડામાં ખાલિસ્તાન તરફી કાર્યકરો સામે તેમના બિન-પ્રતિબદ્ધ વલણને કારણે ભારતમાં બહુ લોકપ્રિય નથી.

નવી દિલ્હીમાં G20 સમિટ દરમિયાન, જસ્ટિન ટ્રુડો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને ભારત-કેનેડા સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી. જસ્ટિન ટ્રુડોએ G20 સમિટ પછી એક પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી હતી જ્યાં તેમણે ખાલિસ્તાન મુદ્દા સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી.

ખાલિસ્તાન મુદ્દા પર જસ્ટિન ટ્રુડો

જસ્ટિન ટ્રુડોએ જ્યારે ખાલિસ્તાન મુદ્દે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “મને લાગે છે કે સમુદાયના મુદ્દા પર, એ યાદ રાખવું અગત્યનું છે કે થોડા લોકોની ક્રિયાઓ સમગ્ર સમુદાય અથવા કેનેડાનું પ્રતિનિધિત્વ કરતી નથી. તેની બીજી બાજુ, અમે કાયદાના શાસનનું સન્માન કરવાના મહત્વને પણ પ્રકાશિત કર્યું અને અમે વિદેશી હસ્તક્ષેપ વિશે વાત કરી.” 

જસ્ટિન ટ્રુડોએ કહ્યું, “ભારત વિશ્વમાં અસાધારણ રીતે મહત્વપૂર્ણ અર્થતંત્ર છે અને કેનેડા માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે.”

કેનેડાના વહીવટીતંત્રે દેશમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓનો બચાવ કરવા અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ વિરોધ જેવી વસ્તુઓનો વારંવાર ઉપયોગ કર્યો છે. 

જસ્ટિન ટ્રુડોએ કહ્યું, “કેનેડા હંમેશા અભિવ્યક્તિની સ્વતંત્રતા, અંતરાત્માની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ વિરોધની સ્વતંત્રતાની રક્ષા કરશે અને તે અમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ સાથે જ અમે હિંસા રોકવા અને નફરતને પાછળ ધકેલવા માટે હંમેશા હાજર છીએ. ભારત ક્લાઈમેટ ચેંજ સામે લડવાથી લઈને વૃદ્ધિ અને સમૃદ્ધિ પેદા કરવા સુધીની દરેક બાબતમાં મહત્વપૂર્ણ છે.”