વિમાનમાં ટેક્નિકલ ખામીના લીધે 2 દિવસ ભારતમાં અટવાઈ રહ્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો રવાના

G20 સમિટ બાદ વિમાનમાં ટેક્નિકલ ખામીના કારણે ભારતમાં ફસાયેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમનું પ્રતિનિધિ મંડળ આખરે કેનેડા જવા માટે રવાના થયું છે. કેનેડાના વડાપ્રધાન કાર્યાલયના પ્રેસ સચિવ મોહમ્મદ હુસૈને જણાવ્યું હતું કે, વિમાનની ટેક્નિકલ ખામીને સોલ્વ કરી દેવામાં આવી છે અને વિમાનને ઉડાન માટે મંજૂરી આપી દેવામાં આવી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના […]

Share:

G20 સમિટ બાદ વિમાનમાં ટેક્નિકલ ખામીના કારણે ભારતમાં ફસાયેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમનું પ્રતિનિધિ મંડળ આખરે કેનેડા જવા માટે રવાના થયું છે. કેનેડાના વડાપ્રધાન કાર્યાલયના પ્રેસ સચિવ મોહમ્મદ હુસૈને જણાવ્યું હતું કે, વિમાનની ટેક્નિકલ ખામીને સોલ્વ કરી દેવામાં આવી છે અને વિમાનને ઉડાન માટે મંજૂરી આપી દેવામાં આવી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના વિમાને મંગળવારે બપોરે દિલ્હીના વિમાન મથક ખાતેથી ઉડાન ભરી હતી. 

વિમાનમાં ટેક્નિકલ ખામીને કારણે પ્રવાસ લંબાયો

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (51) એરબસ વિમાનમાં ખરાબી આવ્યા બાદ G20 સમિટ પછી છેલ્લા 2 દિવસથી ભારતમાં અટવાયા હતા. સોમવારે ભારતમાં ફસાયેલા કેનેડાના વડાપ્રધાને રાજધાની ખાતેની લલિત હોટેલમાં પોતાના રૂમમાં જ રહેવાનો નિર્ણય લીધો હતો. કેનેડાના વડાપ્રધાનના જે વિમાનમાં ટેક્નિકલ ખામી આવી હતી તે સીસી-150 પોલારિસ છે જે અનેક સંશોધિત એરબસ એ310-300 પૈકીનું એક છે અને જેનો કેનેડાના સશસ્ત્ર દળ દ્વારા VIP લોકો માટે ઉપયોગ કરવામાં આવે છે. 

જસ્ટિન ટ્રુડોએ 36 કલાક વધારે રોકાણ કર્યું

મંગળવારે બપોરે 1:10 કલાકે દિલ્હીના પાલમ એરપોર્ટ ખાતેથી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો રવાના થયા હતા. G20 સમિટના સમાપનના અમુક કલાકો બાદ રવિવારના રોજ જ જસ્ટિન ટ્રુડો કેનેડા જવા માટે રવાના થવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ વિમાનમાં ખરાબી સર્જાઈ હતી અને તેમણે રોકાઈ જવું પડ્યું હતું. તેમને લેવા માટે કેનેડાથી અન્ય એક પ્લેન પણ બોલાવવામાં આવ્યું હતું પરંતુ તેને આવવામાં પણ વિલંબ થઈ રહ્યો હતો. આ બધા વચ્ચે પ્લેન ઠીક થઈ જતા તેઓ રવાના થયા હતા.

વડાપ્રધાન મોદીએ G20 સમિટ માટે ભારત આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને ખાલિસ્તાની તત્વો મામલે ખરીખોટી સંભળાવી હતી. ત્યાર બાદ વિમાનમાં ખરાબી આવવાના કારણે પણ તેમને નીચાજોણું થયું હતું. કેનેડાના વિપક્ષ અને મીડિયાએ આ મામલે જસ્ટિન ટ્રુડોને સંભળાવવાની તક છોડી નહોતી અને કહ્યું હતું કે, હવે તેમને ખબર પડી હશે કે વ્યવસ્થા ખરાબ થાય તો કેવી લાગણી થાય છે. કેનેડાના એરપોર્ટ્સમાં જે પ્રકારનું મિસમેનેજમેન્ટ છે તેનાથી લોકોને હંમેશા હેરાન થવું પડે છે.

બીજી વખત શરમની અનુભૂતિ

ડિસેમ્બર 2019માં નાટો સંમેલનમાં સામેલ થવા માટે જસ્ટિન ટ્રુડોને એક બેકઅપ એરક્રાફ્ટ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ તે સમયે પણ એન્જિનમાં સમસ્યા આવી હતી. પોલારિસ બેડામાં 5 વિમાન છે જે 2027માં રિટાયર થાય તેવી શક્યતા છે. કેનેડાનું મીડિયા તેને શરમજનક માને છે.

એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં કેનેડાની પત્રકાર એની બર્જાન ઓલિવર કહી રહી છે કે, “કેનેડા સરકારે ભારતમાં આ બીજી વખત શરમમાં મુકાવું પડ્યું છે. અગાઉ 2018માં જ્યારે કેનેડાના વડાપ્રધાન ભારત ગયા હતા ત્યારે તેમની ભારતીય કપડાની પસંદગીની ટીકા થઈ હતી અને તે ટ્રીપ એક ડિઝાસ્ટર હતી.”