જર્મનીમાં રસ્તાઓ પર ઉતર્યા બાળકો અને પ્રવાસી ભારતીયો, બેબી અરિહા શાહને ભારત મોકલવા માગણી

જર્મનીમાં છેલ્લા 22 મહિના કરતા પણ વધારે સમયથી એક ભારતીય બાળકી અરિહાને એક બાળ સંભાળ કેન્દ્રમાં રાખવામાં આવી છે. બાળકીને સ્વદેશ લાવવા માટે ભારત સતત જર્મની પર દબાણ બનાવી રહ્યું છે. ત્યારે ગત 3 સપ્ટેમ્બરના રોજ (રવિવારે) જર્મનીમાં નાના બાળકો સહિત પ્રવાસી ભારતીયોએ અરિહા શાહને ભારત પરત લાવવા માટે અવાજ ઉઠાવ્યો હતો.  બેબી અરિહાને ભારત […]

Share:

જર્મનીમાં છેલ્લા 22 મહિના કરતા પણ વધારે સમયથી એક ભારતીય બાળકી અરિહાને એક બાળ સંભાળ કેન્દ્રમાં રાખવામાં આવી છે. બાળકીને સ્વદેશ લાવવા માટે ભારત સતત જર્મની પર દબાણ બનાવી રહ્યું છે. ત્યારે ગત 3 સપ્ટેમ્બરના રોજ (રવિવારે) જર્મનીમાં નાના બાળકો સહિત પ્રવાસી ભારતીયોએ અરિહા શાહને ભારત પરત લાવવા માટે અવાજ ઉઠાવ્યો હતો. 

બેબી અરિહાને ભારત મોકલવા માગણી

બાળકો અને પ્રવાસી ભારતીયોએ રવિવારના રોજ મૈનહેમ પરેડપ્લાત્જ શહેરમાં રસ્તાના કિનારે એકઠા થઈને અરિહા શાહને ભારત મોકલવાની માગણી સાથે પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમણે પોતાના હાથમાં ટેમ્પલેટ અને બેનર્સ પણ રાખ્યા હતા જેમાં બેબી અરિહાને ભારત મોકલવા માટે જણાવ્યું હતું. 

ભારતે જર્મની પાસે મદદનો હાથ લંબાવ્યો

ભારત જર્મની સમક્ષ વારંવાર અરિહા શાહને જલ્દી સ્વદેશ મોકલવામાં મદદ કરવાની માગણી કરી રહ્યું છે. ભારત સરકાર દ્વારા એવો અનુરોધ કરવામાં આવ્યો છે કે, બાળકી પોતાની ભાષાના, ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજીક વાતાવરણમાં મોટી થાય તે ખૂબ જરૂરી છે. 

જાણો શું છે સમગ્ર કેસ

સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો સપ્ટેમ્બર 2021માં ભારતીય નાગરિક અરિહા શાહ જ્યારે 7 મહિનાની હતી ત્યારે જર્મનીની યુથ વેલફેર ઓફિસે એક ડૉક્ટરની ફરિયાદના આધારે અરિહા શાહના માતા-પિતા પર બાળકીના ઉત્પીડનનો આરોપ લગાવીને તેનો કબજો લઈ લીધો હતો. 

જોકે અરિહા શાહના માતા-પિતાના કહેવા પ્રમાણે જર્મન અધિકારીઓએ તેમને સંપૂર્ણ વાત રજૂ કરવા માટેનો પૂરતો સમય પણ નહોતો આપ્યો. 

થોડા સમય પહેલા જર્મનીના વિદેશ મંત્રી એનાલેના બીયરબોક ભારત આવ્યા હતા ત્યારે પણ અરિહા શાહને સ્વદેશ પરત લાવવા મુદ્દે સ્પષ્ટ વાતચીત કરવામાં આવી હતી. જોકે દુર્ભાગ્યવશ હજુ સુધી ભારતની વિનંતીને અનુસરીને કોઈ પગલું નથી ભરવામાં આવ્યું.

બેબી અરિહાના માતાએ સુષ્મા સ્વરાજને યાદ કર્યા

અરિહા શાહના પિરવારજનો દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમની દીકરીને 22 મહિના સુધી બર્લિનના જે સેન્ટરમાં રાખવામાં આવી હતી ત્યાંથી હવે મંદબુદ્ધિ સેન્ટરમાં મોકલી દેવામાં આવી છે અને બાળકીની માનસિક સ્થિતિ ખરાબ હોવાનું કહેવામાં આવે છે. 

બેબી અરિહા શાહના માતા ધારા શાહે પોતાની બાળકીને પરત મેળવવા માટેના સંઘર્ષ વચ્ચે દિવંગત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, “સુષ્મા સ્વરાજ એક માતા હતા. માટે તેઓ એક માતાની પીડા સમજતા હતા. વિપક્ષમાં રહીને પણ તેમણે આ કારણનું સમર્થન કર્યું હતું. તેઓ કહેતા કે જો બાળક ભારતીય નાગરિક છે તો અમને ખબર છે કે અમારા બાળકની સંભાળ કેવી રીતે લેવાની છે. આ તેમનું સ્ટેન્ડ હતું. 22 મહિના થઈ ગયા. મને વિશ્વાસ છે કે જો ભારત સરકાર હસ્તક્ષેપ કરશે, વડાપ્રધાન મોદી આ મામલે હસ્તક્ષેપ કરશે તો મારી દીકરીને ન્યાય મળશે. તે એક ભારતીય બાળકી છે. તે એક ગુજરાતી બાળકી છે.”