ચીને પાકિસ્તાનને બલૂચિસ્તાન હુમલાના ગુનેગારોને સજા આપવાની માગ કરી 

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રવિવારે એક ભંયકર હુમલાની ઘટના સામે આવી છે.  બલૂચિસ્તાન હુમલામાં 23 ચીની એન્જીનીયરોને લઈ જતા કાફલા પર આતંકવાદીઓએ અટેક કર્યો હતો. આ હુમલો બલૂચિસ્તાનના ગ્વાદર પોલીસ સ્ટેશન નજીક થયો હતો. ચીની દૂતાવાસે આ આતંકવાદી હુમલાની ભારે નિંદા કરી હતી અને પાકિસ્તાનને ચેતવણી આપી કે આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે અસરકારક પગલાં […]

Share:

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં રવિવારે એક ભંયકર હુમલાની ઘટના સામે આવી છે.  બલૂચિસ્તાન હુમલામાં 23 ચીની એન્જીનીયરોને લઈ જતા કાફલા પર આતંકવાદીઓએ અટેક કર્યો હતો. આ હુમલો બલૂચિસ્તાનના ગ્વાદર પોલીસ સ્ટેશન નજીક થયો હતો. ચીની દૂતાવાસે આ આતંકવાદી હુમલાની ભારે નિંદા કરી હતી અને પાકિસ્તાનને ચેતવણી આપી કે આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે અસરકારક પગલાં લે. ચીને આ હુમલાની સંપૂર્ણ તપાસ અને ગુનેગારોને સખત સજા કરવાની માંગણી કરી છે.

કરાચીમાં ચીની કોન્સ્યુલેટ જનરલે હુમલાના એક દિવસ પછી નિવેદનમાં જણાવ્યું હતું કે તેના તમામ નાગરિકો હુમલામાં ઘાયલ થયા વિના સુરક્ષિત છે. કોન્સ્યુલેટ જનરલે પાકિસ્તાનને ચીની નાગરિકો, સંગઠનો અને પ્રોજેક્ટ્સની સલામતી સુનિશ્ચિત કરવા માટે નક્કર અને અસરકારક પગલાં લેવાનું કહ્યું હતું. 

આ નિવેદનમાં જણાવ્યું હતું કે “કોન્સ્યુલેટ જનરલે તાત્કાલિક કટોકટી યોજનાને સક્રિય કરી છે. ચીની દૂતાવાસે પાકિસ્તાનમાં તેના નાગરિકોને જાગ્રત રહેવા અને સુરક્ષા જોખમો સામે નિવારક પગલાં લેવા અને તેમના જીવન અને સંપત્તિની સલામતી સુનિશ્ચિત કરવા માટે પણ સૂચના આપી છે.”

બલૂચિસ્તાન હુમલામાં તમામ ચીની એન્જીનિયર્સ સુરક્ષિત

એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ ઘટનામાં ચીનની બાજુએ કોઈ જાનહાનિ થઈ નથી અને સંબંધિત કર્મચારીઓને યોગ્ય રીતે સલામતી હેઠળ રાખવામાં આવ્યા છે.

પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, “ચીન આતંકવાદના ખતરાનો સંયુક્ત રીતે સામનો કરવા અને પાકિસ્તાનમાં ચીની કર્મચારીઓ, સંસ્થાઓ અને પ્રોજેક્ટ્સની સુરક્ષા માટે પાકિસ્તાન સાથે નિષ્ઠાપૂર્વક કામ કરવાનું ચાલુ રાખશે.”

બલૂચિસ્તાનના તટીય શહેર ગ્વાદરમાં રવિવારે સવારે ચીની એન્જિનિયરો અને પાકિસ્તાની દળોના વાહનોના કાફલાને નિશાન બનાવવામાં આવ્યું હતું. આતંકવાદીઓએ નાના હથિયારો અને હેન્ડ ગ્રેનેડનો ઉપયોગ કરીને હુમલો કર્યો હતો. 

આ હુમલો બલૂચિસ્તાનના ગ્વાદર પોલીસ સ્ટેશન નજીક થયો હતો જ્યારે 23 ચીની એન્જિનિયરોને લઈને જતો કાફલો પોલીસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યો હતો અને IED બ્લાસ્ટ થયો હતો. વાન જે કાફલાનો ભાગ હતી તેના કાચમાં ગોળી વાગતા તિરાડો સર્જાઈ હતી. 

“સ્વતંત્રતા તરફી” જૂથ બલૂચ લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી લીધી. બલૂચિસ્તાન અને સિંધ આગામી આદેશો સુધી તેમના નિવાસસ્થાનની અંદર રહેશે.

એક અહેવાલ પ્રમાણે, પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ તેમની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) દ્વારા જાહેર કરાયેલા નિવેદનને ટાંકીને કાફલા પરના હુમલાની નિંદા કરી હતી. તેમણે હુમલાના આરોપીઓને સજા કરવા માટે પણ હાકલ કરી હતી અને જવાબી કાર્યવાહી માટે સૈનિકોની પ્રશંસા કરી હતી. 

છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનમાં ચીની નાગરિકો પર હુમલામાં વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષે એપ્રિલમાં, કરાચી યુનિવર્સિટીના કેમ્પસમાં કન્ફ્યુશિયસ ઈન્સ્ટિટ્યૂટના પ્રવેશદ્વાર પર એક મહિલા આત્મઘાતી બોમ્બર દ્વારા  ત્રણ ચાઈનીઝ શિક્ષકો અને તેમના સ્થાનિક ડ્રાઈવરની હત્યા કરવામાં આવી હતી.