ચીને નવા નકશામાં અરૂણાચલ પ્રદેશ, અક્સાઈ ચીન પોતાનામાં દર્શાવ્યા, ખોટું અર્થઘટન ન કરવા સલાહ આપી

ચીને તાજેતરમાં જ ‘સ્ટાન્ડર્ડ મેપ ઓફ ચાઈના’ની વર્ષ 2023 માટેની એડિશન બહાર પાડી હતી જેમાં અરૂણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને પોતાના હિસ્સામાં દર્શાવ્યા હતા. ભારતે આ મામલે આકરો વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રી જયશંકર પ્રસાદે તેને ચીનની જૂની આદત ગણાવીને માત્ર વાહિયાત દાવાઓ કરવાથી અન્ય લોકોના ક્ષેત્ર તમારા ન બની જાય તેમ જણાવ્યું હતું.  ભારત […]

Share:

ચીને તાજેતરમાં જ ‘સ્ટાન્ડર્ડ મેપ ઓફ ચાઈના’ની વર્ષ 2023 માટેની એડિશન બહાર પાડી હતી જેમાં અરૂણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને પોતાના હિસ્સામાં દર્શાવ્યા હતા. ભારતે આ મામલે આકરો વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રી જયશંકર પ્રસાદે તેને ચીનની જૂની આદત ગણાવીને માત્ર વાહિયાત દાવાઓ કરવાથી અન્ય લોકોના ક્ષેત્ર તમારા ન બની જાય તેમ જણાવ્યું હતું. 

ભારત વધુ પડતું અર્થઘટન ન કરેઃ ચીન

ભારતના આ પ્રકારના વિરોધ બાદ ચીને પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ચીને તેને ‘દેશના સાર્વભૌમત્વની સામાન્ય કવાયત’ ગણાવી છે. ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તા વાંગ જિયાઓજિયાને બુધવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિનની એક બ્રીફિંગની માહિતી શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “અમને આશા છે કે સંબંધિત પક્ષ ઉદ્દેશ્યપૂર્ણ અને શાંત રહેશે. તેઓ આ મુદ્દે વધુ પડતું અર્થઘટન નહીં કરે.”

વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન

વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના નવા નકશાને સંપૂર્ણપણે નકારી દીધો હતો. સાથે જ તેમણે આ પ્રકારના નકશા બહાર પાડવા એ ચીનની જૂની આદત છે, તેના દાવાઓથી કશું નહીં વળે તેમ પણ કહ્યું હતું. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે, ચીને નકશામાં જે વિસ્તારોને પોતાના ગણાવ્યા છે તે તેના નથી. 

આવું કરવું એ ચીનની જૂની આદતછે. અક્સાઈ ચીન અને લદ્દાખ ભારતના અભિન્ન હિસ્સા છે. અગાઉ પણ ચીન ભારતના ક્ષેત્રોને પોતાનામાં આવરતા નકશા બહાર પાડી ચુક્યું છે અને તેના દાવાઓથી કશું નથી થતું. અમારી સરકારનું વલણ સ્પષ્ટ છે. નકામા દાવાઓ કરવાથી કોઈના વિસ્તારો તમારા નથી બની જતા. 

ભારતમાં રાજકીય વિવાદ

ચીને પોતાનો નવો સ્ટાન્ડર્ડ મેપ એવા સમયે બહાર પાડ્યો છે જ્યારે ભારતમાં G-20 સમિટ યોજાવા જઈ રહી છે. ચીનના નવા નકશાને લઈ ભારતમાં રાજકીય વિવાદ જામ્યો છે. કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધીએ આ મામલે વડાપ્રધાન મોદીએ જવાબ આપવો જોઈએ તેમ કહ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “હું અનેક વર્ષોથી કહું છું કે વડાપ્રધાને જે કહ્યું કે, લદ્દાખની એક ઈંચ જમીન પણ નથી ગઈ તે ખોટું છે. આખું લદ્દાખ જાણે છે કે ચીને અતિક્રમણ કર્યું છે. નકશાનો મુદ્દો ગંભીર છે. વડાપ્રધાને આ મામલે કશુંક કહેવું જોઈએ.” 

ચીને અરૂણાચલની 11 જગ્યાના નામ બદલ્યા

અગાઉ એપ્રિલ 2023માં ચીને પોતાના નકશામાં અરૂણાચલ પ્રદેશની 11 જગ્યાઓના નામ બદલી નાખ્યા હતા. ચીને છેલ્લા 5 વર્ષમાં ત્રીજી વખત આ પ્રકારની હરકત કરી છે. અગાઉ 2021માં ચીને 15 સ્થળો અને 2017માં 6 સ્થળોના નામ બદલ્યા હતા.