China: પોતાના પેંતરાઓને પાર પાડવા વિવિધ ભાષાના ઈન્ફ્લુએન્સર્સનો કરી રહ્યું છે ઉપયોગ

ચીનની ફોજમાં મોટા ભાગના ડેમોક્રેટિક વર્લ્ડના છે જેમ કે, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, યુકે, ન્યૂઝીલેન્ડ, ઈઝરાયલ, તાઈવાન

Courtesy: Twitter

Share:

China: એક તરફ ભારતનો પાડોશી દેશ ચીન (China) પોતાના સત્તાવાદી શાસન, ઉત્પીડન, જાતીય અલ્પસંખ્યકો સાથેના દુર્વ્યવહાર અને પાડોશીઓ સાથેના આક્રમક વલણના કારણે વૈશ્વિક ટીકાનો સામનો કરી રહ્યું છે. ત્યારે રાષ્ટ્રપતિ શી જિનપિંગના શાસને મોટા પાયે વિદેશી ઈન્ફ્લુએન્સર્સની મદદથી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના ઓનલાઈન પ્રચાર, કાઉન્ટર નરેટિવ્સનો પ્રસાર શરૂ કર્યો છે. 

ઓસ્ટ્રેલિયાની સ્ટ્રેટેજિક પોલિસી ઈન્સ્ટિટ્યુટના કહેવા પ્રમાણે બેઈજિંગે બહુભાષીય પ્રભાવશાળી ઈન્ક્યુબેટર સ્ટુડિયો સ્થાપિત કરીને ચીની યુનિવર્સિટીઝમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના એક વિશાળ નેટવર્કમાં પગપેસારો કર્યો છે. તેના દ્વારા મહત્વાકાંક્ષી ક્રિએટર્સ વચ્ચે પાર્ટી અને દેશ તરફી પ્રચારને આગળ વધારવા અને વૈશ્વિક ધારણાઓનો મુકાબલો કરવા માટે પ્રતિસ્પર્ધા ઉભી કરી છે. 


Chinaએ તૈયાર કરી 120 આંતરરાષ્ટ્રીય પ્રચારકોની ફોજ

કૈનબરા સ્થિત થિંક ટેન્ક વિશ્લેષક ફર્ગસ રયાન, મૈટ નાઈટ અને ડારિયા ઈમ્પિઓમ્બાટો દ્વારા લિખિત એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બેઈજિંગે 120થી વધારે આંતરરાષ્ટ્રીય પ્રભાવશાળી લોકોની ફોજ તૈયાર કરી છે જે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના પ્રચારને અનુરૂપ સામગ્રીનું નિર્માણ કરવા માટે ઉત્તરદાયી છે. તેઓ ચીની દર્શકો માટે પણ પાર્ટીને અનુરૂપ કન્ટેન્ટ બનાવે છે અને વિદેશમાં તેના પ્રચારનું સમર્થન કરે છે. 

ડેમોક્રેટિક વર્લ્ડના ઈન્ફ્લુએન્ઝર્સ

ચીનની આ ફોજમાં મોટા ભાગના ડેમોક્રેટિક વર્લ્ડના છે જેમ કે, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, યુનાઈટેડ કિંગ્ડમ, ન્યૂઝીલેન્ડ, ઈઝરાયલ અને તાઈવાન. ઉદાહરણ તરીકે જોઈએ તો અમેરિકી ઈન્ફ્લુએન્ઝર જેરી કોવલ જેમના યુટ્યુબ પર 2.6 કરોડ ફોલોઅર્સ છે અને તે બિલિબિલિ, ડોયિન, જિગુઆ અને ટુટિયાઓ જેવા ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ ખૂબ પ્રખ્યાત છે. તેમણે અમેરિકાની ટીકા કરવાની સાથે કોવિડ-19 મામલે ચીનની પ્રતિક્રિયાની પ્રશંસા કરતા અનેક વીડિયો બનાવ્યા છે. 

જેરી કોવલ જ્યારે વર્ષ 2021ની શરૂઆતમાં સાન ફ્રાન્સિસ્કોથી શાંઘાઈ પહોંચ્યા હતા ત્યારે તેઓ પોતાના વીડિયોમાં એમ કહેતા સંભળાય છે કે, "હું ખુશ છું. મને આઝાદીનો અનુભવ થઈ રહ્યો છે. અહીં કોઈ વાયરસ નથી અને કોઈ એન્ટી માસ્કર્સ નથી. અહીં સૌથી વધુ વ્યવસ્થિત છે."

પશ્ચિમી મીડિયામાં તેમનો વીડિયો વાયરલ થયો ત્યાર બાદ ચીન (China)ની ટીવી ચેનલ્સે તેમને આમંત્રણ પાઠવ્યું હતું અને એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે પોતાને ચીન પ્રત્યે વિદેશી મીડિયાના પૂર્વગ્રહથી દૂર, નિષ્પક્ષ ઓબ્ઝર્વેટર ગણાવ્યા હતા. સાથે જ ન્યૂયોર્ક ટાઈમ્સ જેવા પશ્ચિમી મીડિયા આઉટલેટ્સને ફેક ન્યૂઝ ગણાવ્યા હતા. 

અનેક વિદેશી પ્રભાવશાળી લોકોએ એવું અનુભવ્યું છે કે, ચીની રાષ્ટ્રવાદની અપીલ કરવાથી તેમની લોકપ્રિયતામાં ઝડપથી વધારો થઈ શકે છે અને સાથે જ રેવન્યુ પણ વધી શકે છે કારણ કે, ચીનના ઈન્ટરનેટ નિયમો ઉપયોગકર્તાઓને ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીના પ્રચારને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરે છે.