દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનની દાદાગીરી, ફ્લોટિંગ બેરિયર્સ લગાવતા રોષે ભરાયું ફિલિપાઈન્સ

લદ્દાખ મોરચે ભારત સાથે વિવાદ નોતર્યા બાદ ચીને હવે સમુદ્રમાં પણ દાદાગીરી કરવાનું શરૂ કરી દીધું છે. ચીન દ્વારા દક્ષિણ ચીની સમુદ્રમાં આવેલા એક વિવાદિત ક્ષેત્રમાં ફ્લોટિંગ બેરિયર્સ લગાવવામાં આવ્યા છે. ચીનની આ હરકત પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સમુદ્રના વિસ્તાર પર કબજો જમાવવાનો અને ફિલિપાઈન્સની હોડીઓને તે વિસ્તારમાં પ્રવેશતી અટકાવવાનો છે. ફિલિપાઈન્સની નૌસેનાએ ચીની કોસ્ટ ગાર્ડ […]

Share:

લદ્દાખ મોરચે ભારત સાથે વિવાદ નોતર્યા બાદ ચીને હવે સમુદ્રમાં પણ દાદાગીરી કરવાનું શરૂ કરી દીધું છે. ચીન દ્વારા દક્ષિણ ચીની સમુદ્રમાં આવેલા એક વિવાદિત ક્ષેત્રમાં ફ્લોટિંગ બેરિયર્સ લગાવવામાં આવ્યા છે. ચીનની આ હરકત પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સમુદ્રના વિસ્તાર પર કબજો જમાવવાનો અને ફિલિપાઈન્સની હોડીઓને તે વિસ્તારમાં પ્રવેશતી અટકાવવાનો છે.

ફિલિપાઈન્સની નૌસેનાએ ચીની કોસ્ટ ગાર્ડ દ્વારા આ હરકત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. મનીલાના કોસ્ટ ગાર્ડ તથા મત્સ્ય પાલન અને જલીય સંસાધન બ્યુરોએ સ્કારબોરો શોલ વિસ્તારમાં ચીન દ્વારા અવરોધ સ્થાપિત કરવામાં આવ્યા તેની આકરી ટીકા કરી હતી. ફિલિપાઈન્સના કોસ્ટ ગાર્ડના પ્રવક્તા કમોડોર જે તારિએલાએ જણાવ્યું હતું કે, ચીનની કાર્યવાહી તેમના દેશના માછીમારોને કિનારાથી દૂર દરિયામાં જતા અટકાવી રહી છે તથા ફિલિપાઈન્સના માછીમારોને માછલી પકડવા અને આજીવિકા માટેની પ્રવૃત્તિ કરવાથી વંચિત કરી રહી છે. 

ચીનના જહાજોએ ફિલિપાઈન્સની હોડીઓને ધમકાવી

તારિએલાએ જણાવ્યું હતું કે, ફિલિપાઈન્સનું કોસ્ટ ગાર્ડ આ પડકારોનો સામનો કરવા માટે અને ફિલિપાઈન્સના સમુદ્રી અધિકારો જાળવી રાખવા તેમના સમુદ્રી ડોમેનની રક્ષા માટે તમામ સંબંધિત સરકારી એજન્સીઓ સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. મનીલામાં ચીની દૂતાવાસે આ મામલે મૌન સેવ્યું છે. 

વધુમાં તારિએલાએ જણાવ્યું હતું કે, ફિલિપાઈન્સના જહાજ પર મીડિયાકર્મીઓની ઉપસ્થિતિનો અનુભવ થયા બાદ ચીનની હોડીઓએ 15 વખત રેડિયો પર ચેતવણી જાહેર કરી હતી તથા ફિલિપાઈન્સના જહાજ અને માછીમારો પર આંતરરાષ્ટ્રીય અને ચીનના કાયદાઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. 

300 મીટર લાંબા ફ્લોટિંગ બેરિયર્સ

તારિએલાએ જણાવ્યું હતું કે, ફિલિપાઈન્સના કોસ્ટ ગાર્ડ અને મત્સ્ય પાલન બ્યુરોના કર્મચારીઓ શુક્રવારના રોજ નિયમિત પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા તે સમયે સ્કારબોરો શોલ પાસે જેને સ્થાનિક ભાષામાં બાજો ડી માસિનલોક તરીકે ઓળખવામાં આવે છે ત્યાં ફ્લોટિંગ બેરિયર્સ મળી આવ્યા હતા જે આશરે 300 મીટર (1,000 ફૂટ) સુધી ફેલાયેલા હતા. 


ફિલિપાઈન્સનું જહાજ ત્યાં પહોંચ્યુ એટલે 3 ચીની કોસ્ટગાર્ડ હોડી અને એક ચીની સમુદ્રી મિલિશિયા સેવા હોડીએ તેમના રસ્તામાં અડચણ ઉભી કરી હતી. ફિલિપાઈન્સના માછીમારોના કહેવા પ્રમાણે સામાન્ય રીતે ચીન આવા અવરોધો ત્યારે ઉભા કરે છે જ્યારે તે ક્ષેત્રમાં મોટી સંખ્યામાં માછીમારોનું મોનિટરિંગ કરે છે. 

દક્ષિણ ચીની સમુદ્રના 90 ટકા હિસ્સા પર ચીનનો દાવો

ચીન દ્વારા વિયેતનામ, મલેશિયા, બ્રુનેઈ, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સના વિશેષ આર્થિક ક્ષેત્રોને ઓવરલેપ કરીને દક્ષિણ ચીની સમુદ્રના 90 ટકા હિસ્સા પર પોતાનો દાવો કરવામાં આવે છે. બેઈજિંગે 2012માં સ્કારબોરો શોલ પર પોતાનો કબજો જમાવ્યો હતો.