ચીનના સરકારી અધિકારીઓ માટે એપલના આઈફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો

ચીને અમેરિકી કંપની એપલ સહિત અન્ય દેશોના ડિવાઈસના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દીધો છે. જોકે આ પ્રતિબંધ માત્ર સરકારી અધિકારીઓ પર જ લાગુ થશે. ચીનના સરકારી અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે, તેઓ ઓફિસમાં વિદેશી કંપનીઓના ડિવાઈસ ન લાવે અને કામ માટે તેનો ઉપયોગ પણ ન કરે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો […]

Share:

ચીને અમેરિકી કંપની એપલ સહિત અન્ય દેશોના ડિવાઈસના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દીધો છે. જોકે આ પ્રતિબંધ માત્ર સરકારી અધિકારીઓ પર જ લાગુ થશે. ચીનના સરકારી અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે, તેઓ ઓફિસમાં વિદેશી કંપનીઓના ડિવાઈસ ન લાવે અને કામ માટે તેનો ઉપયોગ પણ ન કરે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે. 

ચીનની સરકારે પોતાના અધિકારીઓને દેશમાં બનેલા ફોનનો ઉપયોગ કરવા માટે જણાવ્યું છે. અહેવાલ પ્રમાણે ચીને એપલ સિવાય અન્ય ફોન ઉત્પાદકનું નામ લેવાનું ટાળ્યું હતું. હજુ સુધી આ મામલે એપલની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. જોકે ચીનની સરકારે પણ આ પ્રતિબંધ અંગે કોઈ સત્તાવાર જાણકારી નથી આપી. 

ચીને સરકારી અધિકારીઓને કામ માટે એપલ આઈફોન્સ અને અન્ય વિદેશી બ્રાન્ડના ડિવાઈસનો ઉપયોગ ન કરવાની અને તેમને કાર્યસ્થળોએ ન લાવવાનો આદેશ આપ્યો છે. હકીકતે આ શી જિનપિંગના નેતૃત્વનું સંવેદનશીલ જાણકારીઓને સરહદ બહાર પહોંચતી સીમિત કરવાના પ્રયત્નો અંતર્ગતનું પગલું છે. ચીન એપલ કંપનીના સૌથી વિશાળ માર્કેટ્સ પૈકીનું એક છે અને કંપનીની કુલ રેવન્યુમાં ચીન 19 ટકા હિસ્સો ધરાવે છે. 

એપલ (Apple)ના કાર્યક્રમ પહેલા પ્રતિબંધ

આગામી સપ્તાહે યોજાનારા એપલના કાર્યક્રમ પહેલા જ આ પ્રકારનો પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે તે કાર્યક્રમ iPhonesની એક નવી સીરિઝના લોન્ચિંગને લગતો હશે. આ પ્રકારની જાહેરાતના કારણે ચીન અને અમેરિકા વચ્ચેના તણાવમાં વધારો થયો છે જેથી ચીનમાં કામ કરતી અન્ય વિદેશી કંપનીઓમાં પણ ચિંતા પ્રવર્તે તેવી શક્યતા છે.

ચીન ડેટા સુરક્ષા મામલે ચિંતિત

ચીન છેલ્લા કેટલાક વર્ષોથી ડેટા સુરક્ષા મામલે વધુ ચિંતિત બન્યું છે અને તેણે કંપનીઓ માટે નવા કાયદા અને તેના પાલન માટેના નિયમો લાગુ કર્યા છે. મે મહિનામાં ચીને મોટા રાજ્યોની માલિકીના ઉદ્યોગો (SOE) સમક્ષ ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાના અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનો આગ્રહ દાખવ્યો હતો. 

હાલ ચીન અને અમેરિકા વચ્ચે ખૂબ જ તણાવભર્યો માહોલ છે કારણ કે, વોશિંગ્ટન પોતાની ચિપ ઈન્ડસ્ટ્રીને પ્રતિસ્પર્ધી બનાવી રાખવા માટે જરૂરી મહત્વપૂર્ણ ઉપકરણો સુધીની ચીનની પહોંચને અટકાવવા માટે સહયોગીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે. બીજી બાજુ બેઈજિંગ વિમાન નિર્માતા બોઈંગ અને ચિપ કંપની માઈક્રોન ટેક્નોલોજી સહિતની પ્રમુખ અમેરિકી કંપનીઓના શિપમેન્ટને પ્રતિબંધિત કરી રહ્યું છે. જોકે અમેરિકાએ પણ ચીનની સ્માર્ટફોન બ્રાન્ડ હુઆવેઈ અને ચીનની કંપની બાઈટડાન્સના માલિકી હકવાળા પ્લેટફોર્મ ટિકટોક પર પ્રતિબંધ મુકી દીધો હતો.