વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા બાદ કેનેડામાં સંગઠિત અપરાધ, ઉગ્રવાદ અંગે આપ્યું નિવેદન

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં હાજરી આપવા માટે ન્યૂયોર્ક પહોંચ્યા હતા. ત્યાં તેઓ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ભારત પર લગાવવામાં આરોપોનો જડબાતોડ જવાબ આપશે તેવી આશા હતી. જોકે ડૉ. એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પોતાના સંબોધન બાદ ન્યૂયોર્ક ખાતે અન્ય એક કાર્યક્રમ દરમિયાન કેનેડા […]

Share:

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં હાજરી આપવા માટે ન્યૂયોર્ક પહોંચ્યા હતા. ત્યાં તેઓ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ભારત પર લગાવવામાં આરોપોનો જડબાતોડ જવાબ આપશે તેવી આશા હતી. જોકે ડૉ. એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પોતાના સંબોધન બાદ ન્યૂયોર્ક ખાતે અન્ય એક કાર્યક્રમ દરમિયાન કેનેડા પર પ્રહારો કર્યા હતા.

વિદેશમંત્રીએ ખાલિસ્તાન મામલે વાત કરી

ડૉ. એસ. જયશંકરે મંગળવારે કાઉન્સિલ ફોર ફોરેન રિલેશન્સના કાર્યક્રમ દરમિયાન કેનેડામાં સંગઠિત અપરાધ મુદ્દે ખુલીને વાત કરી હતી. ખાસ કરીને જે અલગાવવાદી શક્તિઓ, હિંસા અને ઉગ્રવાદ સાથે સંકળાયેલા છે તે મુદ્દે વાત કરી હતી. આ સાથે જ ડૉ. એસ. જયશંકરે રાજકીય કારણોસર આવી ગતિવિધિઓ સહન કરવાની કેનેડાની સ્પષ્ટ ઈચ્છા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

ડૉ. એસ. જયશંકરે નિજ્જરની હત્યા મામલે કેનેડા સરકાર દ્વારા ભારત પર લગાવાયેલા આરોપોને અયોગ્ય ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારત પોતાની નીતિઓને વળગી રહે છે માટે તે આ પ્રકારની ઘટનાઓમાં સામેલ નથી થતું. આ સાથે જ ડૉ. એસ. જયશંકરે ભારત દ્વારા કેનેડાને તેમની ધરતી પરથી સંચાલિત સંગઠિત અપરાધ નેતૃત્વ અંગે જાણકારી આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ મોટી સંખ્યામાં પ્રત્યાર્પણ અનુરોધ અને આતંકવાદી નેતાઓની ઓળખ કરવામાં આવી હોવાનું પણ કહ્યું હતું. આ સાથે જ ડૉ. એસ. જયશંકરે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ અને વાણિજ્ય દૂતાવાસોએ ધમકીઓનો સામનો કરવો પડે છે તેને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. 

રાજદ્વારીઓને ધમકી અપાઈ રહી છે: ડૉ. એસ. જયશંકર

ડૉ. એસ. જયશંકરે કહ્યું હતું કે, અમારા પાસે એવી સ્થિતિઓ છે જ્યાં ખરેખર અમારા રાજદ્વારીઓને ધમકી આપવામાં આવી છે, અમારા વાણિજ્ય દૂતાવાસો પર હુમલા થયા છે અને ઘણી વખત ‘અમારા રાજકારણમાં હસ્તક્ષેપ’ કહીને ટિપ્પણીઓ કરવામાં આવે છે. ડૉ. એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના ભાષણ દરમિયાન પણ આ મુદ્દાને સંબોધિત કર્યો હતો પરંતુ તેમણે સ્પષ્ટપણે કેનેડાનું નામ નહોતું લીધું. 

એક અમેરિકી રાજદ્વારીએ ફાઈવ આઈઝ પાર્ટનર્સ વચ્ચે સંયુક્તપણે ગુપ્ત માહિતી હોવાનો આરોપ લગાવ્યો હતો. આ કારણે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટ્સની સામેલગીરીનો આરોપ લગાવ્યો હતો આ અંગેના સવાલને ડૉ. એસ. જયશંકરે એમ કહીને ટાળી દીધો હતો કે, “હું ફાઈવ આઈઝનો હિસ્સો નથી, હું નિશ્ચિતરૂપે એફબીઆઈનો હિસ્સો નથી. માટે મને લાગે છે કે તમે ખોટી વ્યક્તિને ખોટો સવાલ કરી રહ્યા છો.”

ડૉ. એસ. જયશંકરે કેનેડામાં અલગાવવાદી શક્તિઓ સાથે સંબંધિત સંગઠિત અપરાધના અનેક કિસ્સાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. ડૉ. એસ. જયશંકરે કહ્યું હતું કે, “અમે વારંવાર કેનેડાને ખાલિસ્તાન સમર્થકો સામે કાર્યવાહી કરવા કહ્યું. અમે કેનેડાની ધરતી પર રહીને સંગઠિત અપરાધ કરવામાં આવ્યો હોય તેના સાથે સંબંધિત અનેક જાણકારી પણ પૂરી પાડી હતી. ભારત સરકારે કેનેડા સમક્ષ અનેક લોકોના પ્રત્યાર્પણની પણ અપીલ કરી હતી.”

આમ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે લોકશાહીના નામે ભારતના રાજકારણમાં જે પ્રકારે દખલ થઈ રહી છે તેને લઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો.