વિદેશમંત્રી એસ. જયશંકરનું નિવેદન, કહ્યું- G20ની અધ્યક્ષતા કરવી એ ખુબ જ મુશ્કેલ કામ હતું

G20 સમિટની સફળ અધ્યક્ષતા બાદ હવે વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર હાલ અમેરિકાની યાત્રા પર છે ત્યાં તેઓ યુનાઈટેડ નેશન્સની દર વર્ષે યોજાતી સભામાં ભાગ લેશે અને ત્યારબાદ વિવિધ થિન્ક ટેન્ક અને કંપનીઓના વડાને પણ મળશે. આ દરમિયાન, ન્યુયોર્કમાં યુનાઈટેડ નેશન્સના એક કાર્યક્રમમાં ભારતની G20ની અધ્યક્ષતા વિશે વાત કરતા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે તે […]

Share:

G20 સમિટની સફળ અધ્યક્ષતા બાદ હવે વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર હાલ અમેરિકાની યાત્રા પર છે ત્યાં તેઓ યુનાઈટેડ નેશન્સની દર વર્ષે યોજાતી સભામાં ભાગ લેશે અને ત્યારબાદ વિવિધ થિન્ક ટેન્ક અને કંપનીઓના વડાને પણ મળશે. આ દરમિયાન, ન્યુયોર્કમાં યુનાઈટેડ નેશન્સના એક કાર્યક્રમમાં ભારતની G20ની અધ્યક્ષતા વિશે વાત કરતા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે તે એક પડકારજનક સમિટ હતી અને તેની અધ્યક્ષતા કરવી એક મુશ્કેલ કામ હતું. 

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરનો અમેરિકા પ્રવાસ

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે, ભારતના G20 પ્રમુખપદ દરમિયાન સામનો કરવામાં આવેલા પડકારો અને વૈશ્વિક વૃદ્ધિ અને વિકાસ એજન્ડાને સંબોધવાના મહત્વ પર ભાર મૂક્યો હતો કારણ કે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણના સભ્ય દેશોની વચ્ચે અનેક મતભેદો હતા.

ન્યૂયોર્કમાં ‘ઈન્ડિયા-યુએન ફોર ગ્લોબલ સાઉથઃ ડિલિવરીંગ ફોર ડેવલપમેન્ટ’ કાર્યક્રમને સંબોધતી વખતે વિદેશ મંત્રીએ કહ્યું, “આપણે નવી દિલ્હી G20 સમિટના થોડા અઠવાડિયા પછી મળી રહ્યા છીએ. જે એક પૃથ્વી, એક પરિવાર અને એક વિશ્વની થીમ પર યોજાઈ હતી. આ એક પડકારજનક સમિટ હતી, કારણ કે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણના સભ્ય દેશોની વચ્ચે અનેક મતભેદો હતા. પરંતુ અમે G20ના પ્રમુખ તરીકે અમને વિશ્વાસ હતો કે આ સંગઠન તેના મુખ્ય ધ્યેય કે જે વૈશ્વિક વૃદ્ધિ અને વિકાસનો છે, તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરશે.”

G20 સમિટ ભારતની કૂટનીતિક જીત

અહીં નોંધનીય છે કે ભારતે થોડાક અઠવાડિયા પહેલા G20ની સફળ સમિટ યોજી હતી. દિલ્હીમાં યોજાયેલી આ સમિટમાં વિશ્વના વિવિધ દેશોના વડા આવ્યા હતા, જેમાં અમેરિકાના જો બાઈડન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, કેનેડાના વધપ્રધાન જસ્ટિન ટ્રુડો, ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, યુરોપિયન કાઉન્સિલનાં વડા  ચાર્લ માઈકલ, બ્રિટનના વડાપ્રધાન રિશી સુનક સહિતના નેતાઓ સામેલ હતા. દિલ્હી સમિટના અંતિમ દિવસે જોઈન્ટ ડીક્લેરેશન પણ બહાર પાડવામાં આવ્યું હતું જેને ભારતની કૂટનીતિક જીત માનવામાં આવી રહી છે. 

વિદેશ મંત્રી એસ. જયશંકરે એમ પણ કહ્યું હતું કે ભૌગોલિક રાજકીય વિચારણાઓ અને દુશ્મની ઘણા દેશોમાં લોકોની મૂળભૂત જરૂરિયાતોને પ્રભાવિત કરી રહી છે. 

વિદેશમંત્રી એસ. જયશંકર 26 સપ્ટેમ્બરે યુએનજીએમાં ભાષણ પણ આપવાના છે. તે પહેલા શુક્રવારે વિદેશમંત્રીએ વિવિધ દેશોના મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી. આ ઉપરાંત, તેમને ક્વૉડ બેઠકમાં પણ ભાગ લીધો હતો. જેમાં, ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રી સામેલ હતા. 

નોંધનીય છે કે ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે વિદેશમંત્રી એસ. જયશંકરની આ યાત્રા કૂટનીતિની દ્રષ્ટિએ ભારત માટે ખુબ જ મહત્વપૂર્ણ છે.