અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એટલાન્ટા જેલમાં કર્યું આત્મસમર્પણ, 20 મિનિટમાં મળી ગયા જામીન

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારના રોજ ચૂંટણીલક્ષી છેતરપિંડી મામલે એટલાન્ટાની જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેમની ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી અને તેમણે મગશોટ પ્રક્રિયાનો સામનો કરવો પડ્યો હતો. માત્ર 20 મિનિટ જેલમાં રહ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને જામીન મળી ગયા હતા.  ડોનાલ્ડ ટ્રમ્પ મગશોટનો સામનો કરનારા અમેરિકાના પ્રથમ પૂર્વ રાષ્ટ્રપતિ બન્યા છે. અમેરિકી […]

Share:

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારના રોજ ચૂંટણીલક્ષી છેતરપિંડી મામલે એટલાન્ટાની જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેમની ઔપચારિક ધરપકડ કરવામાં આવી હતી અને તેમણે મગશોટ પ્રક્રિયાનો સામનો કરવો પડ્યો હતો. માત્ર 20 મિનિટ જેલમાં રહ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને જામીન મળી ગયા હતા. 

ડોનાલ્ડ ટ્રમ્પ મગશોટનો સામનો કરનારા અમેરિકાના પ્રથમ પૂર્વ રાષ્ટ્રપતિ બન્યા છે. અમેરિકી કાયદા પ્રમાણે પોલીસ આરોપીના ચહેરાનો ફોટો ખેંચે તેને મગશોટ કહે છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2020માં જોર્જિયામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પરિણામોને પલટાવવા ષડયંત્ર રચ્યું હતું. 

ડોનાલ્ડ ટ્ર્મ્પના સમર્થકોની જેલ બહાર ભીડ

ડોનાલ્ડ ટ્રમ્પ આત્મસમર્પણ માટે જેલ પહોંચ્યા એ સાથે જ તેમના અનેક ડઝન સમર્થકો ટ્રમ્પના બેનર અને અમેરિકાના ઝંડાઓ સાથે ડોનાલ્ડ ટ્રમ્પની એક ઝલક મેળવવા જેલ બહાર એકઠા થઈ ગયા હતા. જેલ બહાર એકઠા થયેલા ટ્રમ્પ સમર્થકોમાં જોર્જિયાના અમેરિકી પ્રતિનિધિ માર્જોરી ટેલર ગ્રીન પણ સામેલ હતા જે પૂર્વ રાષ્ટ્રપતિના સૌથી વફાદાર કોંગ્રેસ સહયોગીઓ પૈકીના એક હતા. 

જ્યારે એટલાન્ટા ક્ષેત્રમાં વિમાનન ઉદ્યોગ સાથે સંકળાયેલા 49 વર્ષીય લાઈલ રેવર્થ ગુરૂવાર સવારથી જેલની બહાર 10 કલાક સુધી રાહ જોઈને ઉભા રહ્યા હતા.

ટ્રમ્પના સહયોગીઓનું આત્મસમર્પણ

ડોનાલ્ડ ટ્રમ્પ જોર્જિયામાં વિભિન્ન 13 કેસનો સામનો કરી રહ્યા છે જેમાં છેતરપિંડીનો આરોપ, ખોટા નિવેદન સહિતના અનેક કેસ સમાવિષ્ટ છે. અગાઉ ટ્રમ્પના પૂર્વ સહયોગી માર્ક મીડોજે ફુલ્ટન કાઉન્ટીમાં આત્મસમર્પણ કર્યું હતું. કાઉન્ટીની વેબસાઈટમાં જાહેર વિગતો પ્રમાણે તેમની ધરપકડ કરી લેવાઈ છે. મીડોજ ટ્રમ્પ સાથેના એ 18 સહઆરોપીઓમાં સામેલ છે જેમના પર વર્ષ 2020ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને પલટવા માટે ષડયંત્ર રચવામાં ડોનાલ્ડ ટ્રમ્પની મદદ કરવાનો આરોપ છે. 

ટ્રમ્પને કોર્ટે આત્મસમર્પણ કરવાનો વિકલ્પ આપ્યો હતો. કોર્ટના સૂચન બાદ ટ્રમ્પ સહિત આ કેસના આરોપી ગણવામાં આવેલા અન્ય 19 લોકોની પણ ધરપકડ કરી લેવાઈ છે. ચૂંટણી પહેલા ટ્રમ્પ કુલ 4 વખત અમેરિકાની વિવિધ કોર્ટમાં આત્મસમર્પણ કરી ચુક્યા છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં તેમણે પ્રથમ વખત કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. 20 મિનિટમાં જામીન બાદ એટલાન્ટાના એરપોર્ટ પર તેમણે “મેં કશું પણ ખોટું નથી કર્યું” આવું નિવેદન આપ્યું હતું. 

જામીન માટેની શરતો

આત્મસમર્પણ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના માટે 2 લાખ ડોલરના જામીન બોન્ડ ભરવા પડ્યા હતા. આ બોન્ડમાં કેટલીક શરતો પણ સામેલ છે. જેમાં સાક્ષીઓને ડરાવવા, ધમકાવવા નહીં અને તેમને મળવા પ્રયત્ન ન કરવો તે મુખ્ય શરત છે.