G20 સમિટ એ કોઈ ચૂંટણીલક્ષી ટૂલ નહીં પરંતુ વર્ષોની મહેનતનું પરિણામઃ પિયૂષ ગોયલ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે ભારતની G20 અધ્યક્ષતાને રાજકારણ સાથે ન જોડવા માટે અપીલ કરીને આ પ્રકારની વૃત્તિને નબળા દૃષ્ટિકોણવાળી ગણાવી હતી.  કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે કહ્યું હતું કે, G20 સમિટ એ કોઈ ચૂંટણીલક્ષી ટૂલ નહીં પરંતુ અનેક વર્ષોની મહેનતનું પરિણામ છે અને તેની ઉજવણી થવી જોઈએ. વધુમાં G20 સમિટના કારણે વિશ્વ સમક્ષ ભારતની […]

Share:

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે ભારતની G20 અધ્યક્ષતાને રાજકારણ સાથે ન જોડવા માટે અપીલ કરીને આ પ્રકારની વૃત્તિને નબળા દૃષ્ટિકોણવાળી ગણાવી હતી. 

કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે કહ્યું હતું કે, G20 સમિટ એ કોઈ ચૂંટણીલક્ષી ટૂલ નહીં પરંતુ અનેક વર્ષોની મહેનતનું પરિણામ છે અને તેની ઉજવણી થવી જોઈએ. વધુમાં G20 સમિટના કારણે વિશ્વ સમક્ષ ભારતની નવી છબિ ઉભરી આવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પોતાની વાતને આગળ વધારતા પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે, “દરેક રાજ્યમાં G20ની બેઠક યોજાઈ. આ કારણે ગામડાના લોકોને પણ ભારત વૈશ્વિક નેતૃત્વ મેળવવાની દિશામાં આગળ વધી રહ્યું હોવાની જાણ થઈ છે.”

પિયૂષ ગોયલે કોરોના કાળને કર્યો યાદ

કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે કોરોના કાળને યાદ કરતા જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારી દરમિયાન ભારતે લોકડાઉન લાગુ કર્યું હતું. તે સમયે મોદી સરકારે લોકડાઉનના કારણે ઉદ્યોગો અને આંતરરાષ્ટ્રીય વ્યાપારને અસર ન પહોંચે તેની ચોકસાઈ રાખી હતી. ભારતમાં કોરોનાના પ્રસાર વખતે દેશના અર્થતંત્રને ખલેલ ન પહોંચે તે માટે અનેક નિર્ણયો લેવાયા હતા. આ સાથે જ તેમણે કોરોના કાળ દરમિયાન ભારતે વિશ્વમાં એક વિશ્વસનીય પાર્ટનર તરીકેની નામના મેળવી હોવાનું પણ જણાવ્યું હતું. 

G20 સમિટ અંગે વિપક્ષની ટીકાનો જવાબ

પિયૂષ ગોયલને મણિપુરની સંઘર્ષમય સ્થિતિ વચ્ચે દેશભરમાં યોજાયેલી G20 સમિટ મામલે વિપક્ષની ટીકાઓ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જોકે પિયૂષ ગોયલે વિપક્ષના અમુક નિવેદનોને અસંગત અને અર્થહીન ગણાવી તે વિશે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી તેમ કહ્યું હતું. 

મણિપુર હિંસાને લઈ G20 સમિટ અંગે વિવાદ

કોંગ્રેસી નેતા શશિ થરૂરે G20 સમિટને અનુલક્ષીને તાજેતરના સમયમાં એવું નિવેદન આપ્યું હતું કે, જ્યારે દેશનું એક રાજ્ય ભડકે બળી રહ્યું છે તેવા સમયે G20 સમિટના લીધે ભારત વૈશ્વિક સ્તરે તેની વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે. 

શશિ થરૂરના G20 અંગેના આ પ્રકારના નિવેદનનો જવાબ આપતા પિયૂષ ગોયલે કહ્યું હતું કે, કોંગ્રેસી નેતાને ભારતની G20 અધ્યક્ષતાના મહત્વની ખૂબ સારી રીતે સમજ છે અને અગાઉ તેમણે ભારતની G20 અધ્યક્ષતાની પ્રશંસા પણ કરી હતી. 

પિયૂષ ગોયલે મણિપુરના સંઘર્ષમય વાતાવરણ અંગે જણાવ્યું હતું કે, મણિપુરમાં ભૂતકાળમાં પણ વંશીય કટોકટીની સ્થિતિઓ સર્જાઈ હતી. હિંસા ફાટી નીકળ્યાના એક જ દિવસમાં મણિપુરમાં કેન્દ્રીય ટુકડીઓ મોકલી દેવાઈ હતી. સંઘર્ષના પ્રથમ અમુક દિવસો દરમિયાન જ ભારે હિંસા થઈ હતી પંરતુ હવે તેનો અંત આવ્યો છે અને મહદઅંશે સ્થિતિ કંટ્રોલમાં છે.