G20 સમિટઃ આજે PM મોદી સાથે ડીનર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, જાણો કયા મુદ્દાઓ પર થશે ચર્ચા

G20 સમિટમાં સહભાગી બનનારા મહેમાનોનું આગમન શરૂ થઈ ચુક્યું છે. મોરેશિયસના વડાપ્રધાન પ્રવીણ કુમાર જગન્નાથ, નાઈજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહમદ ટીનુબૂ સહિતના અનેક મહેમાન દિલ્હી પહોંચી ચુક્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પણ શુક્રવારે (8 સપ્ટેમ્બર) સાંજે દિલ્હી પહોંચશે.  જો બાઈડનની આ ભારત યાત્રા માત્ર G20 સમિટ માટે જ મહત્વની નથી પરંતુ તેઓ વડાપ્રધાન મોદી સાથે […]

Share:

G20 સમિટમાં સહભાગી બનનારા મહેમાનોનું આગમન શરૂ થઈ ચુક્યું છે. મોરેશિયસના વડાપ્રધાન પ્રવીણ કુમાર જગન્નાથ, નાઈજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહમદ ટીનુબૂ સહિતના અનેક મહેમાન દિલ્હી પહોંચી ચુક્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પણ શુક્રવારે (8 સપ્ટેમ્બર) સાંજે દિલ્હી પહોંચશે. 

જો બાઈડનની આ ભારત યાત્રા માત્ર G20 સમિટ માટે જ મહત્વની નથી પરંતુ તેઓ વડાપ્રધાન મોદી સાથે પણ એક મહત્વની બેઠકમાં સામેલ થવાના છે. જો બાઈડન શુક્રવારે સાંજે દિલ્હી એરપોર્ટ પહોંચશે જ્યાં કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહ તેમનું સ્વાગત કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ તરીકેની જો બાઈડનની આ પ્રથમ ભારત યાત્રા હશે. ભારતની મુલાકાત લેનારા અંતિમ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતા અને તેઓ ફેબ્રુઆરી 2020માં ભારત આવ્યા હતા. 

જો બાઈડન 9 અને 10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે અત્યાધુનિક ભારત મંડપમ કન્વેન્શન સેન્ટરમાં યોજાનારી 18મી G20 સમિટમાં સહભાગી બનવા માટે એન્ડ્ર્યુ એર બેઝ ખાતેથી ભારત આવવા નીકળ્યા હતા. વડાપ્રધાન મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને ડીનર માટે આમંત્રિત કર્યા છે. 

બંને નેતા શુક્રવારે (8 સપ્ટેમ્બર)ની સાંજે 7:30 કલાકે લોક કલ્યાણ માર્ગ પર સ્થિત વડાપ્રધાન મોદીના નિવાસ સ્થાન ખાતે મળશે. G20 સમિટમાં સામેલ થવા માટે જો બાઈડન સાંજે ભારત પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદી સાથે ડીનર કરશે. આ સાથે જ બંને નેતાઓની દ્વિપક્ષીય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

જો બાઈડન સાથે આ મુદ્દાઓ પર ચર્ચા થાય તેવી શક્યતા

બંને નેતાઓ સ્વચ્છ ઉર્જા, વ્યાપાર, ઉચ્ચ ટેક્નોલોજી, સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ચાલી રહેલા દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે તેવી શક્યતા છે. આ સાથે જ તેઓ બંને દેશ વિશ્વના કેટલાક ગંભીર પડકારોનો સામનો કરવા માટે કઈ રીતે યોગદાન આપી શકાય તે વિશે પણ ચર્ચા કરી શકે છે. 

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને વડાપ્રધાન મોદી G20ના એજન્ડા, ખાસ કરીને આર્થિક સહયોગ અને બહુપક્ષીય રોકાણના અવસરો પર ચર્ચા કરે તેવી શક્યતા છે. વ્હાઈટ હાઉસના એક અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે બહુપક્ષીય વિકાસ બેંકમાં સુધારો અને તેનું નવું સ્વરૂપ જોવાની જો બાઈડનની પ્રબળ ઈચ્છા છે.

તે સિવાય વ્હાઈટ હાઉસ આ દ્વિપક્ષીય બેઠકમાં જીઈ જેટ એન્જિન અને નાગરિક પરમાણુ ટેક્નોલોજી મામલે સાર્થક પ્રગતિ જોવા ઈચ્છે છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC)ના સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશનના સમન્વયક જોન કિર્બીના કહેવા પ્રમાણે જો બાઈડન અને વડાપ્રધાન મોદી વચ્ચે જળવાયુ અને યુક્રેન યુદ્ધ મામલે ચર્ચા થાય તેવી ખૂબ જ ઓછી શક્યતા છે.