ઈઝરાયલમાં હમાસનો હુમલોઃ 50 વર્ષ બાદ સૌથી હિંસક યુદ્ધ

પેલેસ્ટાઈનના આતંકવાદી ગ્રુપ હમાસે ઈઝરાયલ પર હુમલો કરીને ઓછામાં ઓછા 300 લોકોનો જીવ લીધો છે. શનિવારે હમાસે હથિયારોથી સંપન્ન એવા ઈઝરાયલ પર 5,000 રોકેટનો મારો ચલાવીને ભારે તબાહી મચાવી દીધી હતી. હમાસ અને ઈઝરાયલ વચ્ચે ઘણાં સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે પરંતુ તાજેતરના હુમલાથી આખું ઈઝરાયલ ખળભળી ઉઠ્યું છે.  ઈઝરાયલનો વળતો પ્રહાર હમાસ દ્વારા કરવામાં […]

Share:

પેલેસ્ટાઈનના આતંકવાદી ગ્રુપ હમાસે ઈઝરાયલ પર હુમલો કરીને ઓછામાં ઓછા 300 લોકોનો જીવ લીધો છે. શનિવારે હમાસે હથિયારોથી સંપન્ન એવા ઈઝરાયલ પર 5,000 રોકેટનો મારો ચલાવીને ભારે તબાહી મચાવી દીધી હતી. હમાસ અને ઈઝરાયલ વચ્ચે ઘણાં સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે પરંતુ તાજેતરના હુમલાથી આખું ઈઝરાયલ ખળભળી ઉઠ્યું છે. 

ઈઝરાયલનો વળતો પ્રહાર

હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયલે પણ જવાબી કાર્યવાહી શરૂ કરી છે અને એરફોર્સ દ્વારા ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 500થી વધારે લોકો માર્યા ગયા છે અને 3,000થી વધારે લોકોને ઈજાઓ પહોંચી છે. 

ઈઝરાયલના વડાપ્રધાનનો હમાસને પડકાર 

હમાસના આતંકવાદીઓએ શનિવારે ઈઝરાયલની સીમામાં ઘૂસીને હુમલાને અંજામ આપ્યો હતો અને ત્યાર બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુદ્ધની ઘોષણા કરી છે અને દુશ્મને ભારે મોટી કિંમત ચુકવવી પડશે તેવો પડકાર કર્યો છે. ઈઝરાયલ દ્વારા પેલેસ્ટાઈન સામે ઓપરેશન આયરન સ્વોર્ડ્સ લોન્ચ કરવામાં આવ્યું છે. બેન્જામિન નેતન્યાહૂએ ટીવી પર સંબોધન દરમિયાન કહ્યું હતું કે, હમાસ એવી કિંમત ચુકવશે જે તેણે કદી વિચારી નહીં હોય. 

સમગ્ર ઘટનાક્રમ સમજીએ તો શનિવારે યહૂદી રજાના દિવસે પેલેસ્ટાઈનના હમાસના આતંકવાદીઓ ગાઝા પટ્ટીનો નાકાબંધીવાળો વિસ્તાર પાર કરીને નજીકના ઈઝરાયલના નગરોમાં ધસી ગયા હતા અને અભૂતપૂર્વ આશ્ચર્યજનક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં અનેક લોકો માર્યા ગયા હતા અને તે સિવાય અનેક લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું.

સવારે 6:30 વાગ્યાની આસપાસ હમાસે દક્ષિણ ઈઝરાયલમાં રોકેટનો એક વિશાળ બેરેજ છોડ્યો હતો અને તેલ અવીવ, બેરશેબા સુધી સાયરનની ગુંજ ઉઠી હતી. હમાસ દ્વારા પ્રથમ બેરેજમાં 5,000 રોકેટ છોડવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે ઈઝરાયલની સેનાએ 2,500 રોકેટ છોડવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. 

ઈઝરાયલના રહેણાંક વિસ્તારોમાં તબાહી

સાયરનનો અવાજ સાંભળીને લોકો સલામત સ્થળોએ દોડવા લાગ્યા હતા અને ઈઝરાયલના રહેણાંક વિસ્તારોમાં ધુમાડો પ્રસરી ગયો હતો. હમાસની મિલિટ્રી વિંગ અલ કાસમ બ્રિગેડના પ્રમુખ મોહમ્મદ ડેઈફે દુશ્મનના એરપોર્ટ, લશ્કરી કિલ્લેબંધી વગેરેને નિશાન બનાવવાની જાહારેત સાથે ઓપરેશન અલ અક્સા ફ્લડની જાહેરાત કરી હતી. 

હમાસના વીડિયો અને સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોઝમાં ઈઝરાયલના મૃત નાગરિકો, ઈઝરાયલના સૈનિકો અને પેલેસ્ટાઈનના આતંકવાદીઓ જોવા મળી રહ્યા છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલયે હમાસના બંદૂકધારી આતંકવાદીઓ ઘરે-ઘરે જઈને લોકોની હત્યા કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. હમાસ દ્વારા ઈઝરાયલના સૈનિકોને બંદી બનાવી જીવતા ગાઝા લઈ જવાતા હોય તેવા વીડિયો પણ શેર કરવામાં આવ્યા છે. 

ઈઝરાયલમાં આશરે 50 વર્ષ પહેલા યોમ કિપ્પુર યુદ્ધ થયું ત્યાર બાદ શનિવારે સૌથી ભયંકર હિંસા જોવા મળી હતી. હમાસના સૈન્ય કમાન્ડર મોહમ્મદ ડેઈફે ઈઝરાયલમાં હિંસા ફેલાવવા લોકોને ઉશ્કેરવા માટે તેમના પર કબજો મેળવનારા લોકોના પગ તળેની જમીનને આગ ચાંપી દેવી જોઈએ તેવા આગઝરતા નિવેદનો આપ્યા હતા. આ સાથે જ ઓપરેશન અલ અક્સા ફ્લડને ઈઝરાયલના જેરૂસલેમમાં ટેમ્પલ માઉન્ટ પર અલ અક્સા મસ્જિદને અપવિત્ર કરવામાં આવી તેનો બદલો ગણાવ્યું છે.