Henry Kissinger: ભારત અંગે વિવાદાસ્પદ નિવેદનો આપનારા અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીનું અવસાન

1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન હેનરી કિસિંજરની ભૂમિકા ખૂબ જ વિવાદાસ્પદ હતી

Courtesy: Image: Twitter

Share:

 

Henry Kissinger: અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિંજર (Henry Kissinger)નું 100 વર્ષની ઉંમરે અવસાન થયું છે. બુધવારના રોજ કનેક્ટિકટ સ્થિત તેમના ઘરે તેમનું અવસાન થયું હતું. કિસિંજરની ગણતરી તેમના સમયના મહાન રાજદ્વારી તરીકે થતી હતી. 

 

તેમણે આંતરરાષ્ટ્રીય બાબતો પર અનેક પુસ્તકો લખ્યા છે. કિસિંજર પોતાની ઉંમરના આ તબક્કે પણ સક્રિય હતા. તેમણે વ્હાઈટ હાઉસમાં મીટિંગ્સમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું હતું. જુલાઈ 2023માં તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવા માટે બેઈજિંગની ઓચિંતી મુલાકાત પણ લીધી હતી.

Henry Kissinger કોણ હતા?

હેનરી કિસિંજરનો જન્મ 1923માં જર્મનીમાં થયો હતો. તેઓ 1938માં અમેરિકા આવ્યા હતા. 1943માં તેઓ અમેરિકન નાગરિક બન્યા હતા અને 3 વર્ષ સુધી તેમણે અમેરિકન સેનામાં સેવા આપી હતી. આ સિવાય તેમણે કાઉન્ટર ઈન્ટેલિજન્સ કોર્પ્સમાં પણ કામ કર્યું હતું. સ્નાતક, માસ્ટર્સ અને પીએચડીની ડિગ્રી મેળવ્યા પછી તેમણે હાર્વર્ડમાં આંતરરાષ્ટ્રીય સંબંધો શીખવ્યા હતા. 

 

1969માં તત્કાલીન રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સને તેમને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા. આ પોસ્ટ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની હતી. રિચાર્ડ નિકસનની સરકારમાં સેક્રેટરી ઓફ સ્ટેટ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હતા. તેઓ બંને હોદ્દા એક સાથે સંભાળતા હતા. વિયેતનામ સાથેના શાંતિ કરારમાં હેનરીનો પણ હાથ હતો. તેમણે આ વર્ષે 27 મેના રોજ પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો.

વિવાદો સાથે ઊંડો સંબંધ

અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિંજર (Henry Kissinger) વિવાદો સાથે પણ સંકળાયેલા છે. બાંગ્લાદેશના વિભાજન વખતે તેમણે બાંગ્લાદેશીઓના નરસંહારમાં પાકિસ્તાનને સાથ આપ્યો હતો. બાંગ્લાદેશની આઝાદીના એક મહિના પહેલા ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી નિક્સન અને કિસિંજરને મળ્યા હતા. મીટિંગ બાદ નિક્સન અને કિસિંજર વચ્ચેની વાતચીત દરમિયાન બંને જણાએ ઈન્દિરા સાથે દુર્વ્યવહાર કર્યો હતો. 

 

બંને વચ્ચેની આ વાતચીત ટેપ પર રેકોર્ડ કરવામાં આવી હતી જેને 2020માં સાર્વજનિક કરવામાં આવી હતી. તેમને 1973માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર તેમને ઉત્તર વિયેતનામના લે ડ્યુક થો સાથે સંયુક્ત રીતે આપવામાં આવ્યો હતો, જેણે તેનો ઈનકાર કર્યો હતો.

1971ના યુદ્ધમાં પાકિસ્તાનનું સમર્થન

1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન હેનરી કિસિંજરની ભૂમિકા ખૂબ જ વિવાદાસ્પદ હતી. ભારતીય સેના સામે 90,000 પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું અને વિશ્વના નકશા પર સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશનો ઉદય થયો હતો. તે સમયે હેનરી કિસિંજર અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હતા. તેમણે આ યુદ્ધમાં પાકિસ્તાનને સાથ આપ્યો હતો. તે પછી તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનને સલાહ આપી હતી કે તેઓ ચીનને પોતાની સેનાને ભારતીય સરહદ પાસે તૈનાત કરવા કહે.