હોંગકોંગમાં વરસાદે 139 વર્ષનો રેકોર્ડ તોડ્યો, સર્વત્ર જળબંબાકાર- શેર માર્કેટ પણ બંધ

ગત સપ્તાહે સાઓલા વાવાઝોડાથી ઘમરોળાયા બાદ હોંગકોંગમાં વધુ એક વાવાઝોડાની અસરના ભાગરૂપે અતિ ભારે વરસાદનો કહેર જોવા મળ્યો હતો. હોંગકોંગ સરકારે શુક્રવારના રોજ શાળાઓ બંધ રાખવાની અને શ્રમિકોને ઘરે જ રહેવાની અપીલ કરી હતી. હોંગકોંગ સરકારે નોકરીદાતાઓને કર્મચારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અને તેને અનુરૂપ કાર્ય વ્યવસ્થા અપનાવવા માટે જણાવ્યું હતું. તે સિવાય શહેરના મુખ્ય બસ […]

Share:

ગત સપ્તાહે સાઓલા વાવાઝોડાથી ઘમરોળાયા બાદ હોંગકોંગમાં વધુ એક વાવાઝોડાની અસરના ભાગરૂપે અતિ ભારે વરસાદનો કહેર જોવા મળ્યો હતો. હોંગકોંગ સરકારે શુક્રવારના રોજ શાળાઓ બંધ રાખવાની અને શ્રમિકોને ઘરે જ રહેવાની અપીલ કરી હતી. હોંગકોંગ સરકારે નોકરીદાતાઓને કર્મચારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અને તેને અનુરૂપ કાર્ય વ્યવસ્થા અપનાવવા માટે જણાવ્યું હતું. તે સિવાય શહેરના મુખ્ય બસ ઓપરેટર્સે સુરક્ષાના કારણોસર પોતાની સેવા સ્થગિત કરી દીધી હતી. 

વાવાઝોડા બાદ હોંગકોંગમાં વરસાદી આફત

હાઈકુઈ ટાઈફૂન (Haikui Typhoon)ના બચી ગયેલા વાદળોના કારણે હોંગકોંગમાં રેકોર્ડ સમાન વરસાદ નોંધાયો છે. ગુરૂવાર રાત્રિના 11 વાગ્યાથી અડધી રાત્રિ દરમિયાન ત્સિમ શા ત્સુઈ વેધશાળાના મુખ્યાલય ખાતે 158.1 mm (6 ઈંચ) જેટલો વરસાદ નોંધાયો હતો જે 1884 બાદ રેકોર્ડ સમાન છે. 

ભારે વરસાદના કારણે હોંગકોંગમાં ભારે વિકટ સ્થિતિ નિર્માણ પામી છે અને સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં રસ્તાઓ પર પાણીનો પ્રવાહ નદીની માફક ધસમસતો જોઈ શકાય છે અને અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનના એસ્કેલેટર પણ જળબંબાકાર જણાઈ રહ્યા છે. જોકે આ વીડિયોની સત્યતાની પુષ્ટી નથી થઈ શકી. 

ભારે વરસાદના કારણે બસ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે અને શેર માર્કેટ પણ થોડા દિવસો માટે બંધ રહે તેવી શક્યતા છે. સુપર ટાઈફૂન સાઓલાના કારણે ગત સપ્તાહે શુક્રવાર અને શનિવારના રોજ શહેર બંધ રહ્યું હતું. 2018માં આવેલા મૈંગખુટ તોફાન બાદ સાઓલા તોફાન સૌથી વધુ શક્તિશાળી રહ્યું હતું. સાઓલા તોફાનના કારણે અનેક સ્થળોએ ઝાડ જમીનદોસ્ત થઈ ગયા હતા. 

બ્લેક રેઈનસ્ટોર્મની ચેતવણી અપાઈ

ઓછામાં ઓછા 140 વર્ષોમાં પહેલી વખત વરસેલા ભારે વરસાદના કારણે હોંગકોંગના રસ્તાઓ, શોપિંગ મોલ, મેટ્રો સ્ટેશન બધું જ જળમગ્ન થઈ ગયું છે. હવામાન વિભાગે ઉચ્ચતમ બ્લેક રેઈનસ્ટોર્મની ચેતવણી જાહેર કરી હતી અને ગુરૂવાર રાતથી હોંગકોંગના મુખ્ય દ્વીપ, કોવ્લૂન શહેરની ન્યૂ ટેરીટરીઝના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં 200 મિમીથી પણ વધારે વરસાદ નોંધાયો હતો. અધિકારીઓએ શહેરના પહાડી વિસ્તારની આજુબાજુમાં ભૂસ્ખલનના જોખમની ચેતવણી આપી હતી.

દક્ષિણ ચીની શહેર પણ અસરગ્રસ્ત

દક્ષિણ ચીની શહેર શેનઝેનમાં પણ ભારે વરસાદના લીધે તારાજી જોવા મળી રહી છે. શેનઝેન શહેરના રહેવાસીઓ ગુરૂવારે મોડી રાતે ઘૂંટણ સુધી ભરાયેલા પૂરના પાણીમાં સાવધાનીપૂર્વક સુરક્ષા લાઈન પકડીને સલામત સ્થળે જઈ રહેલા જોવા મળ્યા હતા. ચીનના હવામાન વિજ્ઞાન પ્રશાસને શનિવારે વહેલી સવાર સુધી ભારે વરસાદ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. 

શુક્રવારે શેનઝેનના જળાશયમાં પાણીનો ભરાવો થઈ જવાના કારણે અધિકારીઓએ પાણી છોડવાનું શરૂ કરવું પડ્યુ હતું અને નીચાણવાળા વિસ્તારના લોકોને નદીથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી હતી. તે સિવાય શેનઝેનથી આશરે 130 કિમી દૂર ગુઆંગજૌ શહેરના 10 જિલ્લામાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી.