બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાએ કહ્યું, “આશા છે આગામી વર્ષે G20 વખતે યુદ્ધ સમાપ્ત થઈ ગયું હશે

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાએ નવી દિલ્હી ખાતે પોતાના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન અંગે ખૂબ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો પુતિન આગામી વર્ષે બ્રાઝિલ ખાતે યોજાનારી G20 સમિટમાં સહભાગી બનશે તો તેમની ધરપકડ નહીં કરવામાં આવે. આ સાથે જ તેમણે પોતે રશિયા ખાતે યોજાનારી BRICS બેઠકમાં ભાગ લેવા યોજના બનાવી રહ્યા […]

Share:

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાએ નવી દિલ્હી ખાતે પોતાના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન અંગે ખૂબ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો પુતિન આગામી વર્ષે બ્રાઝિલ ખાતે યોજાનારી G20 સમિટમાં સહભાગી બનશે તો તેમની ધરપકડ નહીં કરવામાં આવે. આ સાથે જ તેમણે પોતે રશિયા ખાતે યોજાનારી BRICS બેઠકમાં ભાગ લેવા યોજના બનાવી રહ્યા હોવાની પણ માહિતી આપી હતી. 

સફળ G20 સંમેલન માટે ભારતને શુભેચ્છા પાઠવી

ભારત બાદ હવે બ્રાઝિલને G20 ગ્રુપની કમાન સોંપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂઈજ ઈનાસિયો લૂલા ડા સિલ્વાને G20 ગ્રુપની અધ્યક્ષતા સોંપી હતી. અધ્યક્ષતા મળ્યા બાદ લૂલા ડા સિલ્વાએ કહ્યું હતું કે, આગામી વર્ષે G20 સમિટની યજમાનગતી કરવી એ બ્રાઝિલ માટે ખૂબ મોટી જવાબદારી છે. આ સાથે જ તેમણે આ વર્ષના સફળ સંમેલન માટે ભારતને શુભેચ્છા પાઠવી હતી.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાએ કહ્યું હતું કે, “તેઓ ખૂબ શાનદાર રીતે શિખર સંમેલન યોજવા બદલ ભારતને શુભેચ્છા આપવા ઈચ્છે છે. અમને ભારતીય લોકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. અમને G20ની યજમાનગતી કરવાનો અવસર મળ્યો છે. અમે મોટી સંખ્યામાં કાર્યક્રમો યોજવા માટે બ્રાઝિલના અનેક શહેરોનો ઉપયોગ કરવા ઈચ્છીએ છીએ.”

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાનો આશાવાદ

લૂલા ડા સિલ્વાએ આ દરમિયાન ભારતમાં યોજાયેલી G20 સમિટમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ગેરહાજરી અંગે પણ વાત કરી હતી. લૂલા ડા સિલ્વાએ કહ્યું હતું કે, વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગે અહીં (ભારતમાં) G20 સમિટમાં ભાગ કેમ ન લીધો તે મને નથી ખબર પરંતુ હું તેમને આમંત્રિત કરીશ. મને આશા છે કે, તેઓ બ્રાઝિલ આવશે અને શિખર સંમેલનમાં ભાગ લેશે. 

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાએ એવી આશા વ્યક્ત કરી હતી કે, જ્યારે તેઓ G20 સમિટની શરૂઆત કરશે ત્યારે યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું હશે અને બધું જ સામાન્ય સ્થિતિમાં આવી ગયું હશે. લૂલા ડા સિલ્વાએ વધુમાં કહ્યું હતું કે, G20 સમિટ દરમિયાન તેઓ અસમાનતાના મુદ્દાને મુખ્ય રૂપથી આગળ લાવશે. આ સાથે જ તેમણે ઉર્જા પરિવર્તનના મુદ્દા પર પણ તેઓ ચર્ચા કરવા ઈચ્છે છે તેમ જણાવ્યું હતું. 

નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ રવિવારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાને G20 ગ્રુપની અધ્યક્ષતા સોંપી હતી. આ દરમિયાન તેમણે લૂલા ડા સિલ્વાને પરંપરાગત ગૈવલ (એક પ્રકારની હથોડી) સોંપી હતી. જોકે ત્યાર બાદ એક ઈન્ટરવ્યુ દરમિયાન લૂલા ડા સિલ્વા ખુલીને રશિયાના સમર્થનમાં આગળ આવ્યા હતા અને પોતે આગામી G20 સમિટ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને આમંત્રિત કરશે અને તેમની સામે કોઈ એક્શન નહીં થવા દે તેમ જણાવ્યું હતું.