48મા TIFF દરમિયાન NDFCના પૃથુલ કુમારે કહ્યું- ભારતનું લક્ષ્ય ફિલ્મ નિર્માણ ક્ષેત્રે વૈશ્વિક હબ બનવાનું

ગત તારીખ 7મી સપ્ટેમ્બરથી શરૂ થયેલા ટોરંટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ (TIFF)માં રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ (NDFC)ના એમડી તથા સૂચના અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ (ફિલ્મ) પૃથુલ કુમાર ભારતના સત્તાવાર પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન તેમણે ભારત ફિલ્મ નિર્માણ ક્ષેત્રનું વૈશ્વિક હબ ધરાવવાનું લક્ષ્ય ધરાવતો હોવાનો આશાવાદ દર્શાવ્યો હતો.  TIFFની 48મી આવૃત્તિમાં પોતાની […]

Share:

ગત તારીખ 7મી સપ્ટેમ્બરથી શરૂ થયેલા ટોરંટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ (TIFF)માં રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ (NDFC)ના એમડી તથા સૂચના અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ (ફિલ્મ) પૃથુલ કુમાર ભારતના સત્તાવાર પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન તેમણે ભારત ફિલ્મ નિર્માણ ક્ષેત્રનું વૈશ્વિક હબ ધરાવવાનું લક્ષ્ય ધરાવતો હોવાનો આશાવાદ દર્શાવ્યો હતો. 

TIFFની 48મી આવૃત્તિમાં પોતાની નોંધપાત્ર હાજરી સાથે જ પૃથુલ કુમારે જણાવ્યું હતું કે, ભારતને આંતરરાષ્ટ્રિય સિનેમાના ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. સાથે જ ભારત સરકાર ફિલ્મ નિર્માતાઓને ભારત તરફ આકર્ષિત કરવા માટેના પ્રોત્સાહનો વધારવાની દિશામાં યોજના બનાવી રહી હોવાની પણ માહિતી આપી હતી. 

પૃથુલ કુમારના કહેવા પ્રમાણે ભારતને ફિલ્મ નિર્માણ ક્ષેત્રનું વૈશ્વિક હબ બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. TIFFના ઈન્ડસ્ટ્રી સેન્ટર ખાતે ઈન્ડિયા પેવેલિયનમાં પૃથુલ કુમારે એમ પણ કહ્યું હતું કે, લોર્ડ ઓફ ધ રિંગ્સે જે ન્યૂઝીલેન્ડ માટે કર્યું હતું એવું કશું અમે એક જોરદાર પ્રોજેક્ટ દ્વારા ભારત માટે કરવા ઈચ્છીએ છીએ. 

આ માટે વિદેશી ફિલ્મ મેકર્સને હાલ જે મર્યાદિત ઈન્સેન્ટિવ આપવામાં આવે છે તેના સ્થાને ઈન્સેન્ટિવની રકમને 2.5 કરોડ રૂપિયાથી વધારી દેવામાં આવશે. વિદેશી ફિલ્મ મેકર્સ માટેના ઈન્સેન્ટિવની નવી રકમની જાહેરાત આ વર્ષે જ કરી દેવામાં આવશે. જોકે પૃથુલ કુમારે ચોક્કસ રકમનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. 

માહિતી અને પ્રસારણ મંત્રાલય હાલમાં એનિમેશન અને પોસ્ટ-પ્રોડક્શન સહિતની વિદેશી ફિલ્મો માટે ભારતમાં કરવામાં આવતા ક્વોલિફાઈંગ પ્રોડક્શન ખર્ચના 30%ની ભરપાઈ ઓફર કરે છે જેની મર્યાદા 2 કરોડ રૂપિયા સુધીની છે. ત્યાર બાદ જો 15% અથવા વધુ ભારતીય પ્રતિભા અથવા કર્મચારીઓને રોજગારી આપવામાં આવી હોય તો વધુ 5% ટકા, રૂપિયા 50 લાખની મર્યાદામાં બોનસ તરીકે પ્રદાન કરવામાં આવે છે અને આ રકમમાં વધારો કરવામાં આવે તેવી અપેક્ષા છે. 

ટોરંટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ (TIFF)ની વાત કરીએ તો આ વર્ષે 7મી સપ્ટેમ્બરથી 48મા TIFFની શરૂઆત થઈ છે અને તે 17મી સપ્ટેમ્બર સુધી ચાલશે. TIFFની સત્તાવાર પસંદગીમાં 6 ભારતીય ફિલ્મોને પણ સ્થાન મળ્યું છે. આ ફિલ્મોમાં તરસેમ સિંહ ધંધવારની ડિયર જસ્સી, નિખિલ નાગેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત કિલ અને કરણ બુલાનીની થેન્ક યુ ફોર કમિંગનો સમાવેશ થાય છે. 

TIFFમાં ભારતની ભાગીદારી વ્યાપક હશે અને પ્રતિભા, સામગ્રી અને મનોરંજનના કેન્દ્ર તરીકે પ્રદર્શિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભારત દેશની રચનાત્મક અને સાથે જ ટેક્નિકલ શક્તિઓનું પ્રદર્શન કરવા માટે અનેક સત્રનું યજમાન બનશે અને આંતરરાષ્ટ્રીય હિતધારકોને ભારત સાથે ફિલ્મોનું સહનિર્માણ કરવા તથા ભારતમાં ફિલ્મ બનાવવા માટે આમંત્રિત કરશે.