વડાપ્રધાન મોદી-શી જિનપિંગની મુલાકાત અંગેના બેઈજિંગના દાવાનું ભારત દ્વારા ખંડન કરાયું

દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી બ્રિક્સ સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે LAC મુદ્દે બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ચીન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સમિટ દરમિયાન ભારતની વિનંતીને માન આપીને વડાપ્રધાન મોદી અને શી જિનપિંગ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી.  ચીનની દ્વિપક્ષીય બેઠક યોજવાની માગણી […]

Share:

દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી બ્રિક્સ સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે LAC મુદ્દે બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ચીન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સમિટ દરમિયાન ભારતની વિનંતીને માન આપીને વડાપ્રધાન મોદી અને શી જિનપિંગ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. 

ચીનની દ્વિપક્ષીય બેઠક યોજવાની માગણી લંબિત હોવાનો ખુલાસો

જોકે ભારત દ્વારા ચીનના આ દાવાને ફગાવી દેવામાં આવ્યો છે અને બેઠકને ‘ચીન તરફથી લાંબા સમયથી કરવામાં આવેલી વિનંતી’ તરીકે દર્શાવવામાં આવી હતી. સરકારી સૂત્રોના કહેવા પ્રમાણે ઘણાં લાંબા સમયથી ચીનની દ્વિપક્ષીય બેઠકની માગણી લંબિત હતી.  જોકે સાથે જ બંને નેતાઓએ જ્હોનિસબર્ગ ખાતે બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન લીડર્સ લાઉન્જમાં અનૌપચારિક વાતચીત કરી હોવાનું પણ જણાવ્યું હતું. 

જાણો શું હતો ચીનનો દાવો

ચીની વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ શી જિનપિંગે 23 ઓગષ્ટના રોજ તેમની વિનંતીને માન આપીને બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી.” ત્યાર બાદ ગુરૂવારના રોજ ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ બ્રિક્સ શિખર સંમેલન સિવાયની વાતચીત દરમિયાન શી જિનપિંગને પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) અંગેના વણઉકેલાયેલા મુદ્દાઓ અંગેની ભારતની ચિંતાઓથી અવગત કર્યા હતા. 

વધુમાં જણાવ્યું હતું કે, આ મામલે બંને નેતાઓ પોતાના સંબંધિત અધિકારીઓને પૂર્વીય લદ્દાખ ક્ષેત્રમાંથી સૈનિકોની તુરંત વાપસી અને તણાવ ઘટાડવાના પ્રયત્નો વધારવા નિર્દેશ આપવા સહમત થયા હતા. 

બેઠક દરમિયાન બંને નેતા વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરનો તણાવ ઝડપથી દૂર કરવા માટે કામ કરવા અંગે સહમત થયા હતા. નોંધનીય છે કે, પૂર્વીય લદ્દાખની ગલવાન ઘાટીમાં બંને પક્ષ વચ્ચે અથડામણ થઈ ત્યાર બાદ જૂન 2020થી LAC વિસ્તારમાં તણાવ વ્યાપેલો છે.  

વિદેશ સચિવે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન મોદીએ બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન બ્રિક્સ જૂથના અન્ય નેતાઓ સાથે પણ વાતચીત કરી હતી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારત અને ચીનના સરહદી વિસ્તારના પશ્ચિમી સેક્ટરમાં LAC મુદ્દે વણઉકેલાયેલા મુદ્દાઓ અંગે ભારતની ચિંતાઓનો ઉલ્લેખ કર્યો હતો.”

ઉલ્લેખનીય છે કે, બ્રિક્સ શિખર સંમેલનના અંતિમ દિવસે વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી. બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં LACનો મુદ્દો સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો. ભારતના આકરા વલણ બાદ ચીન નરમ પડી રહેલું જણાય છે. વડાપ્રધાન મોદી સાથેની બેઠક દરમિયાન શી જિનપિંગે ભારત અને ચીનના સંબંધમાં સુધારો આવે તે સામાન્ય હિત સાધે છે અને ક્ષેત્ર-વિશ્વની શાંતિ, સ્થિરતા માટે અનુકૂળ છે તે મુદ્દા પર ભાર મુક્યો હતો.