અમેરિકાના રાજકારણમાં વધ્યું ભારતીય અમેરિકનોનું પ્રભુત્વ, રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન પાર્ટીમાં 2 દાવેદારો

અમેરિકાના રાજકારણમાં ભારતીય અમેરિકનોનું પ્રતિનિધિત્વ વધી રહ્યું છે. રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદ માટેના 2 અગ્રણી ઉમેદવારો પણ ભારતીય અમેરિકનો છે. અમેરિકાના રાજકારણમાં વર્તમાન સમયમાં જે પ્રકારે ભારતીય અમેરિકનોનું પ્રતિનિધિત્વ જોવા મળી રહ્યું છે તેવું અગાઉ કદી પણ જોવા નહોતું મળ્યું.  તાજેતરના ઓપિનિયન પોલને ધ્યાનમાં લઈએ તો રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદ માટેના 4 અગ્રણી ઉમેદવારો પૈકીના […]

Share:

અમેરિકાના રાજકારણમાં ભારતીય અમેરિકનોનું પ્રતિનિધિત્વ વધી રહ્યું છે. રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદ માટેના 2 અગ્રણી ઉમેદવારો પણ ભારતીય અમેરિકનો છે. અમેરિકાના રાજકારણમાં વર્તમાન સમયમાં જે પ્રકારે ભારતીય અમેરિકનોનું પ્રતિનિધિત્વ જોવા મળી રહ્યું છે તેવું અગાઉ કદી પણ જોવા નહોતું મળ્યું. 

તાજેતરના ઓપિનિયન પોલને ધ્યાનમાં લઈએ તો રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદ માટેના 4 અગ્રણી ઉમેદવારો પૈકીના બે ભારતીય અમેરિકનો છે. નેટ સિલ્વરના 538 દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ 55.2% સાથે આગળ છે. બીજા નંબરે 13.8% સાથે ડીસેન્ટિસ છે. 

તે પછીના બે ઉમેદવારો વિવેક રામાસ્વામી (6.1%) અને નિક્કી હેલી (5.6%) છે. બંને ભારતીય અમેરિકનો ભૂતપૂર્વ નાયબ રાષ્ટ્રપતિ માઈક પેન્સ (4.3%) અને ન્યૂ જર્સીના ભૂતપૂર્વ ગવર્નર ક્રિસ ક્રિસ્ટી (2.8%) કરતાં પોલિંગમાં ખૂબ આગળ છે.

અમેરિકામાં ભારતીયોનું પ્રભુત્વ

યુએસમાં ભારતીય અમેરિકનોની વસ્તી દેશની કુલ વસ્તીના 1% જેટલી છે અને અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત યુએસ કોંગ્રેસમાં 1%નું પ્રતિનિધિત્વ છે. 2013 સુધી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં અમી બેરા (D-CA) એકમાત્ર ભારતીય અમેરિકન હતા. આજે કોંગ્રેસમાં 5 ભારતીય અમેરિકનો સેવા આપી રહ્યા છે.

પહેલા મોટા ભાગના ભારતીય અમેરિકનો વેસ્ટ કોસ્ટમાં રહેતા હતા અને તેમની સંખ્યા 6,500 કરતા પણ ઓછી હતી. 1957માં સૌ પ્રથમ વખત દલીપ સિંહ સઈદે કોંગ્રેસમાં કેલિફોર્નિયાના 29મા જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્તમાન સમયમાં ભારતીય અમેરિકન રાજકારણીઓનો ઉદય ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભૂતપૂર્વ રાજદૂત નિક્કી હેલી અને ઉદ્યોગ સાહસિકમાંથી રાજકારણી બનેલા વિવેક રામાસ્વામી, આ બંને હાલ રિપબ્લિકન પાર્ટીના ચાર્જનું નેતૃત્વ કરી રહ્યા છે અને ચર્ચામાં પ્રભુત્વ મેળવી રહ્યા છે. 

વિવેક રામાસ્વામીએ ઘણા મુદ્દે ભારતીય અમેરિકનને કર્યા નારાજ

જોકે નિક્કી હેલી અને વિવેક રામાસ્વામીએ અનેક મુદ્દે ભારતીય અમેરિકન મતદારોને નારાજ કર્યા છે. ખાસ કરીને વિવેક રામાસ્વામીએ શિક્ષણ વિભાગને તોડી પાડવાનું જે વચન આપ્યું છે તેની અનેક ભારતીય અમેરિકનો પર નકારાત્મક અસર જોવા મળી છે. જોકે સામાન્ય ભારતીય અમેરિકનો આ બંને પ્રતિનિધિઓ પાસે વધુ સારો સંદેશો હોય તેવી આશા રાખી રહ્યા છે. 

નિક્કી હેલી શીખમાંથી ઈસાઈ બની ગયા છે અને તેમણે પોતાનું નામ પણ બદલી નાખ્યું છે પણ તેઓ પોતાની ઓળખ બદલવા પ્રયત્ન નથી કરી રહ્યા. જ્યારે વિવેક રામાસ્વામી ખૂબ જોરશોરથી પોતાના ભારતીય અને હિન્દુ હોવા અંગે ગર્વ વ્યક્ત કરી રહ્યા છે માટે અમેરિકાના અનેક ચર્ચ તેમની વિરૂદ્ધમાં છે. રિપબ્લિકન પાર્ટીના મતદારો કટ્ટર ઈસાઈ અને શ્વેત હોવાનું માનવામાં આવે છે પણ આ મતદારોમાં પણ વિવેક રામાસ્વામીની લોકપ્રિયતા આશ્ચર્યજનક છે.