હરદીપ સિંહ નિજ્જર હત્યા મામલોઃ ભારતે કેનેડાને આપ્યો મજબૂત જવાબ!

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સામેલગીરી અંગેના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોને ભારતે વાહિયાત અને પાયાવિહોણા ગણાવ્યા છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તે કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા થઈ તેમાં કોઈ પણ રીતે સામેલ નથી. આ સાથે જ ભારત સરકારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોને પ્રેરિત ગણાવ્યા હતા.  વિદેશ મંત્રાલયે મંગળવારના […]

Share:

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સામેલગીરી અંગેના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોને ભારતે વાહિયાત અને પાયાવિહોણા ગણાવ્યા છે. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તે કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા થઈ તેમાં કોઈ પણ રીતે સામેલ નથી. આ સાથે જ ભારત સરકારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોને પ્રેરિત ગણાવ્યા હતા. 


વિદેશ મંત્રાલયે મંગળવારના રોજ જણાવ્યું હતું કે, “કેનેડામાં થયેલી હિંસામાં ભારત સરકાર સામેલ હોવાનો આરોપ અર્થહીન અને પ્રેરિત છે. કેનેડાના વડાપ્રધાને અમારા વડાપ્રધાન સામે પણ આ પ્રકારના આરોપો લગાવ્યા હતા જેને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યા હતા.” આ સાથે જ ભારતે કેનેડા પર ખાલિસ્તાની આતંકવાદીઓને અને ચરમપંથીઓને આશરો આપવાનો પણ આરોપ લગાવ્યો હતો.
 

મંત્રાલયે જણાવ્યું હતું કે, “આ પ્રકારના પાયાવિહોણા નિવેદનો ખાલિસ્તાની આતંકવાદીઓ અને ચરમપંથીઓ પરથી ધ્યાન ભટકાવવા માટે આપવામાં આવ્યા છે. તેમને કેનેડામાં આશરો આપવામાં આવ્યો છે અને તેઓ સતત ભારતના સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડિતતા માટે જોખમી બની રહ્યા છે. આ મામલે કેનેડા સરકાર કોઈ કાર્યવાહી નથી કરી રહી તે ઘણાં લાંબા સમયથી ચિંતાનો વિષય છે.”

ખાલિસ્તાનને ખુલીને સમર્થન આપવાનો આરોપ

ભારત સરકારે જણાવ્યું હતું કે, કેનેડાના અનેક નેતાઓ આવા તત્વોના સમર્થનમાં ખુલીને હમદર્દી વ્યક્ત કરી ચુક્યા છે. ભારત સરકારે આને મહત્વનો ચિંતાનો વિષય ગણાવ્યો હતો. વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે “કેનેડામાં હત્યા, માનવ તસ્કરી અને સંગઠિત અપરાધ સહિત અનેક ગેરકાયદેસર ગતિવિધિઓની વાત નવી નથી. અમે આવી કોઈ પણ ઘટનાને ભારત સરકાર સાથે જોડવાના પ્રયત્નોને ફગાવીએ છીએ.”

કેનેડાની સરકાર પોતાની તપાસ એજન્સીઓની મદદથી ખાલિસ્તાની ટાઈગર ફોર્સના પ્રમુખ હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ કરાવી રહી છે. જોકે હરદીપ સિંહ નિજ્જરની હત્યાને 3 મહિના થઈ ગયા હોવા છતાં તપાસ એજન્સીને કોઈ નક્કર પુરાવો હાથ નથી લાગ્યો. આ બધા વચ્ચે જસ્ટિન ટ્રુડોએ હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સામેલ હોવાનો આક્ષેપ લગાવી દીધો હતો અને ત્યાર બાદ ભારતના એક રાજદ્વારીની હકાલપટ્ટી કરવામાં આવી હતી.
 

કેનેડાને વળતો જવાબ આપતા ભારત સરકારે મંગળવારે કેનેડાના હાઈ કમિશનને સમન્સ પાઠવ્યું હતું અને 5 દિવસમાં દેશ છોડવા માટે આદેશ આપ્યો હતો. વિદેશ મંત્રાલયે હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે ભારત પર લગાવવામાં આવેલા આરોપો બાદ જણાવ્યું હતું કે, ભારતના આંતરિક મુદ્દાઓમાં કેનેડિયન રાજદ્વારીઓનો હસ્તક્ષેપ વધી રહ્યો છે અને ભારત વિરોધી ગતિવિધિઓમાં તેમની ભાગીદારીના લીધે ચિંતા વધી છે.
 

જસ્ટિન ટ્રુડોએ સંસદના ઈમરજન્સી સત્ર દરમિયાન હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટ્સ સંલગ્ન હોય તેવા વિશ્વસનીય આરોપો હોવાનો દાવો કર્યો હતો અને ત્યાર બાદ રોના એજન્ટ એવા ભારતીય રાજદ્વારીની હકાલપટ્ટી કરવામાં આવી હતી.