પાલતુ શ્વાનને ઘર વેચવાના આરોપસર ઈરાની રિયલ એસ્ટેટ એજન્ટની ધરપકડ

સોશિયલ મીડિયામાં પાલતુ શ્વાનને એક એપાર્ટમેન્ટ વેચવાનો વીડિયો વાયરલ થયા બાદ ઈરાનના અધિકારીઓએ એક રિયલ એસ્ટેટ એજન્સીના પ્રમુખ સામે કાર્યવાહી કરી છે. વાયરલ વીડિયોમાં ઈરાનનું એક દંપતી પોતાના મકાનની માલિકી પાલતુ શ્વાન ‘ચેસ્ટર’ને હસ્તાંતરિત કરતું જોવા મળ્યું હતું.  પાલતુ શ્વાનને સંપત્તિ વેચવા કરાર કરાયો વિવાદિત વીડિયોમાં દંપતી સત્તાવાર રીતે પોતાની સંપત્તિની માલિકી પોતાના નાનકડા, સફેદ […]

Share:

સોશિયલ મીડિયામાં પાલતુ શ્વાનને એક એપાર્ટમેન્ટ વેચવાનો વીડિયો વાયરલ થયા બાદ ઈરાનના અધિકારીઓએ એક રિયલ એસ્ટેટ એજન્સીના પ્રમુખ સામે કાર્યવાહી કરી છે. વાયરલ વીડિયોમાં ઈરાનનું એક દંપતી પોતાના મકાનની માલિકી પાલતુ શ્વાન ‘ચેસ્ટર’ને હસ્તાંતરિત કરતું જોવા મળ્યું હતું. 

પાલતુ શ્વાનને સંપત્તિ વેચવા કરાર કરાયો

વિવાદિત વીડિયોમાં દંપતી સત્તાવાર રીતે પોતાની સંપત્તિની માલિકી પોતાના નાનકડા, સફેદ શ્વાન ‘ચેસ્ટર’ને હસ્તાંતરિત કરવાના કરાર પર હસ્તાક્ષર કરતું જોવા મળ્યું હતું. તે કરાર ચેસ્ટરના પંજાના નિશાન સાથે સંપૂર્ણ બન્યો હતો. વીડિયોમાં એક મહિલા સ્યાહીના પેડ વડે શ્વાનના પંજાના નિશાન મેળવતી જોવા મળી હતી. 

દંપતીએ પોતાનું મકાન પાલતુ શ્વાનના નામે કરવાના અસામાન્ય કહી શકાય તેવા નિર્ણય અંગે જણાવ્યું હતું કે, તેમનું કોઈ વારસદાર નથી અને તેઓ પોતાનું એપાર્ટમેન્ટ પોતાના વ્હાલા પાલતુ શ્વાનને વેચવા ઈચ્છે છે. 

ઈરાન સહિતના દેશોમાં શ્વાનને અપવિત્ર ગણવામાં આવે છે

નોંધનીય વાત એ છે કે, ઈરાનમાં શ્વાનના સ્વામિત્વ પર પ્રતિબંધ લગાવતો કોઈ વિશિષ્ટ કાયદો પણ નથી. પરંતુ રૂઢિવાદી મૌલવીઓથી પ્રભાવિત લોકોનો શ્વાન માટેનો સાંસ્કૃતિક દૃષ્ટિકોણ મુખ્યત્વે નકારાત્મક છે. જોકે ઈરાન સહિતના અનેક મુસ્લિમ દેશોમાં શ્વાનને અપવિત્ર માનવામાં આવે છે અને રૂઢિવાદી ધાર્મિક લોકો હંમેશા શ્વાનને પાલતુ પ્રાણી તરીકે રાખવા મુદ્દે નિરૂત્સાહ હોય છે.  

ઈરાન પોલીસે રિયલ એસ્ટેટ એજન્ટની ધરપકડ કરી

ઈરાનની પોલીસે 20 ઓગષ્ટના રોજ વાયરલ વીડિયોના અનુસંધાને તપાસ હાથ ધરી હતી. તેમણે પાલતુ શ્વાનને  એપાર્ટમેન્ટના વેચાણમાં સામેલ રિયલ એસ્ટેટ એજન્સીના પ્રમુખની ધરપકડ કરી હતી. ઉપરાંત તેની ફર્મને કામચલાઉ રૂપે બંધ કરાવી દીધી છે. નાયબ પ્રોસિક્યુટર જનરલ રેજા તાબરે આ પ્રકારની કાર્યવાહી અંગે ખુલાસો કરતા કહ્યું હતું કે, મકાન વેચાણની આ ઘટનાને એવા વ્યવહારોને સામાન્ય સ્વરૂપ આપવાના પ્રયત્ન રૂપે જોવામાં આવી જે સમાજના નૈતિક મૂલ્યની વિરૂદ્ધ છે અને તેમાં કાયદાકીય આધારનો પણ અભાવ છે.  

ઈરાનમાં રૂઢિવાદી વિચારસરણી છતાં પણ પાલતુ પ્રાણીઓની માલિકી ખાસ કરીને શ્વાન અને બિલાડીઓ પાળવાનો શોખ વધી રહ્યો છે જે ઉચ્ચ અને મધ્યમ વર્ગના લોકોમાં વધુ જોવા મળી રહ્યો છે. પરંતુ પાલતુ શ્વાન કે અન્ય પ્રાણીને વારસદાર બનાવી સંપત્તિના વેચાણ સહિતની કાર્યવાહીઓને જોર ન મળે તેને ધ્યાનમાં રાખીને અત્યારથી જ ઈરાન સરકાર સક્રિય બની ગઈ છે. માટે જ પાલતુ શ્વાનને મકાન વેચવાની ઘટના સામે આવ્યા બાદ આવી ઘટનાઓને વેગ ન મળે તે હેતુથી રિયલ એસ્ટેટ એજન્ટ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તેમ કહી શકાય.