Israel vs Hamas: UNમાં ઈઝરાયલની વસાહતો વિરૂદ્ધના પ્રસ્તાવને ભારત સહિત 145 દેશોનું સમર્થન

જોકે ભારતે હંમેશા શાંતિની વાત કરી છે પરંતુ આતંકવાદના દરેક પગલાની નિંદા પણ કરી છે

Courtesy: Twitter

Share:

 

Israel vs Hamas: સંયુક્ત રાષ્ટ્રમાં પૂર્વ જેરુસલેમ અને કબજા હેઠળના સીરિયન ગોલાન સહિતના પેલેસ્ટિનિયન પ્રદેશોમાં ઈઝરાયલની વસાહતો વિરૂદ્ધ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો જેને ભારતે પોતાનું સમર્થન જાહેર કર્યું છે. ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas)વચ્ચેના યુદ્ધના કારણે પેલેસ્ટાઈનમાં અને ખાસ કરીને ગાઝા પટ્ટી વિસ્તારમાં ભારે તારાજી વ્યાપી છે. 

 

ત્યારે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ મામલે ભારત સહિત145 દેશોએ પેલેસ્ટાઈનને સમર્થન આપ્યું છે જ્યારે 7 દેશોએ ઈઝરાયલના સમર્થનમાં મત આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયલના પેલેસ્ટાઈન પરના હુમલાની વિરોધમાં મતદાન યોજાયું હતુ જેમાં ભારતે પેલેસ્ટાઈનના સમર્થનમાં મત આપી સૌને ચૌંકાવી દીધા છે. 

Israel vs Hamasમાં ભારતનું સ્ટેન્ડ

છેલ્લા એક મહિના કરતાં પણ વધારે સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતે હજુ સુધી ખુલ્લેઆમ કોઈ એકની તરફેણ કરવાનું ટાળ્યું છે. જોકે ભારતે હંમેશા શાંતિની વાત કરી છે પરંતુ આતંકવાદના દરેક પગલાની નિંદા પણ કરી છે. આ દરમિયાન હવે સંયુક્ત રાષ્ટ્ર તરફથી સમાચાર આવ્યા છે કે, ભારતે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં ઈઝરાયેલની વસાહતો વિરુદ્ધ મતદાન કર્યું છે. 

 

જોકે અગાઉ જ્યારે યુએનમાં ઈઝરાયેલ-પેલેસ્ટાઈન મુદ્દે વોટિંગ થયું ત્યારે ભારતે તેનાથી દૂરી કરી લીધી હતી અને કોઈની તરફેણમાં મત નહોતો આપ્યો. ત્યારે હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું ભારતે પોતાનું વલણ બદલ્યું છે? 

ભારતે કયા પ્રસ્તાવને સમર્થન આપ્યું?

સીરિયાના પૂર્વ જેરુસલેમ અને ગોલાન હાઈટ્સ વિસ્તારમાં ઈઝરાયેલની વસાહતો અને ઈઝરાયેલની ગતિવિધિઓની નિંદા કરવા માટે યુએનમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas)વચ્ચેના યુદ્ધ દરમિયાન આ પ્રસ્તાવને ભારત સહિત 145 દેશોએ સમર્થન આપ્યું હતું. જ્યારે 7 દેશો કેનેડા, હંગેરી, ઇઝરાયેલ, માર્શલ આઇલેન્ડ, ફેડરેટેડ સ્ટેટ્સ ઓફ માઇક્રોનેશિયા, નૌરુ અને અમેરિકાએ આ પ્રસ્તાવની વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું. જોકે આ વોટિંગમાં 18 દેશોએ ભાગ લીધો ન હતો.

ભારતનું બદલાયેલું વલણ

તમને જણાવી દઈએ કે પેલેસ્ટાઈનના ઘણા વિસ્તારો હાલમાં ઈઝરાયેલના કબજામાં છે. જેરુસલેમમાં કેટલાક વિસ્તારો કબજે કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. હવે યુએનના ઘણા દેશોએ ઈઝરાયેલના આ હુમલાના વિરોધમાં મતદાન કર્યું છે. કુલ 145 દેશોએ સર્વસંમતિથી આ પ્રકારની કાર્યવાહીનો વિરોધ કર્યો છે, એટલે કે આ તમામ દેશોએ સમર્થનમાં મત આપ્યો છે. મોટી વાત એ છે કે આ વખતે ભારતે પણ ખુલ્લેઆમ મતદાન કર્યું છે અને પેલેસ્ટાઈનને સીધું સમર્થન આપ્યું છે.

 

જો કે, 7 દેશો એવા હતા જેમણે આ ઠરાવની વિરુદ્ધમાં મત આપ્યો હતો, જેનો અર્થ છે કે તેઓ હજુ પણ ઈઝરાયલ સાથે મક્કમ રીતે ઉભા છે. આવા 18 દેશો પણ સામે આવ્યા જેમણે આ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો ન હતો. અહીં એ સમજવું જરૂરી છે કે આવા પ્રસંગોએ ભારતે મોટાભાગે પોતાને મતદાનથી દૂર રાખ્યું છે, તેની નીતિ તટસ્થ વલણ જાળવવાની રહી છે.