Israel vs Hamas: યુદ્ધવિરામના અંતિમ દિવસે ગાઝાથી મુક્ત કરાયા 16 બંધકો

હમાસના કહેવા પ્રમાણે ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા બોમ્બમારામાં 3 કેદીઓ માર્યા ગયા હતા

Courtesy: Image: Twitter

Share:

 

Israel vs Hamas: હમાસે યુદ્ધવિરામના છેલ્લા દિવસે 16 બંધકોને મુક્ત કર્યા હતા. ત્યારબાદ ઈઝરાયલે પણ પેલેસ્ટિનિયન કેદીઓનો મુક્ત કર્યા હતા. ઈઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે, 10 ઈઝરાયેલી મહિલાઓ અને બાળકો અને 4 થાઈ નાગરિકોનું એક જૂથ બુધવારે મોડી રાત્રે ઈઝરાયલ પરત ફર્યું હતું. તેમને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. 

 

આ ઉપરાંત હમાસે 2 રશિયન-ઈઝરાયલી મહિલાઓને અલગથી મુક્ત કરી હતી. આ દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ગાઝા માટે મદદ અને યુદ્ધવિરામ અંગે ચર્ચા કરવા ઈઝરાયલ પહોંચ્યા હતા.

 

ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હમાસના એક વરિષ્ઠ અધિકારીએ હવે બંધકોને મુક્ત કરવા અંગે નવી શરત મૂકી છે. ગાઝામાં યુદ્ધવિરામ લંબાવવાની વાટાઘાટો વચ્ચે બુધવારે ઈઝરાયલમાં રાખવામાં આવેલા તમામ પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં તમામ બંધક ઈઝરાયલી સૈનિકોને સોંપવા તૈયારી દર્શાવાઈ હતી. 

Israel vs Hamasમાં સીઝફાયર લંબાવવા તૈયારી

બદલામાં ઈઝરાયલ દ્વારા 30 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે હજુ પણ 150 લોકો હમાસની કેદમાં છે. હમાસે 5 દિવસના યુદ્ધવિરામમાં 97 બંધકોને મુક્ત કર્યા હતા. ગત 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓ 241થી વધુ લોકોને બંધક બનાવીને ગાઝા લઈ ગયા હતા. ઈઝરાયલે અત્યાર સુધીમાં 180 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કર્યા છે.

 

હમાસ સીઝફાયરને લંબાવવા માટે તૈયાર છે પરંતુ ઈઝરાયલના પીએમ નેતન્યાહુ હજુ તેના માટે સંમત થયા નથી. તેઓએ સીઝફાયર સમાપ્ત થતાં જ ફરીથી યુદ્ધ શરૂ કરવાની વાત કરી છે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીઓ બંને વચ્ચે સોદો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી હમાસ શક્ય તેટલા બંધકોને મુક્ત કરે.

ગાઝામાં માનવીય સંકટ

આ દરમિયાન ગાઝામાં પરિસ્થિતિ સુધરી નથી રહી નથી. ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ગાઝામાં માનવીય સંકટ છે. અહીં લોકો પાસે રહેવા માટે ઘર નથી. લોકો રસ્તા પર સૂવા મજબૂર થયા છે. ખોરાક અને પાણી પણ મેળવવું મુશ્કેલ છે. 

 

યુદ્ધવિરામ દરમિયાન રાહત સામાન લઈને ટ્રકો આવી રહી છે પરંતુ લોકોને આ સામાન લેવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે. સેંકડો લોકો રાંધણગેસ લેવા માટે 3 દિવસથી લાઈનમાં ઉભા છે.

ઈઝરાયલના બોમ્બ ધડાકામાં 3 કેદીઓ માર્યા ગયા

હમાસનું કહેવા પ્રમાણે ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા બોમ્બમારામાં 3 કેદીઓ માર્યા ગયા હતા. જેમાં 10 મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. હમાસે જણાવ્યું હતું કે, 10 મહિનાનો કેફિર બિબસ, તેનો 4 વર્ષનો ભાઈ અને માતા ઈઝરાયલના બોમ્બમારાથી માર્યા ગયા હતા. જોકે હાલમાં ઈઝરાયલે આ અંગે કોઈ માહિતી નથી આપી.