Israel vs Hamas: યુદ્ધવિરામ વધુ 2 દિવસ લંબાવાયુ, યુદ્ધ બંધ કરવા હમાસની તૈયારી

યુદ્ધ વચ્ચે એલન મસ્ક ઈઝરાયલ પહોંચ્યા અને તેમણે નેતન્યાહુ સાથે મુલાકાત કરી યુદ્ધમાં ઈઝરાયલને સમર્થન આપ્યું

Courtesy: Twitter

Share:

Israel vs Hamas: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગત 7મી ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું હતું જેમાં વાટાઘાટો બાદ 4 દિવસનો યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો હતો. આ યુદ્ધવિરામને વધુ 2 દિવસ એટલે કે બુધવાર સુધી લંબાવવામાં આવ્યો છે. ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચેના યુદ્ધમાં કતાર અને ઈજીપ્તની મધ્યસ્થી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન હમાસે સોમવારે મોડી રાત્રે ઈઝરાયલના વધુ 11 નાગરિકોને મુક્ત કર્યા હતા. જેમાં 9 બાળકો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે.


Israel vs Hamasમાં મંગળવારે પણ બંધકોની મુક્તિ

આ બધા વચ્ચે હમાસે મંગળવારના રોજ મુક્ત થનારા બંધકોની યાદી પણ ઈઝરાયલને સોંપી હતી. જોકે બદલામાં ઈઝરાયલ જે કેદીઓને મુક્ત કરશે તેમાં પેલેસ્ટિનિયન એક્ટિવિસ્ટ અહદ તમીમીનો સમાવેશ થાય છે, જેને આગામી બે દિવસમાં મુક્ત કરવામાં આવશે.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા જોન કિર્બીના કહેવા પ્રમાણે હમાસે યુદ્ધવિરામના આગામી બે દિવસમાં 20 મહિલાઓ અને બાળકોને મુક્ત કરવાનું વચન આપ્યું છે. ઈઝરાયલની સંસદ, નીસેટે યુદ્ધથી પ્રભાવિત લોકો અને બંધકોના પરિવારોને નોકરીની સુરક્ષા આપતો કાયદો પસાર કર્યો છે. આ કાયદા હેઠળ આ લોકોને નોકરીમાંથી કાઢી ન શકાય. હાલમાં આ કાયદો 3 મહિના માટે લાગુ કરવામાં આવ્યો છે.


મસ્કની નેતન્યાહુ સાથે મુલાકાત

ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચેના યુદ્ધ વચ્ચે એક્સ અને ટેસ્લના સીઈઓ એલન મસ્ક ઈઝરાયલ પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરી યુદ્ધમાં ઈઝરાયલને સમર્થન આપ્યું હતું. મસ્કે કહ્યું હતું કે, ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ સમાપ્ત થયા બાદ તેઓ ગાઝાનું પુનઃનિર્માણ કરવામાં મદદ કરવા ઈચ્છશે, પરંતુ પેલેસ્ટાઈન વિસ્તારોને કટ્ટરપંથથી મુક્ત કરાવવા મહત્વપૂર્ણ છે.


ઈઝરાયલ અને હમાસ વચ્ચે બંધકોની લેવડ-દેવડ

સોમવારે મુક્ત કરાયેલા કેદીઓમાં ઈઝરાયેલના કિબુત્ઝ નીર ઓઝમાં રહેતી બે જોડિયા બાળકીઓનો પણ સમાવેશ થાય છે. 3 વર્ષની યુલી અને અમ્માને તેની માતા શેરન અલોની કુનિયો સાથે મુક્ત કરવામાં આવી હતી. જો કે તેના પિતા ડેવિડ હજુ પણ હમાસની કેદમાં છે.

આ તરફ ઈઝરાયલે પણ દેશની અલગ-અલગ જેલમાં બંધ 30 બાળકો અને 3 મહિલાઓ સહિત 33 પેલેસ્ટિનીઓને મુક્ત કર્યા છે. ઈઝરાયલે અત્યાર સુધીમાં 150 પેલેસ્ટિનીઓને તેની જેલમાંથી મુક્ત કર્યા છે, જ્યારે હમાસે 69 બંધકોને મુક્ત કર્યા છે. જેમાં 50 ઈઝરાયલના બંધકો અને 19 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. મંગળવારે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો 53મો દિવસ છે.


હમાસને યુદ્ધ સમાપ્તિની આશા

હમાસના કહેવા પ્રમાણે તે યુદ્ધનો અંત લાવવા માંગે છે. હમાસના નેતા ગાઝી હમાદે જણાવ્યું હતું કે, "મને આશા છે કે આ કરવાથી અમે જલ્દી જ યુદ્ધનો અંત લાવી શકીશું અને પેલેસ્ટિનિયન લોકો પર થતા હુમલાઓને રોકી શકીશું."