Israel vs Hamas: આયરિશ વડાપ્રધાનની એક પોસ્ટનો થઈ રહ્યો છે ભયંકર વિરોધ… જાણો કારણ!

આયરલેન્ડના વડાપ્રધાન વરાડકરે 9 વર્ષીય એમિલીને હમાસની બંધક ગણાવવાના બદલે તે ખોવાઈ ગઈ હોવાનું જણાવ્યું હતું

Courtesy: Twitter

Share:

Israel vs Hamas: હમાસ દ્વારા શનિવારે એટલે કે, 25મી નવેમ્બરે મોડી રાતે ઈઝરાયલી બંધકોની બીજી બેચને મુક્ત કરવામાં આવી હતી. ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચેના યુદ્ધ દરમિયાન 4 દિવસનો યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે જેના બીજા દિવસે આ પ્રકારે બંધકોને છોડવામાં આવ્યા હતા. 

હમાસ દ્વારા જે 17 બંધકોને મુક્ત કરવામાં આવ્યા તેમાં 9 વર્ષીય ઈઝરાયલી આયરિશ બંધક એમિલી હેન્ડ પણ હતી. તેની મુક્તિ બાદ આયરલેન્ડના વડાપ્રધાન લિયો વરાડકરે સોશિયલ મીડિયામાં જે પોસ્ટ કરી હતી તેને લઈ હોબાળો મચ્યો છે. 

 

Israel vs Hamas વચ્ચે આયરલેન્ડના વડાપ્રધાન ચર્ચામાં

આયરલેન્ડના વડાપ્રધાન વરાડકરે 9 વર્ષીય એમિલીને હમાસની બંધક ગણાવવાના બદલે તે ખોવાઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે, એક માસૂમ બાળક જે ખોવાઈ ગયું હતું તે હવે મળી ગયું છે અને પરત આવી ગયું છે. આ પોસ્ટ વાયરલ થયા બાદ વૈશ્વિક આક્રોશ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વરાડકરની ખૂબ જ ટીકા પણ થઈ રહી છે. જ્યારે ઈઝરાયલે આ મામલે આયરલેન્ડના રાજદૂતનો સંપર્ક સાધ્યો હતો. 


જાણો શું લખ્યું હતું પોસ્ટમાં?

ગત 7 ઓક્ટોબરના રોજ હમાસે અચાનક જ ઈઝરાયલ પર હુમલો કરી દીધો હતો અને અનેક લોકોને મોતને ઘાટ ઉતારવાની સાથે 200થી પણ વધારે લોકોને બંધક બનાવ્યા હતા. ત્યારથી ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું જેને હાલ વિરામ આપવામાં આવ્યો છે. આ દરમિયાન અમુક વાટાઘાટો પ્રમાણે હમાસે જે બંધકોને મુક્ત કર્યા છે તેમાં સામેલ 9 વર્ષીય બાળકી માટે આયરિશ વડાપ્રધાન વરાડકરે પોસ્ટ લખીને આભાર વ્યક્ત કર્યો હતો. 

તેમણે લખ્યું હતું કે, તેમની પ્રાર્થનાઓનો જવાબ મળ્યો છે. આ એમિલી હેન્ડ અને તેના પરિવાર માટે ખૂબ જ આનંદ અને રાહતનો દિવસ છે. વડાપ્રધાનની આ ટિપ્પણી અને તેમાં જે ખોવાઈ ગઈ, મળી ગઈ તેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો તેને લઈ સોશિયલ મીડિયામાં હોબાળો મચ્યો છે. 

 

ઈઝરાયલની સેનાના દબાણથી એમિલીને મુક્તિ મળી

ઈઝરાયલની સરકારના પ્રવક્તા ઈલોન લેવીએ ટિપ્પણી માટે વરાડકરની ટીકા કરી હતી. આ સાથે જ એમ પણ જણાવ્યું હતું કે, એમિલીનું બેરહેમીથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને કોઈ પ્રાર્થનાના કારણે નહીં પણ ઈઝરાયલની સેનાના દબાણના કારણે મુક્ત કરવામાં આવી છે. 


 

ટીકા બાદ રિપ્લાય સેક્શન બંધ કર્યો
 

આયરલેન્ડના વડાપ્રધાને પોતાની પોસ્ટમાં એવો ઉલ્લેખ નહોતો કર્યો કે, એમિલીને આતંકવાદીઓએ પકડી લીધી હતી અને ગાઝામાં 50 દિવસ સુધી બંધક બનાવી રાખ્યા બાદ કેદીઓની અદલા-બદલીમાં મુક્ત કરવામાં આવી છે. આ કારણે યુઝર્સ આયરિશ વડાપ્રધાન પર ખૂબ જ ગુસ્સો ઠાલવી રહ્યા છે અને વિવિધ પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે. જોકે આ કારણે વડાપ્રધાને પોસ્ટનો રિપ્લાય સેક્શન બંધ કરી દીધો હતો.