Israel vs Hamas: ગાઝાને દરરોજ ઈંધણના 2 ટેન્કર પહોંચાડવા મંજૂરી અપાઈ, રોગચાળો ફેલાવાનો ખતરો

ઈંધણની અછતના કારણે ગાઝામાં UNની સહાયનો પુરવઠો ફરીથી અટકાવી દેવામાં આવ્યો હતો

Courtesy: Image: Twitter

Share:

Israel vs Hamas: શુક્રવારના રોજ ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચેના યુદ્ધના 44મા દિવસે ઈઝરાયલની કેબિનેટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત દરરોજ 2 ફ્યુઅલ ટેન્કર ગાઝા ખાતે મોકલવામાં આવશે. ઈઝરાયલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના અધ્યક્ષ ઝાચી હાંગેબીએ અમેરિકાની ઈંધણ અંગેની અપીલ પર નિર્ણય લેવા અંગેની માહિતી આપી હતી. 

Israel vs Hamas વચ્ચે નિર્ણય

ગત 7મી ઓક્ટોબરથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. અનેક અઠવાડિયાથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બાળકો અને મહિલાઓ સહિત હજારો લોકોના મોત થયા છે ત્યારે ઈઝરાયેલ સરકારે ગાઝાને ઈંધણ પુરવઠો પૂરો પાડવા મંજૂરી આપી છે. 

2 ટેન્કર ગાઝામાં પ્રવેશ્યા

ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચે એક મહિના કરતા પણ વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે જેથી પેલેસ્ટાઈનવાસીઓનું જીવન દાવ પર લાગ્યું છે. ઈંધણની અછતના કારણે ગાઝામાં UNની સહાયનો પુરવઠો ફરીથી અટકાવી દેવામાં આવ્યો હતો. 

 

ત્યારે ઈઝરાયેલની યુદ્ધ કેબિનેટે માનવીય સંકટને ધ્યાનમાં રાખીને ગાઝાને નિયમિતપણે ઈંધણનો પુરવઠો મળી રહે તે માટે મંજૂરી આપી છે. સૂત્રોના અહેવાલ પ્રમાણે આ પ્રકારની મંજૂરી બાદ ઈંધણના 2 ટેન્કરો રાફા ક્રોસિંગ દ્વારા યુદ્ધગ્રસ્ત ગાઝા વિસ્તારમાં પ્રવેશ્યા હતા. 

 

ઈઝરાયેલના સૈન્ય પ્રવક્તાના જણાવ્યા અનુસાર સરકારની મંજૂરી બાદ કુલ 60,000 લીટર ડીઝલ ઈંધણ વહન કરતા ટેન્કરોને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, ખાસ કરીને યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી દ્વારા ઉપયોગ માટે અધિકૃત કરવામાં આવ્યા હતા. 

 

રીઅર એડમિરલ હગારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઈંધણ ડિસેલિનેશન સુવિધાઓ માટે મહત્વપૂર્ણ છે જે દક્ષિણ પટ્ટીને પાણી પૂરું પાડે છે. આ પ્રક્રિયાનું મોનિટરિંગ યુનાઈટેડ સ્ટેટ્સ અને ઈજિપ્ત દ્વારા કરવામાં આવે છે. 

ગાઝામાં રોગચાળો ફેલાવાનું જોખમ

રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના અધ્યક્ષ હાંગેબીએ જણાવ્યું હતું કે, ગાઝામાં ગટર વ્યવસ્થા સંપૂર્ણ પતનના આરે છે. જેના કારણે રોગચાળો ફેલાવાનો ભય છે. આ પ્લાન્ટને ચલાવવા માટે ઈંધણની સખત જરૂર છે. આ કારણે કેબિનેટે ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ત્યાં દરરોજ 2 ટેન્કર મોકલવાનો નિર્ણય લીધો છે. આ માત્ર પેલેસ્ટિનિયનો માટે જ નહીં પરંતુ સૈનિકો માટે પણ ખતરો છે.

 

હાંગેબીએ આગળ કહ્યું હતું કે, જો ત્યાં પ્લેગ જેવી ઘાતક બીમારી ફેલાઈ તો અમારે સૈન્ય ઓપરેશન બંધ કરવું પડશે. નિર્ણય લેતા પહેલા અમે અમારા તમામ સુરક્ષા વડાઓ સાથે ચર્ચા કરી છે. અમેરિકન સરકાર પણ ઘણા દિવસોથી આ અંગે અપીલ કરી રહી હતી. અમે તેમના શબ્દો સ્વીકાર્યા છે.