Israel vs Hamas: ગાઝાની હોસ્પિટલમાંથી મળી આવી હમાસની ટનલ, નેતન્યાહુની સેનાએ જાહેર કર્યો પુરાવો

સેનાએ ગાઝાની અલ કુદસ હોસ્પિટલની અંદરથી મોટી સંખ્યામાં હથિયાર અને દારુગોળો મળી આવ્યો હોવાની માહિતી આપી

Courtesy: Image: Twitter

Share:

 

Israel vs Hamas: ઈઝરાયલની સેના દ્વારા ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગત 7મી ઓક્ટોબરથી શરૂ થયેલા ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચેના યુદ્ધના કારણે ગાઝા બરબાદ થઈ ચુક્યું છે. ત્યારે આ યુદ્ધના 42મા દિવસે ઈઝરાયલની સેના દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે તેમને ગાઝાની સૌથી મોટી અલ શિફા હોસ્પિટલના કેમ્પસમાંથી હમાસની સુરંગ મળી આવી છે. 

 

ઈઝરાયલ દ્વારા અગાઉ સતત એવા આરોપો લગાવવામાં આવી રહ્યા હતા કે, હમાસના આતંકવાદીઓ હોસ્પિટલ્સ તેમજ અન્ય સરકારી સ્થળોએ પોતાનું આશ્ર્ય સ્થાન બનાવે છે. ત્યારે તાજેતરના ખુલાસા પ્રમાણે હમાસની સુરંગનો એક મોટો હિસ્સો ગાઝા ખાતે આવેલી અલ શિફા હોસ્પિટલની નીચેથી પસાર થાય છે. 

Israel vs Hamas વચ્ચે મહત્વનો ખુલાસો

ઈઝરાયેલી સેનાએ સોશિયલ મીડિયા પર ગાઝાની બીજી હોસ્પિટલોમાં પાડેલા દરોડાની તસવીરો અને વીડિયો પણ રીલિઝ કર્યા છે. ઈઝરાયલે ગાઝાની અન્ય એક રાન્તિસી હોસ્પિટલમાં પણ આતંકવાદી સુરંગ હોવાનો દાવો કર્યો છે. સાથે સાથે ગાઝાની અલ કુદસ હોસ્પિટલની અંદરથી મોટી સંખ્યામાં હથિયાર અને દારુગોળો મળી આવ્યો હોવાની પણ માહિતી આપી હતી.

 

પેલેસ્ટાઈન દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચેના યુદ્ધના કારણે અત્યાર સુધીમાં ગાઝા પટ્ટીમાંથી 11,470 પેલેસ્ટાઈનવાસીઓના મોત થયા છે અને 2,700થી પણ વધારે લોકો લાપતા છે. તમામ સ્પષ્ટતાઓ છતાં પણ નેતન્યાહુની સેનાએ ગાઝા પરના હુમલાને લઈ સમગ્ર વિશ્વની ટીકાનો ભોગ બનવું પડ્યું છે. ત્યારે તાજેતરનો પુરાવો તેને તમામ આરોપોમાંથી મુક્ત કરવા માટે પૂરતો છે. 

અલ શિફા હોસ્પિટલને હમાસે કમાન્ડ સેન્ટર બનાવ્યાનો દાવો 

ઈઝરાયેલનો આરોપ છે કે હમાસે તેનું કમાન્ડ સેન્ટર અલ શિફા હોસ્પિટલની નીચે બનાવ્યું છે. અમેરિકાએ પણ આ દાવાને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે, તેની ગુપ્તચર એજન્સીએ પણ આ અંગે અપડેટ આપ્યું છે. જોકે હમાસે આ વાતને તદ્દન નકારી દીધી છે. બીજી તરફ પેલેસ્ટાઈનનો આરોપ છે કે ઈઝરાયેલની સેનાએ હોસ્પિટલની આસપાસ બુલડોઝર તૈનાત કર્યા છે, જે એકદમ ખતરનાક છે. 

 

યુનાઈટેડ નેશન્સના અહેવાલ અનુસાર હોસ્પિટલની અંદર હજુ પણ ઓછામાં ઓછા 2300 દર્દીઓ, કર્મચારીઓ અને વિસ્થાપિત નાગરિકો છે, જેમાં ઘણા નવજાત બાળકોનો પણ સમાવેશ થાય છે.

દરરોજ 4 કલાક સંઘર્ષ વિરામની જાહેરાત

નોંધનીય છે કે, ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચેના યુદ્ધ દરમિયાન તાજેતરમાં જ વ્હાઈટ હાઉસ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, ઈઝરાયલ દ્વારા ઉત્તરી ગાઝાના ચોક્કસ વિસ્તારોમાં લશ્કરી કાર્યવાહી દરમિયાન દરરોજ 4 કલાકનો યુદ્ધવિરામ અપનાવવામાં આવશે. 

 

આ ઉપરાંત ઈઝરાયલનું સૈન્ય ગાઝામાં સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય એજન્સીઓ દ્વારા માનવીય સહાય મળી રહે તે માટે મંજૂરી આપવા પણ રાજી થયું છે.