Israel vs Hamas: ગાઝાના પીડિતોની વ્હારે આવ્યું ભારત, બીજી વખત મોકલી રાહત સામગ્રી

યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈઝરાયલમાં 1200થી વધુ જ્યારે ગાઝામાં 12,000થી વધુ લોકોના મોત થયા

Courtesy: Image: Twitter

Share:

 

Israel vs Hamas: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પેલેસ્ટાઈનવાસીઓનો પણ ભોગ લેવાઈ રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે રવિવારે ભારત તરફથી બીજું વિમાન જરૂરી સહાય લઈને ગાઝા જવા માટે રવાના થયું છે. ભારતે ગાઝા પટ્ટીના રહેવાસીઓ માટે બીજી વખત સહાય મોકલી છે. 

 

વિદેશ મંત્રી એસ જયશંકરે આ અંગેની માહિતી આપી હતી. નોંધનીય છે કે, ગત 7મી ઓક્ટોબરથી ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. 

 

વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા સાઈટ એક્સ પરની પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “ભારત પેલેસ્ટાઈનના લોકોને સહાય પહોંચાડવાનું ચાલુ રાખશે. આજે ભારતનું બીજુ વિમાન અંદાજે 32 ટન ચીજવસ્તુઓ લઈને રવાના થયું છે.”

Israel vs Hamas વચ્ચે ભારતનું રાહત કાર્ય

ભારતે ગાઝા પટ્ટીના રહેવાસીઓ માટે બીજી વખત સહાય મોકલી છે. આ વિમાન પહેલા ઈજીપ્તના એલ-એરિશ એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી તેમાં રહેલી સામગ્રીને ટ્રકમાં લોડ કરી રફાહ બોર્ડર દ્વારા ગાઝા પહોંચાડવામાં આવશે. એલ-એરિશ એરપોર્ટથી ગાઝા આશરે 45 કિમી દૂર છે. રફાહ બોર્ડર હાલની સ્થિતિમાં ગાઝા પહોંચવા માટેનો એકમાત્ર રસ્તો છે.

અગાઉ પણ મોકલી હતી સહાય

આ પહેલા 22 ઓક્ટોબરના રોજ ભારતે ગાઝા પટ્ટી પરના યુદ્ધગ્રસ્ત લોકો માટે પહેલીવાર સહાય મોકલી હતી. જેમાં 6.5 ટન મેડીકલ સહાય અને 32 ટન અન્ય રાહત સામગ્રીઓનો જથ્થો હતો. સર્જિકલ સામાન, તંબુ સ્લિપીંગ બેગ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ તેમાં સામેલ હતી.

 

7 ઓક્ટોબરથી શરૂ થયેલા હમાસ-ઈઝરાયલ (Israel vs Hamas) વચ્ચેના ભયંકર યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈઝરાયલમાં 1200થી વધુ જ્યારે ગાઝામાં 12,000થી વધુ લોકોના મોત થયા છે. ઈઝરાયલે હવે ગાઝાની અલ શિફા હોસ્પિટલ પર કબજો કરી લીધો છે.

 

ઈઝરાયલી સેનાએ જણાવ્યું હતું કે, હમાસના આતંકવાદીઓ હોસ્પિટલની અંદરથી તેમનું નેટવર્ક ચલાવી રહ્યા હતા જેથી હોસ્પિટલમાં પાણીનો પુરવઠો, વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ કારણે અનેક દર્દીઓ પણ મોતને ભેટ્યા હતા. 

 

ત્યાર બાદ સેનાએ હોસ્પિટલ પર કબજો કરી લેતા તબીબો તથા અન્ય સ્ટાફ હોસ્પિટલ છોડીને ભાગ્યા હતા. કેટલાક દર્દીઓને ઈઝરાયલે બંદૂકની અણીએ બહાર કાઢ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.

ભારતે મોકલી તબીબી સહાય

વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની પોસ્ટમાં લખ્યું હતું કે, ભારતે પેલેસ્ટાઈનવાસીઓને માનવીય સહાય મોકલી. પેલેસ્ટાઈનવાસીઓ માટે આશરે 6.5 ટન તબીબી સહાય અને 32 ટન રાહત સામગ્રી લઈને ભારતીય વાયુ સેનાનું C-17 એરક્રાફ્ટ ઈજિપ્તના અલ-અરિશ એરપોર્ટ જવા માટે રવાના થયું.