Israel vs Hamas: 13 ઈઝરાયલી અને 4 થાઈ નાગરિકો સહિતના બંધકોના બીજા ગ્રૂપની મુક્તિ

ઈઝરાયલે બંધકોના બદલામાં 33 સગીરો સહિત કુલ 39 પેલેસ્ટિની કેદીઓને મુક્ત કર્યા

Courtesy: Twitter

Share:

Israel vs Hamas: ઈઝરાયલ અને હમાસ વચ્ચે થયેલી યુદ્ધવિરામની સમજૂતી હેઠળ હમાસે ઈઝરાયલી બંધકોના બીજા ગ્રૂપને પણ મુક્ત કર્યું છે. અહેવાલ અનુસાર હમાસની કેદમાંથી મુક્ત કરાયેલા લોકોમાં 13 ઈઝરાયલી અને 4 થાઈ નાગરિકો સામેલ છે. નોંધનીય છે કે, હમાસે 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. 

આ હુમલામાં 1,200 કરતાં વધુ ઈઝરાયલી નાગરિકોના મૃત્યુ થયા હતા અને 200 કરતા વધુને બંધક બનાવી લેવાયા હતા. ત્યારથી ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેમાં બંને છાવણીઓ એકબીજાને બંધક બનાવેલા લોકોની સોંપણી કરશે. 


Israel vs Hamas વચ્ચે બંધકોની મુક્તિ

ઈઝરાયલી સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગાઝામાં હમાસ દ્વારા કેદમાંથી મુક્ત કરાયેલા 13 ઈઝરાયેલી અને 4 થાઈ નાગરિકો ઈઝરાયલ પહોંચી ગયા છે. હકીકતમાં, શનિવારે મોડી રાત્રે હમાસે વધુ બંધકોને મુક્ત કરાવવા માટે થોડી અકડ દર્શાવી વધુ શરતો મૂકી હતી. હમાસે બીજા રાઉન્ડમાં કેદીઓને મુક્ત કરવા માટે ઈઝરાયલ સમક્ષ બીજી શરત મૂકી હતી. 

જોકે નારાજ ઈઝરાયલે ગાઝા પર ફરી હુમલો કરવાની ચેતવણી આપી હતી. ત્યારે જ હમાસ સહમત થયું હતુ. ઈઝરાયલ સાથે યુદ્ધવિરામ કરાર બાદ હમાસે અત્યાર સુધીમાં 42 બંધકોને મુક્ત કર્યા છે. પહેલા રાઉન્ડમાં તેણે 25 લોકોને ઈઝરાયલ મોકલ્યા હતા. હવે 17 લોકોને મુક્ત કરવામાં આવ્યા છે. 


39 પેલેસ્ટાઈનીઓની મુક્તિ

50 દિવસ સુધી હમાસની કેદનો સામનો કર્યા પછી આ લોકો હવે તેમના પરિવાર પાસે પાછા જઈ રહ્યા છે. હમાસે ઈઝરાયલને કુલ 50 બંધકો આપવાની શરત મૂકી છે. આ બંધકોને રેડ ક્રોસમાં લાવવામાં આવી રહ્યા છે અને ઈઝરાયલી સેનાને સોંપવામાં આવી રહ્યા છે.

ઈઝરાયલે બંધકોના બદલામાં 33 સગીરો સહિત કુલ 39 પેલેસ્ટિની કેદીઓને મુક્ત કર્યા હતા. એક બસમાં તેમને વેસ્ટ બેન્કના બેતુનિયા શહેર લઈ જવાતી બસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ-હમાસ (Israel vs Hamas) વચ્ચે 4 દિવસ માટે યુદ્ધવિરામની સમજૂતી થઈ છે. 


હમાસની આડોડાઈ

પ્રથમ રાઉન્ડમાં 25 લોકોને મુક્ત કર્યા પછી હમાસ આતંકવાદી જૂથે બંધકોની બીજી બેચની મુક્તિમાં વિલંબ કરવાનું શરૂ કર્યું હતું. હમાસ દ્વારા ઈઝરાયલ સમક્ષ બીજી શરત મૂકવામાં આવી હતી. હમાસે કહ્યું હતું કે જ્યાં સુધી ઈઝરાયલ ઉત્તર ગાઝા પટ્ટીમાં સહાય ટ્રક મોકલવાનું શરૂ નહિ કરે ત્યાં સુધી તે બંધકોની બીજી બેચને મુક્ત કરશે નહીં. તેણે ઈઝરાયલ પર પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા અંગેનું વચન પૂરું ન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. બાદમાં ઈઝરાયલે ગાઝામાં તેના સૈન્ય હુમલાને ફરી શરૂ કરવાની ચેતવણી આપી હતી.