Israel vs Hamas: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પેલેસ્ટાઈનના નિર્દોષ લોકો માટે વ્યક્ત કરી ચિંતા

Israel vs Hamas: છેલ્લા એક સપ્તાહ કરતા પણ વધારે સમયથી ગાઝા પટ્ટી વિસ્તારમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે (Israel vs Hamas) ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં બંને પક્ષે અનેક નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે. તેના અનુસંધાને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને (Joe Biden) રવિવારના રોજ એક મહત્વનું નિવેદન આપ્યું હતું.  અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને […]

Share:

Israel vs Hamas: છેલ્લા એક સપ્તાહ કરતા પણ વધારે સમયથી ગાઝા પટ્ટી વિસ્તારમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે (Israel vs Hamas) ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં બંને પક્ષે અનેક નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે. તેના અનુસંધાને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને (Joe Biden) રવિવારના રોજ એક મહત્વનું નિવેદન આપ્યું હતું. 

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે, ઈઝરાયલ પર કરવામાં આવી રહેલા હુમલામાં હમાસ પોતાના નિર્દોષ પેલેસ્ટાઈનવાસી પરિવારોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે. વોશિંગ્ટન ખાતે માનવાધિકાર અભિયાન માટે આયોજિત એક ડીનર દરમિયાન જો બાઈડને કહ્યું હતું કે, ગાઝામાં માનવીય સંકટની સ્થિતિ છે. નિર્દોષ પેલેસ્ટાઈનવાસી પરિવારો અને વિશાળ બહુમતને હમાસ સાથે કશું જ લાગતું વળગતું નથી. 

વધુ વાંચો: ઈઝરાયલ ગાઝામાં બંધક પોતાના જ નાગરિકોની હત્યા કરી રહ્યું હોવાનો હમાસનો દાવો

Israel vs Hamas અંગે જો બાઈડને શું કહ્યું?

જો બાઈડન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, હમાસના આતંકવાદીઓ દ્વારા યહૂદીઓ પર જે હુમલો કરવામાં આવ્યો તે તેમના નરસંહાર બાદનો સૌથી લોહીયાળ દિવસ હતો. આ સાથે જ તેમણે હમાસ દ્વારા ઈઝરાયલના વળતા હુમલાથી બચવા માટે પેલેસ્ટાઈનના નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

Israel vs Hamas: અમેરિકા ઈઝરાયલની સાથે

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને (Joe Biden) લાપતા અમેરિકીઓના પરિવારજનો સાથે ઝૂમ પર એક કલાક સુધી વાતચીત કરી હતી. ગત તા. 7મી ઓક્ટોબરના રોજ શરૂ થયેલા ઈઝરાયલ અને હમાસ (Israel vs Hamas) વચ્ચેના યુદ્ધ બાદ અમેરિકા ઈઝરાયલના લોકોનો મજબૂત સહારો બનીને ઉભુ રહ્યું છે અને તેણે હમાસના આતંકવાદીઓ સામેની લડાઈમાં સંપૂર્ણ સમર્થનનું આશ્વાસન આપેલું છે. 

અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું હતું કે, હમાસ એક આતંકવાદી સંગઠન છે અને તેનો એક માત્ર એજન્ડા ઈઝરાયલને નષ્ટ કરી યહૂદીઓની હત્યા કરવાનો છે. આ સાથે જ તેમણે હમાસ સંગઠન પેલેસ્ટાઈનના લોકોનું પ્રતિનિધિ ન હોવાનું પણ જણાવ્યું હતું.

વધુ વાંચો: ઈઝરાયલ વિદેશીઓને ગાઝા છોડવાની પરવાનગી આપશે 

જો બાઈડનની મહત્વની સ્પષ્ટતા

હમાસ સામેની લડાઈમાં અમેરિકા ખુલીને ઈઝરાયલની મદદ કરી રહ્યું છે. જોકે તેમ છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા એક મહત્વની સ્પષ્ટતા પણ કરી દેવામાં આવી છે. 

જો બાઈડન દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા પ્રમાણે તેઓ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલના કબજાનું સમર્થન નથી કરતા. તેમણે કહ્યું હતું કે, જો ઈઝરાયલ દ્વારા ગાઝા પર કબજો જમાવવામાં આવશે તો તે એક મોટી ભૂલ હશે. જોકે સાથે જ જો બાઈડને એમ પણ કહ્યું હતું કે, તેઓ ઈચ્છે છે કે, હમાસનો સંપૂર્ણ ખાત્મો બોલાય કારણ કે, હમાસ તમામ પેલેસ્ટાઈનવાસીઓનું પ્રતિનિધિત્વ નથી કરતું.