હમાસે 5,000 રોકેટ છોડયા બાદ ઈઝરાયલના PMએ યુદ્ધની ઘોષણા કરી

પેલેસ્ટાઈન સંગઠન હમાસ દ્વારા ઈઝરાયલ પર આજે 5,000 રોકેટ છોડયા બાદ PM બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધની ઘોષણા કરી છે. આ ભયંકર રોકેટ હુમલામાં 22 લોકોના મોત થયા છે અને આતંકવાદીઓએ દાવો કર્યો કે આ તેમનો “પ્રથમ હુમલો” હતો. જેના કારણે ઈઝરાયલે ગાઝા પટ્ટી પર જવાબી હવાઈ હુમલા શરૂ દીધા છે અને ચેતવણી આપી છે કે હમાસને […]

Share:

પેલેસ્ટાઈન સંગઠન હમાસ દ્વારા ઈઝરાયલ પર આજે 5,000 રોકેટ છોડયા બાદ PM બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધની ઘોષણા કરી છે. આ ભયંકર રોકેટ હુમલામાં 22 લોકોના મોત થયા છે અને આતંકવાદીઓએ દાવો કર્યો કે આ તેમનો “પ્રથમ હુમલો” હતો. જેના કારણે ઈઝરાયલે ગાઝા પટ્ટી પર જવાબી હવાઈ હુમલા શરૂ દીધા છે અને ચેતવણી આપી છે કે હમાસને આની મોટી કિંમત ચૂકવવી પડશે.

ઈમર્જન્સી મીટિંગ બાદ યુદ્ધની ઘોષણા કરાઈ

ઈઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુએ કેબિનેટ સાથેની ઈમર્જન્સી મીટિંગ બાદ કહ્યું કે ઈઝરાયલના નાગરિકો, આ યુદ્ધ છે અને આપણે ચોક્કસપણે જીતીશું. દુશ્મનોએ આની કિંમત ચૂકવવી પડશે.

હમાસ દ્વારા 5,000 રોકેટ છોડવામાં આવ્યા બાદ ઈઝરાયલને હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરનનો અવાજ પણ ઉત્તરમાં લગભગ 70 કિલોમીટર દૂર દેશની આર્થિક અને સાંસ્કૃતિક રાજધાની તેલ અવીવમાં સંભળાયો હતો. ઈઝરાયલની મેગેન ડેવિડ એડોમ રેસ્ક્યુ એજન્સીએ જણાવ્યું હતું કે દક્ષિણ ઈઝરાયલમાં એક ઈમારત પર રોકેટ અથડાતાં 70 વર્ષની એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. એજન્સીના જણાવ્યા અનુસાર આ સિવાય 20 વર્ષીય યુવકને સામાન્ય ઈજાઓ થઈ હતી.

હવે બહુ થયુ- હમાસ

હમાસના મિલિટરી કમાન્ડર મોહમ્મદ ડેઈફે આ હુમલાઓ બાદ એક નિવેદનમાં કહ્યું કે, “અમે એ ઘોષણા કરવાનો નિર્ણય લીધો છે કે બસ, હવે બહુ થયું.”

તેણે વધુમાં કહ્યું, “અમે દુશ્મનને પહેલેથી જ ચેતવણી આપી દીધી છે. ઈઝરાયલી કબજેદારોએ અમારા નાગરિકોના સેંકડો નરસંહાર કર્યા છે. એ કબજેદારોના કારણે આ વર્ષે સેંકડો લોકો શહીદ અને ઘાયલ થયા છે. અમે ઓપરેશન અલ અક્સા સ્ટોર્મની શરૂઆતનું એલાન કરીએ છીએ. અમે એલાન કરીએ છીએ કે દુશ્મનનાં લક્ષ્યો, એરપૉર્ટ અને લશ્કરી થાણાં પરના અમારા પ્રથમ હુમલામાં 5,000 રોકેટ છોડવામાં આવ્યાં છે.”

મોહમ્મદ ડેઈફે વધુમાં કહ્યું કે આ હુમલો ઈઝરાયલ દ્વારા જેરુસલેમની અલ-અક્સા મસ્જિદની અપવિત્રતાનો બદલો છે. સેના હમાસનાં સ્થાનો પર હુમલો કરી રહી છે. હકીકતમાં ઈઝરાયલની પોલીસે એપ્રિલ 2023માં અલ-અક્સા મસ્જિદ પર ગ્રેનેડ ફેંક્યા હતા.

અમે અમારી રક્ષા કરવા સક્ષમ- ઈઝરાયલ

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ તરફથી એક નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આજે સવારે સાયરન સાથે ઘટના બની છે, કારણ કે ગાઝા તરફથી અમારા પર રોકેટ છોડવામાં આવી રહ્યાં છે. પરંતુ અમે અમારી રક્ષા કરવામાં સક્ષમ છીએ.

આ ઘટના પછી સમગ્ર ઈઝરાયલમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે અને સરહદી વિસ્તારોમાં લોકોને ઘરની અંદર જ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

રક્ષામંત્રી યોઆવ ગૅલેન્ટે કહ્યું કે “હમાસે આજે સવારે ઈઝરાયલ સામે યુદ્ધ શરૂ કરીને ભારે ભૂલ કરી છે. ઈઝરાયલના સૈનિકો દરેક જગ્યાએ હુમલાખોરો સામે લડી રહ્યા છે. આ યુદ્ધ ઈઝરાયલ જ જીતશે.”