Israel-Hamas war: ગાઝામાં બાળકોની હત્યા અંગે જસ્ટિન ટ્રુડોના નિવેદન પર ઈઝરાયલી PMએ આપ્યો આ જોરદાર જવાબ

આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 12000થી વધુ લોકોના મૃત્યુ થયા

Courtesy: Image: Twitter

Share:

 

Israel-Hamas war: છેલ્લા એક મહિનાથી ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ (Israel-Hamas war) ચાલી રહ્યું છે. આ દરમિયાન દુનિયાના દેશ પોત-પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. ત્યારે કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ ઈઝરાયલ વિરોધી નિવેદન આપ્યું છે. જોકે, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જોરદાર જવાબ આપ્યો છે.  

Israel-Hamas warમાં ઈઝરાયલને સંયમ જાળવવાની જરૂર છે: જસ્ટિન ટ્રુડો

કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ મંગળવારે ઈઝરાયલના હુમલાની આકરી ટીકા કરી અને કહ્યું કે ગાઝા પટ્ટીમાં મહિલાઓ, બાળકો અને શિશુઓની હત્યા બંધ થવી જોઇએ. જસ્ટિન ટુડોએ કહ્યું કે ઈઝરાયલને હમાસ સામે પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ અસરગ્રસ્ત વિસ્તારમાં વધતા મૃત્યુઆંક ચિંતાનો વિષય છે. હું ઈઝરાયલ સરકારને મહત્તમ સંયમ રાખવા વિનંતી કરું છું.

 

જસ્ટિન ટ્રુડોએ વધુમાં કહ્યું કે અમે ડોકટરો, પરિવારના સભ્યો, બચી ગયેલા લોકો, તેમના માતા-પિતા ગુમાવનારા બાળકોની જુબાની સાંભળી રહ્યા છીએ. દુનિયા ટીવી અને સોશિયલ મીડિયા પર મહિલાઓ, બાળકો અને શિશુઓની હત્યા જોઈ રહી છે. આ બંધ થવું જોઇએ. જસ્ટિન ટ્રુડોએ એમ પણ કહ્યું હતું કે હમાસે પેલેસ્ટાઈનનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ અને તેના તમામ બંધકોને મુક્ત કરવા જોઈએ.

 

કેનેડાએ ગાઝામાં ઈઝરાયલના ગ્રાઉન્ડ આક્રમણનો બચાવ કર્યો હતો, પરંતુ ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas war) દરમિયાન ગાઝામાં થયેલા મૃત્યુ માટે તેમણે આડકતરી રીતે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું હતું. આ માટે બેન્જામિન નેતન્યાહુએ કેનેડાને ઠપકો આપ્યો છે. વાસ્તવમાં, બેન્જામિન નેતન્યાહૂએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝા પટ્ટીને લઈને આપેલા નિવેદન પર ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે ઈઝરાયલ નહીં પરંતુ હમાસ નાગરિકો પર હુમલાઓ કરી રહ્યું છે.

 

બેન્જામિન નેતન્યાહુએ X પરની તેમની પોસ્ટમાં કહ્યું હતું કે, "તે ઈઝરાયલ નથી કે જે જાણી જોઈને નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે, પરંતુ હમાસ છે જેણે હોલોકોસ્ટ પછી યહૂદીઓ પરના સૌથી ખરાબ હુમલામાં નાગરિકોની હત્યા કરી છે. જ્યારે ઈઝરાયલ નાગરિકોને બચાવવા માટે બધું કરી રહ્યું છે, ત્યારે હમાસ તેમને નુકસાન પહોંચાડવા માટે બધું કરી રહ્યું છે."

 

તેમણે જણાવ્યું હતું કે ઈઝરાયલ ગાઝામાં નાગરિકોને માનવતાવાદી કોરિડોર અને સલામત વિસ્તારો પ્રદાન કરી રહ્યું છે, જ્યારે હમાસ તેમને બંદૂકની અણી પર જવાથી રોકી રહ્યું છે. આ યુદ્ધ (Israel-Hamas war) અપરાધ માટે હમાસને જવાબદાર માનવું જોઈએ, ઈઝરાયલને નહીં. તે હમાસ છે જે નાગરિકોની પાછળ છુપાઈને નાગરિકોને નિશાન બનાવે છે. હમાસની બર્બરતાને હરાવવા માટે વિશ્વના તમામ સંસ્કારી દેશોએ ઈઝરાયલને સાથ આપવો જોઈએ.