Karachi Shopping Mall: આગ હોનારતમાં 11ના મોત, અનેક ફસાયા હોવાની આશંકા

કરાચીમાં લગભગ 90 ટકા સંરચનાઓ, રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક પાસે ફાયર પ્રિવેન્શન અને ફાયર ફાઈટિંગ સિસ્ટમ નથી

Courtesy: Twitter

Share:

 

Karachi Shopping Mall: પાકિસ્તાનના કરાચી શહેરમાં આવેલા એક શોપિંગ મોલમાં શનિવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. કરાચીના શોપિંગ મોલ (Karachi Shopping Mall)માં લાગેલી આગે 11 લોકોનો ભોગ લીધો છે અને 22થી પણ વધારે લોકોને ઈજાઓ પહોંચી છે. 

શનિવારે સવારે 7:00 વાગ્યાની આસપાસ શોપિંગ મોલના બીજા માળે લાગેલી આગે શોપિંગ મોલના ચોથા, પાંચમા અને છઠ્ઠા માળને પણ લપેટમાં લીધો હતો. જોકે આ આગ કયા કારણોસર લાગી તે હાલ સ્પષ્ટ થયું નથી. આગ પર કાબૂ મેળવવા માટે બિલ્ડિંગનો વીજ પુરવઠો કાપવો પડ્યો હતો.


Karachi Shopping Mallમાં આગ હોનારત

કરાચીના શોપિંગ મોલમાં આગ લાગવાના કારણે 11 લોકોના મોત થયા હતા અને તે સિવાય પણ અનેક લોકો મોલમાં ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી હતી. આગ હોનારત બાદ ફાયર વિભાગની 12 ગાડીઓ અને 50થી વધુ ફાયર ફાઈટરોએ ઘટના સ્થળો દોડી જઈને આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઉપરાંત બિલ્ડિંગમાં ફસાયેલા 42 લોકોને લગભગ તરત જ બચાવી લેવામાં આવ્યા હતા.


ડરના કારણે વધુ મોત થયા

ફાયર વિભાગના ઓફિસર મુબીન અહમદે જણાવ્યું હતું કે, ઘટનામાં મોટા ભાગના લોકોના મોત ધુમાડો અને આગના ડરના કારણે થયા છે. કારણ કે, ભીષણ આગને નિયંત્રિત કરવા માટે અચાનક જ વીજળી કટ કરી દેવામાં આવી હતી.તેમણે જણાવ્યું કે, મોલમાં હજુ પણ ફસાયા હોય તેવા લોકોને શોધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 42 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે જે તમામ પુરુષો છે. 

એક અહેવાલ પ્રમાણે કરાચીમાં બનેલી 90% ઈમારતોમાં ફાયર ફાઈટિંગ સિસ્ટમ જ નથી. ત્યારે કરાચીના શોપિંગ મોલ (Karachi Shopping Mall)માં બનેલી આ ઘટના બાદ લોકોની સુરક્ષાને લઈને સરકાર પર સવાલો ઊઠી રહ્યા છે. વીકેન્ડ હોવાના કારણે મોલમાં સામાન્ય કરતાં ભીડ વધારે હતી. 

ઉપરાંત  મોલના બિલ્ડિંગમાં કોલ સેન્ટર અને સોફ્ટવેર હાઉસ પણ હતાં જ્યાં 24 કલાક એર કંડિશનર ચાલતા હતા. ફાયર ફાઈટર્સના મતે આગ લાગવા પાછળનું કારણ એસી પણ હોઈ શકે છે. જોકે આગ લાગવાનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

કરાચીના મેયર મુર્તઝા વહાબે આગમાં 9 લોકોના મૃત્યુ થયાની પુષ્ટિ કરી હતી. જો કે પરંતુ પોલીસ અધિકારી સુમૈયા સૈયદે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 11 મૃતદેહોને 2 હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. ઉપરાંત બચાવી લેવાયા છે તે પૈકીના 9 લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. 

આ સપ્તાહની શરૂઆતમાં જ યોજાયેલા એક સેમિનાર દરમિયાન આયોજકો અને ઈજનેરોએ જણાવ્યું હતું કે, તેઓને ખાતરી છે કે કરાચીમાં લગભગ 90 ટકા સંરચનાઓ, રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક પાસે ફાયર પ્રિવેન્શન અને ફાયર ફાઈટિંગ સિસ્ટમ નથી.