Pakistanમાં સર્જાઈ લેમિનેશન પેપરની અછત, પાસપોર્ટ છાપવાનું થયું બંધ

પાકિસ્તાનમાં હવે માત્ર 13 જેટલા જ પાસપોર્ટ બનાવવામાં આવે છે

Courtesy: Twitter

Share:

 

Pakistan: પાકિસ્તાનની આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે વધુ કફોડી બની રહી છે. પાકિસ્તાન (Pakistan)માં લેમિનેશન પેપરની ભારે અછત સર્જાઈ છે, જેનો ઉપયોગ પાકિસ્તાની પાસપોર્ટમાં કરવામાં આવે છે. સામાન્ય રીતે પાકિસ્તાન આ પેપરો ફ્રાન્સમાંથી આયાત કરે છે. આ લેમિનેશન પેપરોની અછતના કારણે પાકિસ્તાનમાં પાસપોર્ટ છપાવવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. એક દિવસમાં 4000 પાસપોર્ટ બનાવતું પાકિસ્તાન હવે માત્ર 13 જેટલા જ પાસપોર્ટ બનાવવા મજબુર બન્યું છે.

Pakistanમાં પાસપોર્ટ છાપવાની કામગીરી મહદઅંશે બંધ

એક અહેવાલ મુજબ, પાકિસ્તાન (Pakistan)માં પાસપોર્ટ છાપવાની કામગીરી મહદઅંશે બંધ હાલતામાં છે, જેના કારણે વિદેશમાં જનારા લોકો રોષે ભરાયા છે. પેશાવર પાસપોર્ટ કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાનમાં અગાઉ દૈનિક 3000થી 4000 પાસપોર્ટ બનતા હતા, જોકે હવે આ આંકડો માત્ર 12થી 13 પર પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે પાસપોર્ટ માટે લોકોએ ઘણા મહિનાઓ સુધી રાહ જોવી પડી રહી છે.

 

પેશાવરની એક વિદ્યાર્થિની હીરાએ જણાવ્યું હતું કે તેનો ઈટાલીનો સ્ટુડન્ટ વિઝા તાજેતરમાં મંજૂર થઈ હતી અને તે ઓક્ટોબરમાં જોડાવાની હતી. તેણે કહ્યું, "પાસપોર્ટ ન હોવાને કારણે મારી તક પણ ખોવાઈ ગઈ. તેમને સરકારી વિભાગની બિનકાર્યક્ષમતા માટે કિંમત ચૂકવવી પડી રહી છે, જે તેમની સાથે અન્યાય છે."

  

લેમિનેશન પેપરની અછતને કારણે લાખો નવા પાસપોર્ટ ઈશ્યુ થઈ રહ્યા નથી અને અટવાઈ પડ્યા છે. આ સંકટના કારણે તે લોકો માટે મોટી સમસ્યા ઉભી થઈ છે જેઓ અભ્યાસ, વ્યવસાય અથવા અન્ય કોઈ મહત્વપૂર્ણ કામ માટે જલ્દીથી બીજા દેશમાં જવા માંગે છે. ટાઈમ્સ ઓફ કરાચીના અહેવાલ મુજબ દેશમાં લગભગ 7 લાખ અનપ્રિન્ટેડ પાસપોર્ટનો બેકલોગ છે. આ પહેલીવાર નથી, પરંતુ આ પહેલા પણ પાકિસ્તાન આવા સંકટનો સામનો કરી ચૂક્યું છે. વર્ષ 2013 માં પણ, લેમિનેશન પેપરની અછતને કારણે ડીજીઆઈ એન્ડ પી અને પ્રિન્ટર્સ વચ્ચેના વ્યવહારના વિવાદને કારણે પાસપોર્ટનું પ્રિન્ટિંગ આવી જ રીતે બંધ થઈ ગયું હતું.

 

જોકે પાકિસ્તાન ઓબ્જર્વર પોર્ટલે ગૃહ મંત્રાલયને ટાંકીને જણાવ્યું કે પાકિસ્તાને (Pakistan) લેમિનેશન પેપરનો ઓર્ડર આપી દીધો છે અને એક સપ્તાહમાં પાકિસ્તાનને ઓર્ડર મળી જશે. તેમાં એમ પણ જણાવાયું છે કે વિભાગીય કાર્યલયોને નવા પાસપોર્ટની કામગીરી માટે દૈનિક 25000ની આસપાસ અરજીઓ મળી રહી છે, જોકે દેશમાં લેમિનેશન પેપરોની અછતના કારણે કામગીરીનો ભરાવો થઈ ગયો છે.

 

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ઈમિગ્રેશન એન્ડ પાસપોર્ટ (DGI&P) દ્વારા કામગીરીમાં અસમર્થતા અંગે ગૃહમંત્રાલયના મહાનિર્દેશક કાદિર યાર તિવાનાએ કહ્યું કે સરકાર પોતાનું કામ કરી રહી છે. સંકટને ડામવાના ઉકેલો શોધાઈ રહ્યા છે અને સ્થિતિ ટુંક સમયમાં નિયંત્રણમાં આવી જશે અને પાસપોર્ટ જારી કરવાની કામગીરી પણ સામાન્ય રીતે ચાલુ રહેશે.