Millets: આંતરરાષ્ટ્રીય મિલેટ્સ યરની ઉજવણી વચ્ચે દર્શન મહાજનના નાટકને યુનાઈટેડ નેશન્સની માન્યતા

'પૃથ્વી ચે શેતકરી' (પૃથ્વીનાં ખેડૂતો)- ધ સ્ટોરી ઓફ મિલેટ્સ નામનું આ નાટક જુલાઈ 2023માં રીલિઝ થયું હતું

Courtesy: Twitter

Share:

Millets: દર્શન મહાજન, એક યુવા થિયેટર નિર્માતા તેમના ખૂબ જ વખાણાયેલા નાટક 'પૃથ્વી ચે શેતકરી' (પૃથ્વીનાં ખેડૂતો)- ધ સ્ટોરી ઓફ મિલેટ્સ સાથે કેન્દ્ર સ્થાને છે. જુલાઈ 2023માં રજૂ થયેલું આ પ્રકારનું પ્રથમ નૃત્ય અને સંગીત નાટક માત્ર પ્રેક્ષકોને જ મંત્રમુગ્ધ નથી કરી રહ્યું પરંતુ તેણે સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ વિભાગ તરફથી પણ માન્યતા પ્રાપ્ત કરી છે.

કૃષિ અને ટકાઉ ખાદ્ય પ્રથાઓમાં મિલેટ્સ (Millets)ની નિર્ણાયક ભૂમિકાને રેખાંકિત કરવા માટે રચાયેલ આ નાટકને મહારાષ્ટ્રની ટોચની કૃષિ યુનિવર્સિટી, મહાત્મા ફૂલે કૃષિ વિદ્યાપીઠ, રાહુરીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર રાજ્ય સરકાર, કૃષિ વિભાગ અને યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે આયોજિત રાજ્ય-સ્તરીય પરિષદ 'મિલેટ્સ ફોરએવર'માં યોજાયેલા આ નાટકે ખેડૂતો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મહત્વના સરકારી અધિકારીઓનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અનુપ કુમાર (આઈએએસ) પણ તેનાથી પ્રભાવિત થયા હતા. 

 

Milletsના વિષય પર નાટક

મહારાષ્ટ્રના કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અનુપ કુમારે તેમની પ્રશંસા કરતા કહ્યું હતું કે, આ નાટક ખૂબ જ સુંદર અને પ્રગાઢ હતું. તેમણે આ નાટકને પોતાની અપેક્ષાથી પણ ખૂબ જ વધારે શાનદાર ગણાવ્યું હતું અને પોતે મિલેટ્સ જેવા વિષય પર નાટકની કલ્પના પણ નથી કરી શકતા તેમ જણાવ્યું હતું. તેમના મતે એક નાટક જેવા માધ્યમથી કૃષિને આટલી પ્રભાવી રીતે વ્યક્ત કરી શકાય તે ખૂબ આકર્ષક વાત કહેવાય. 

નાટકના નિર્માતા અને સહ નિર્દેશક દર્શન મહાજને જણાવ્યું હતું કે, હાલ આપણે આંતરરાષ્ટ્રીય મિલેટ્સ યરની ઉજવણી કરી રહ્યા છીએ તેવામાં આ નાટક આપણાં મિલેટ્સ (Millets), આપણાં ખેડૂતોના જીવન વિશે કલા અને થિએટરના માધ્યમથી જાગૃતિ ફેલાવે છે. આ સાથે જ તેમણે આ નાટકને સમગ્ર ભારત ઉપરાંત વૈશ્વિક મંચ પર લઈ જવાની આશા વ્યક્ત કરી હતી.  

યુનાઈટેડ નેશન્સ દ્વારા પ્રશંસા

દર્શન મહાજનના કહેવા પ્રમાણે તેઓ આ નાટકને વિવિધ ભાષામાં તૈયાર કરીને દેશભરની પ્રતિભાઓ સાથે સહયોગ કરવા ઈચ્છે છે. 'પૃથ્વી ચે શેતકરી' (પૃથ્વીનાં ખેડૂતો)- ધ સ્ટોરી ઓફ મિલેટ્સ નામનું આ નાટક જુલાઈ 2023માં રીલિઝ થયું હતું. યુનાઈટેડ નેશન્સના ફુડ એન્ડ એગ્રીકલ્ચર વિભાગ દ્વારા આ નાટકને દર્શાવવામાં આવ્યું અને તેને માન્યતા આપવામાં આવી ત્યાર બાદ તે ખૂબ ચર્ચિત બન્યું છે. 

આ નૃત્ય, સંગીત નાટકમાં 25 કલાકારો અને ક્રૂનો સમાવેશ થાય છે અને વિભિષણ ચૌર (નિર્દેશક, સાંસ્કૃતિક બાબતોના નિયામક)ની સ્ટોરીલાઈન ધરાવતા આ નાટકને વિદ્યાનાથ સુર્વે અને દર્શન મહાજને ડિરેક્ટ કર્યું છે.