દેશમાં વધતી માંગને પહોંચી વળવા મિત્સુબિશી ઈલેક્ટ્રિકે ભારતમાં કોમ્પ્રેસર અને એર કન્ડિશનર ઉત્પાદન માટે પ્રથમ એવું એકમ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી તે તેની ઘરેલુ માંગને પહોંચી વળવા માટે સક્ષમ બનશે.
આ માટે મિત્સુબિશી ઈલેક્ટ્રિક ઈન્ડિયા દ્વારા મહિન્દ્રા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ચેન્નાઈ (MIPCL) સાથે કરાર કર્યા બાદ 52 એકરમાં આ પ્લાન્ટ સ્થાપવાનું નક્કી કર્યું છે. ઈલેક્ટ્રિક અને ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કરતી કંપની એર-કન્ડિશનર અને કોમ્પ્રેસર્સ મેન્યુફેક્ચરિંગ એકમ સ્થાપવા માટે રૂ. 1,819 કરોડનું રોકાણ કરશે.
મિત્સુબિશી ઈલેક્ટ્રિક ઈન્ડિયાનાં મેનેજિંગ ડિરેક્ટર, કઝુહિકો તમુરાએ જણાવ્યું કે, “નવી ઉત્પાદન સુવિધાને કારણે બજારની માંગ સામે સ્થિર ઉત્પાદન પુરવઠો પૂરો પાડી શકાશે તેવી અપેક્ષા છે. કારણ કે, ભારતીય બજાર વધતી જતી વસ્તી અને વિસ્તરતી અર્થવ્યવસ્થાને કારણે સતત વૃદ્ધિ કરી રહ્યું છે.
MIPCL એ મહિન્દ્રા વર્લ્ડ સિટી ડેવલપર્સ અને જાપાનની સુમિતોમો કોર્પોરેશન વચ્ચેનું સંયુક્ત સાહસ છે. આ જગ્યા 99 વર્ષની મુદત માટે લીઝ પર આપવામાં આવી છે. જ્યારે ફેક્ટરી સંપૂર્ણ રીતે કાર્યરત થશે, ત્યારે મિત્સુબિશી ઈલેક્ટ્રિક વાર્ષિક 3 લાખ જેટલા રૂમ એર કંડિશનર્સ અને 6.5 લાખ જેટલા કોમ્પ્રેસરનું ઉત્પાદન કરી શકશે. તે ન તો માત્ર વધતી જતી સ્થાનિક માંગને પહોંચી વળશે પરંતુ, ફ્રિજ અને એરકન્ડિશનરને લગતા તમામ શરૂથી લઈને અંત સુધીની જરૂરિયાતોને લગતી સેવાઓ પણ પ્રદાન કરી શકશે.”
મહિન્દ્રા લાઈફસ્પેસ ડેવલપર્સ, નાં ચીફ બિઝનેસ ઓફિસર – ઔદ્યોગિક, રાજારામ પાઈએ જણાવ્યું કે, અમે અમારા ગ્રાહકોને અપ્રતિમ સેવા ઉત્કૃષ્ટતા પ્રદાન કરવા માટે સમર્પિત રહીએ છીએ કારણ કે અમે દેશમાં ઉત્પાદનના વૈશ્વિક ધોરણોને સરળ બનાવીને ભારતનાં ‘મેક ઇન ઇન્ડિયા’ મિશન માટે આંતરરાષ્ટ્રીય કંપનીઓને ભારતમાં ઉત્પાદન સુવિધા સ્થાપવા માટેનો સરળતા આપી છીએ.
તેમણે જણાવ્યું કે, અમારી વ્યૂહાત્મક રીતે શ્રેષ્ઠ જગ્યા, અમારી સારી માળખાકીય સુવિધાઓ અમને ઉત્પાદન ઉદ્યોગ માટે અગ્રણી સ્થાન તરીકે સ્થાન આપે છે. ઓરિજિન્સ બાય મહિન્દ્રા ખાતે, અમે અમારા ગ્રાહકોને અપ્રતિમ સેવા ઉત્કૃષ્ટતા પ્રદાન કરવા માટે સમર્પિત રહીએ છીએ.
લગભગ 100 વર્ષનો અનુભવ ધરાવતી જાપાનની મિત્સુબિશી તેની ઉચ્ચ ગુણવતા ધરાવતા ઉત્પાદનો માટે જાણીતી છે. અને તે તેનાં ઈલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનનાં વેચાણ અને માર્કેટિંગમાં વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવે છે. હાલમાં જ મિત્સુબિશી ઈલેક્ટ્રિકએ IMTEX -2023 માં ભાગ લીધો હતો જે ઇંડિયન મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરર્સ દ્વારા યોજવામાં આવ્યો હતો.