Nepal earthquake: નેપાળમાં ભૂકંપને કારણે 100થી વધુ લોકોનાં મોત, અનેક ઘાયલ

Nepal earthquake: નેપાળમાં ગઈકાલે મોડી રાત્રે ભંયકર ભૂકંપ આવ્યો હતો. જેમાં 100થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કાઠમંડુથી પશ્ચિમ દિશામાં 500 કિમી દૂર જાજરકોટ અને પશ્ચિમ રૂકુમના ખરબચડા જિલ્લાઓમાં બચાવ પ્રયાસોમાં મદદ કરવા માટે સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે. નેપાળની રાજધાની કાઠમંડુ અને દિલ્હી સહિત ભારતના વિવિધ શહેરોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. […]

Share:

Nepal earthquake: નેપાળમાં ગઈકાલે મોડી રાત્રે ભંયકર ભૂકંપ આવ્યો હતો. જેમાં 100થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કાઠમંડુથી પશ્ચિમ દિશામાં 500 કિમી દૂર જાજરકોટ અને પશ્ચિમ રૂકુમના ખરબચડા જિલ્લાઓમાં બચાવ પ્રયાસોમાં મદદ કરવા માટે સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

નેપાળની રાજધાની કાઠમંડુ અને દિલ્હી સહિત ભારતના વિવિધ શહેરોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેપાળી સેનાના પ્રવક્તાએ કહ્યું કે 100થી વધુ લોકો ઘાયલ થયા છે અને જાજરકોટની હોસ્પિટલ ઘાયલોથી ભરેલી છે.

નેપાળમાં ભૂકંપ (Nepal earthquake)ના એક કલાકમાં વધુ ત્રણ આંચકા અનુભવાયા હતા. ઘણા લોકોએ ભૂકંપના આંચકા અને તેમના ઘરોને નુકસાન થવાના ડરથી બાકીની રાત ખુલ્લામાં વિતાવી હતી.

સ્થાનિક મીડિયા અનુસાર, બહુમાળી ઇમારતો ભૂકંપના કારણે તૂટી પડી હતી. ઘણા લોકો ધરાશાયી થયેલી ઈમારતોના અવશેષોમાંથી બચી ગયેલા લોકોને બહાર કાઢવા માટે અંધારામાં કાટમાળમાં હટાવતા જોવા મળ્યા હતા.

વધુ વાંચો: અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાના ભૂકંપથી એકનું મોત

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે શનિવારે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી છે. સોશિયલ મીડિયા પર વડાપ્રધાન પુષ્પ કમલ દહલે નેપાળમાં ભૂકંપ (Nepal earthquake)થી થયેલ જાનહાનિ અને સંપત્તિના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તેમણે સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. ભૂકંપને કારણે થયેલ ભૂસ્ખલનને લીધે શોધ અને બચાવ કામગીરીમાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે.

જાજરકોટ જિલ્લાના પોલીસ વડા સુરેશ સુનારે નિવેદન આપ્યું છે કે કેટલી નુકશાન થયું છે તેની સંપૂર્ણ તસવીર મેળવવી હજુ મુશ્કેલ છે. તેમણે વધુમાં કહ્યું કે, “હું પોતે ખુલ્લામાં છું. અમે વિગતો એકત્રિત કરી રહ્યા છીએ પરંતુ ઠંડી અને રાતનો સમય હોવાને કારણે દૂરના વિસ્તારોમાંથી માહિતી મેળવવી મુશ્કેલ છે.”

નેપાળના મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર, નેપાળમાં રાતે 11:47 વાગ્યે વાગ્યે ભૂકંપ આવ્યો હતો.

વધુ વાંચો: મોરક્કોના ઐતિહાસિક ભૂકંપમાં 2900થી વધુ લોકોના મોતની સાથે સાંસ્કૃતિક વારસાને પણ નુકસાન

Nepal earthquakeની તીવ્રતા 5.6 નોંધાઈ

યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર રિક્ટર સ્કેલ પર નેપાળમાં ભૂકંપ (Nepal earthquake)ની તીવ્રતા 5.6 નોંધાઈ હતી અને ભૂકંપ પૃથ્વીની સપાટીની નજીક થયો હતો.

નેપાળ હિમાલયની તળેટીમાં આવેલું છે, જેના કારણે નેપાળમાં અનેકવાર ભૂકંપ આવતા હોય છે. ગયા મહિને, બજાંગના પશ્ચિમ જિલ્લામાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેના પરિણામે ઘણા લોકોને ઈજાઓ થઈ હતી.

2015માં, નેપાળમાં બે વિનાશક ભૂકંપ આવ્યા હતા જેમાં 9,000થી વધુ લોકો માર્યા ગયા હતા અને 22,309 લોકો ઘાયલ થયા હતા. 2015માં પહેલા 25 એપ્રિલના રોજ, 7.8-તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના કારણે ખુબ જ મોટા પાયે નુકસાન થયું હતું. ત્યારબાદ મોટી સંખ્યામાં આફ્ટરશોક્સ આવ્યા હતા, જેમાં તે વર્ષના મે મહિનામાં 7.3ની તીવ્રતાના ભુકંપનો પણ સમાવેશ થાય છે.