ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધમાં 1,000થી વધારે લોકોના મોત, ઈઝરાયલની મદદે આવ્યું અમેરિકા

પેલેસ્ટાઈનના આતંકવાદી ગ્રુપ હમાસે શનિવારના રોજ ઈઝરાયલ પર આશરે 5,000 રોકેટ વડે હુમલો કરી દીધો હતો. ઈઝરાયલે પણ આ ભીષણ હુમલાનો બદલો લેવાનું વચન આપીને હમાસ સામે યુદ્ધ જાહેર કરી દીધું છે અને હવાઈ હુમલાઓ શરૂ કર્યા છે. ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે છેલ્લા 3 દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં બંને પક્ષે 1,000થી પણ […]

Share:

પેલેસ્ટાઈનના આતંકવાદી ગ્રુપ હમાસે શનિવારના રોજ ઈઝરાયલ પર આશરે 5,000 રોકેટ વડે હુમલો કરી દીધો હતો. ઈઝરાયલે પણ આ ભીષણ હુમલાનો બદલો લેવાનું વચન આપીને હમાસ સામે યુદ્ધ જાહેર કરી દીધું છે અને હવાઈ હુમલાઓ શરૂ કર્યા છે. ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે છેલ્લા 3 દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં બંને પક્ષે 1,000થી પણ વધારે લોકોના મોત થયા છે. 

હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલના અનેક નાગરિકોનું અપહરણ કર્યું છે અને તે સિવાય અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. ઈઝરાયલ સરકારના કહેવા પ્રમાણે ગાઝામાં હમાસના આતંકવાદીઓએ 100થી વધારે લોકોને પકડી લીધા છે અને તેમને બંધક બનાવી દીધા છે. 

ઈઝરાયલ પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધમાં 1,000થી વધુના મોત

યુદ્ધના બીજા દિવસે ઈઝરાયલ અને આતંકવાદી ગ્રુપ હમાસ વચ્ચેની અથડામણથી દેશના અનેક ક્ષેત્રો પ્રભાવિત થયા હતા. ઈઝરાયલ પરના આ સૌથી ઘાતક હુમલામાં સૈનિકો સહિત 700થી વધારે લોકો માર્યા ગયા છે અને 1,900થી વધારે ઘાયલ થયા છે. જ્યારે ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા જવાબી હુમલામાં 450થી વધારે લોકોના મોત થયા છે અને આશરે 2,300 લોકોને ઈજાઓ પહોંચી છે. આમ કુલ મૃતકઆંક 1,000ને પણ પાર કરી ગયો છે. 

આ બધા વચ્ચે લેબનોનના ઈસ્લામિક ગ્રુપ હિજબુલ્લાહે રવિવારે ઈઝરાયલની ચોકીઓને ટાર્ગેટ કરીને મોર્ટાર વડે ગોળીબાર કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં ઈઝરાયલે લેબનોન પર તોપ વડે હુમલો કર્યો હતો. હમાસ દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 3 અમેરિકી નાગરિકના મોત થયા છે. તે સિવાય ફ્રાંસના વિદેશ મંત્રાલયે તેમના એક નાગરિકના મોતની પુષ્ટિ કરી છે જ્યારે યુક્રેનના 2 નાગરિકો પણ ઈઝરાયલમાં માર્યા ગયા છે. 

અમેરિકાએ રવિવારના રોજ ઈઝરાયલના સંરક્ષણ બળોને સમર્થન આપવા માટે હથિયારો સહિતની સામગ્રી મોકલી આપવા જણાવ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને હજુ વધુ મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું. 

ઈઝરાયલ પર પેલેસ્ટાઈન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ બંને દેશ વચ્ચે છેડાયેલા યુદ્ધ વચ્ચે અનેક એરલાઈન્સે તેલ અવીવની ફ્લાઈટ રદ્દ કરી હતી. અમેરિકન એરલાઈન્સ, એર ફ્રાન્સ, લુફ્થાન્સા, એમીરાત્સ અને ર્યાનએર સહિતની અનેક એરલાઈન્સે તેલ અવીવની ફ્લાઈટ રદ્દ કરી હતી. 

એર ઈન્ડિયાએ પણ 14મી ઓક્ટોબર સુધી ઈઝરાયલની ફ્લાઈટ્સ રદ્દ કરી દીધી છે. ગાઝા પટ્ટીથી આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો તેથી સૌ કોઈ ચોંકી ઉઠ્યું છે. ત્યારે હવે ઈઝરાયલની સેનાએ પણ હમાસ પર હુમલો કરી દીધો છે અને ગાઝા પટ્ટીમાં હમાસના અનેક અડ્ડાઓને રોકેટ વડે તબાહ કરી દીધા છે.