Iranમાં બે વિસ્ફોટ થતાં 100થી વધુ લોકોના મોત, પૂર્વ ઈરાની જનરલની પુણ્યતિથિ પર કોણે કર્યો એટેક?

દક્ષિણ ઈરાનના કર્માનમાં આવેલી સાહેબ અલ-ઝમાન મસ્જિદમાં 15 મિનિટની અંદર બે જોરદાર વિસ્ફોટના કારણે અરાજકતા ફેલાઈ ગઈ હતી. નાસભાગમાં સેંકડો લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • દક્ષિણ ઈરાનમાં કાસિમ સુલેમાનીની કબર પર સેંકડો લોકો એકઠા થયા હતા
  • આ દરમિયાન એક પછી એક બે વિસ્ફોટ થતાં ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ

ઈરાનથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે મંગળવારે અહીં બે જોરદાર વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં લગભગ 103 લોકોના મોત થયા છે. જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. જણાવી દઈએ કે, 3 જાન્યુઆરીએ કાસિમ સુલેમાનીની ત્રીજી પુણ્યતિથિ હતી. અમેરિકાએ 2020માં ડ્રોન હુમલામાં ઈરાની જનરલ કાસિમ સુલેમાનીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે સવાલ એ થાય છે કે, સુલેમાનીની પુણ્યતિથિ પર આટલો મોટો હુમલો કોણે કર્યો?

AFPએ સ્થાનિક મીડિયાને ટાંકીને જણાવ્યું હતું કે પહેલો વિસ્ફોટ દક્ષિણ ઈરાનના કર્માનમાં સાહેબ અલ-ઝમાન મસ્જિદ પાસે થયો હતો. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના વિદેશી ઓપરેશનના વડા સુલેમાનીને અહીં દફનાવવામાં આવ્યા છે. જ્યારે બીજો વિસ્ફોટ પણ અહીં થયો હતો. રોયટર્સ અનુસાર, કર્માન પ્રાંત રેડ ક્રેસન્ટ રેસ્ક્યુ ટીમના વડા રેઝા ફલ્લાહે કહ્યું કે અમારી બચાવ ટીમ ઘાયલોને બહાર કાઢી રહી છે.

કેવી રીતે થયો વિસ્ફોટ?
ઈરાનના સરકારી ટીવીએ જણાવ્યું કે કાસિમ સુલેમાનીના દફન સ્થળ પાસે વિસ્ફોટના કારણ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. એવું નોંધવામાં આવ્યું હતું કે વિસ્ફોટો પછી થયેલી નાસભાગમાં ઘણા લોકો ઘાયલ થયા હતા, કારણ કે જીવંત પ્રસારણમાં હજારો લોકો પુણ્યતિથિમાં હાજરી આપી રહ્યા હતા. સ્થળ પર એમ્બ્યુલન્સ પણ જોવા મળી હતી.

નૂરન્યૂઝ દ્વારા કહેવામાં આવ્યું છે કે કબ્રસ્તાન તરફ જતા રસ્તા પર ગેસના કેટલાય કન્ટેનર ફાટ્યા હતા. જ્યારે ઈરાનના રાજ્ય મીડિયાએ સ્થાનિક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે વિસ્ફોટ ગેસ સિલિન્ડરના કારણે થયો હતો કે આતંકવાદી હુમલાને કારણે.

બીજી તરફ, બ્લૂમબર્ગના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય પ્રાંત કર્માનમાં 15 મિનિટની અંદર બે વિસ્ફોટ સાંભળવામાં આવ્યા હતા. રાજ્ય સંચાલિત ઇસ્લામિક રિપબ્લિક ન્યૂઝ એજન્સીએ પ્રાંતના ડેપ્યુટી ગવર્નરને ટાંકીને જણાવ્યું હતું કે વિસ્ફોટોનું કારણ શું હતું તે હજી સ્પષ્ટ નથી.

કોણ છે કાસિમ સુલેમાની?
3 જાન્યુઆરી, 2020ના રોજ બગદાદ એરપોર્ટની બહાર યુએસ ડ્રોન હુમલામાં મૃત્યુ બાદ કાસિમ સુલેમાની ઈરાનમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. તેમણે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સની વિદેશી કામગીરી શાખા કુડ્સ ફોર્સનું નેતૃત્વ કર્યું હતું.