જાપાનમાં વિનાશક ભૂકંપથી તબાહી: મૃત્યુઆંક 30 પર પહોંચ્યો, હજી સ્થિતિ સામાન્ય નથી

નવા વર્ષના પહેલા દિવસે સોમવારે જાપાનમાં તીવ્ર ભૂકંપ આવ્યો હતો. અહીં એક પછી એક 150થી વધુ આંચકા અનુભવાયા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • વિનાશક ભૂકંપને કારણે જાપાનમાં ભારે તબાહી સર્જાઈ
  • સ્તાઓ, મકાનો અને જાહેર સંપત્તિને ભારે નુકસાન થયું

જાપાનમાં ભૂકંપ બાદ આવેલા વિનાશને કારણે ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા છે. રેસ્ક્યુ ટીમ ગુમ થયેલા લોકોની શોધખોળ કરી રહી છે. જાપાની સત્તાવાળાઓના નવીનતમ ડેટા અનુસાર, નવા વર્ષના દિવસે જાપાનમાં 155 ભૂકંપ આવ્યા હતા. એક પછી એક અનેક ભૂકંપ બાદ જાપાનમાં થયેલા નુકસાનનું આકલન કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે ઘણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે.

મકાનો અને રસ્તાઓ તબાહ
જાપાનના ઈશીકાવા પ્રીફેક્ચર અને આસપાસના વિસ્તારોમાં સોમવારે એક પછી એક અનેક ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાંથી સૌથી વધુ 7.6ની તીવ્રતાનો ભૂકંપ હતો. અધિકારીઓએ જણાવ્યું કે વાજિમા શહેરમાં આઠ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અન્ય સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે ઘરો અને રસ્તાઓને વ્યાપક નુકસાન થયું છે. ઘણી ઇમારતો, વાહનો અને બોટને નુકસાન થયું છે. ભૂકંપના ભયને કારણે અધિકારીઓએ ચેતવણી જારી કરી છે અને કેટલાક વિસ્તારોમાં લોકોને તેમના ઘરોથી દૂર રહેવા જણાવ્યું છે.

સ્થામિક મીડિયા એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ઓછામાં ઓછા 30 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ કહ્યું, 'લોકોનો જીવ બચાવવો એ અમારી પ્રાથમિકતા છે. મહત્વનું છે કે ઘરોમાં ફસાયેલા લોકોને તાત્કાલિક બચાવી લેવામાં આવે. તેમણે કહ્યું કે બચાવ કામગીરી માટે ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં સેનાને પણ મોકલવામાં આવી છે, જ્યારે અગ્નિશામકો વજીમા શહેરમાં આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઘરોમાં નુકશાન
પરમાણુ નિયમનકારોએ જણાવ્યું હતું કે આ પ્રદેશમાં પરમાણુ પ્લાન્ટ સામાન્ય રીતે કાર્યરત છે. કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં સળંગ અનેક ધ્વસ્ત મકાનો દેખાય છે. વાહનો પલટી ગયા છે અને હોડીઓ ડૂબી ગઈ છે. સુનામીના કારણે દરિયાકિનારા પર કાદવ છે.

સુનામીની ચેતવણી પાછી ખેંચાઈ
જાપાનની હવામાન એજન્સીએ સોમવારે ઇશિકાવા માટે સુનામીની ચેતવણી જારી કરી હતી, પરંતુ મંગળવારે સવારે ચેતવણી પાછી ખેંચી લીધી હતી. જો કે, એજન્સીએ ચેતવણી આપી છે કે આગામી થોડા દિવસોમાં પ્રદેશમાં વધુ ભૂકંપ આવી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને એક નિવેદનમાં કહ્યું કે તેમનું વહીવટીતંત્ર જાપાની લોકોને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.