New Zealand: સોમવારના રોજ ક્રિસ્ટોફર લક્સને ન્યૂઝીલેન્ડ (New Zealand)ના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા અને તેમની સર્વોચ્ય પ્રાથમિકતા દેશના અર્થતંત્રમાં સુધારો લાવવાની છે. એરલાઈનમાં કામ કરી ચુકેલા ક્રિસ્ટોફર લક્સને ફુગાવાને નિયંત્રિત કરવાના અને વ્યાજ દરોને ઘટાડવાના લક્ષ્ય સાથે સોમવારે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
New Zealandને મળ્યા નવા વડાપ્રધાન
ક્રિસ્ટોફર લક્સને પોતાની રૂઢિવાદી નેશનલ પાર્ટી રાષ્ટ્રીય ચૂંટણી જીતી ગઈ તેના 6 સપ્તાહ બાદ પદભાર સંભાળ્યો છે. આ સાથે જ જેસિન્ડા અર્ડર્નની લેબર પાર્ટીના 6 વર્ષના કાર્યકાળની સમાપ્તિ થઈ છે. એર ન્યૂઝીલેન્ડના પૂર્વ સીઈઓ લક્સનને ન્યૂઝીલેન્ડના ગવર્નર જનરલે વેલિંગટનમાં નવી ગઠબંધન સરકારના નેતા તરીકે શપથ ગ્રહણ કરાવ્યા હતા. વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા બાદ નવા વડાપ્રધાન લક્સને જણાવ્યું હતું કે, "આ એક સન્માન અને એક અદભૂત જવાબદારી છે."
ક્રિસ્ટોફર લક્સને જણાવ્યું હતું કે, સૌથી પહેલું કામ અર્થતંત્રને ઠેકાણે લાવવાનું છે. સૌથી પહેલા તો જીવનનિર્વાહ માટેનો ખર્ચ ઘટાડવો પડશે અને ફુગાવાને નિયંત્રણમાં રાખવો પડશે જેથી આપણે વ્યાજ દરો ઘટાડી શકીએ અને ભોજનને વધારે સસ્તું બનાવી શકીએ.
વધુમાં જણાવ્યું હતું કે, પાછલી લેબર પાર્ટીની સરકારે જીવનનિર્વાહ માટેના ખર્ચમાં થઈ રહેલા વધારાને નિયંત્રણમાં લાવવા માટે સંઘર્ષ કર્યો છે અને હાલ આ એક વૈશ્વિક પડકાર છે જે મહામારીથી સંબંધીત પુરવઠા સંબંધી ચિંતાઓ અને રશિયાના યુક્રેન પરના આક્રમણના કારણે વધુ ગંભીર બન્યો છે.
જેસિન્ડા અર્ડર્ને અચાનક પદ છોડ્યું
નોંધનીય છે કે, જીવન નિર્વાહ માટેના ખર્ચામાં થઈ રહેલો વધારો અનેક દેશોમાં સત્તા પરિવર્તનનું કારણ બન્યો છે. લેબર પાર્ટીના નેતા ક્રિસ હિપકિંસ જાન્યુઆરી મહિનામાં જેસિન્ડા અર્ડર્ન બાદ વડાપ્રધાન બન્યા હતા પરંતુ ચૂંટણીમાં તેમની પાર્ટીને હાર મળી છે. જેસિન્ડા અર્ડર્ને આ વર્ષે જાન્યુઆરી મહિનામાં અચાનક જ પોતાનું પદ છોડી દીધું હતું જેથી તેમનો 5 વર્ષનો કાર્યકાળ સમાપ્ત થયો હતો અને ત્યાર બાદ ક્રિસ હિપકિંસને ન્યૂઝીલેન્ડના નવા વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
લક્સને બનાવી ગઠબંધન સરકાર
લક્સન ન્યૂઝીલેન્ડ (New Zealand)ના 42મા વડાપ્રધાન છે અને તેમણે ચૂંટણીના 6 સપ્તાહ બાદ વિવિધ પાર્ટીઓ સાથે મળીને ગઠબંધન સરકાર રચી છે. 123 બેઠકો ધરાવતી ન્યૂઝીલેન્ડની સંસદમાં શાસન કરવા માટે તેમની રાષ્ટ્રીય પાર્ટીએ કન્ઝર્વેટિવ એસીટી અને ન્યૂઝીલેન્ડ ફર્સ્ટ પાર્ટીઓ સાથે 3 પક્ષીય ગઠબંધન સ્થાપ્યું છે. જેના અંતર્ગત નાયબ વડાપ્રધાનની ખુરશીનો સમયગાળો 18-18 મહિનાનો હશે અને ન્યૂઝીલેન્ડમાં પ્રથમ વખત આ પ્રકારની ઘટના બની રહી છે.
78 વર્ષીય વિંસ્ટન પીટર્સે વડાપ્રધાન લક્સન સાથે નાયબ વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે અને તેઓ મે 2025ના અંત સુધી આ જવાબદારી નિભાવશે. ત્યાર બાદ 3 વર્ષના શેષ સંસદીય કાર્યકાળ માટે તેમનું સ્થાન એસીટી નેતા ડેવિડ સેમુર લેશે.