નોર્થ કોરિયાના જાસૂસી સેટેલાઈટનું લોન્ચિંગ બીજી વખત રહ્યું નિષ્ફળ, કિમ જોંગ ઉનના ઈરાદાઓ સામે વધુ એક અડચણ

નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના ઈરાદાઓ પર વધુ એક વખત પાણી ફરી વળ્યું છે. પરમાણુથી સંપન્ન દેશ નોર્થ કોરિયા ઘણાં લાંબા સમયથી જાસૂસી સેટેલાઈટ લોન્ચ કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. જોકે હજુ સુધી તેને નિષ્ફળતા જ હાથ લાગી છે.  ગુરૂવારના રોજ નોર્થ કોરિયાનું બીજું સેટેલાઈટ લોન્ચિંગ પણ નિષ્ફળ રહ્યું હતું. તેને અમેરિકા અને […]

Share:

નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના ઈરાદાઓ પર વધુ એક વખત પાણી ફરી વળ્યું છે. પરમાણુથી સંપન્ન દેશ નોર્થ કોરિયા ઘણાં લાંબા સમયથી જાસૂસી સેટેલાઈટ લોન્ચ કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. જોકે હજુ સુધી તેને નિષ્ફળતા જ હાથ લાગી છે. 

ગુરૂવારના રોજ નોર્થ કોરિયાનું બીજું સેટેલાઈટ લોન્ચિંગ પણ નિષ્ફળ રહ્યું હતું. તેને અમેરિકા અને દક્ષિણ કોરિયાની સૈન્ય ગતિવિધિ પર નજર રાખવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. નોર્થ કોરિયાની સેના દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે રોકેટ બૂસ્ટરના ત્રીજા સ્ટેજમાં સમસ્યા આવ્યા બાદ તેમનું જાસૂસી સેટેલાઈટ નિષ્ફળ રહ્યું હતું. જોકે આ અસફળતા બાદ પણ નોર્થ કોરિયાના વૈજ્ઞાનિકોનું મનોબળ અડગ જ છે. નોર્થ કોરિયાના વૈજ્ઞાનિકોએ તેઓ ઓક્ટોબર મહિનામાં ત્રીજી વખત સેટેલાઈટ લોન્ચ કરવા માટે પ્રયત્ન કરશે તેમ જણાવ્યું હતું. 

નોર્થ કોરિયાનું રોકેટ દરિયામાં ખાબકેલું

નોર્થ કોરિયાએ અગાઉ મે મહિનામાં સેટેલાઈટ લોન્ચિંગ માટે પ્રથમ વખત પ્રયત્ન કર્યો હતો. તે સમયે ચોલિમા-1 (Chollima-1) રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે તે મિશન અસફળ રહ્યું હતું અને રોકેટ દુર્ઘટનાગ્રસ્ત થઈને દરિયામાં ખાબક્યું હતું. 

ઈમર્જન્સી સિસ્ટમમાં ગરબડના લીધે નિષ્ફળતા

નોર્થ કોરિયા જાસૂસી સેટેલાઈટની ફ્લીટ બનાવવાના આયોજનમાં છે. તેના અનુસંધાને તે પોતાનું પ્રથમ મિશન શક્ય તેટલી ઝડપથી પાર પાડવા ઈચ્છે છે. ગુરૂવારના રોજ નિષ્ફળ ગયેલા રોકેટ અંગે પ્રથમ અને બીજા તબક્કામાં તેની ઉડાન સામાન્ય હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે ત્રીજા તબક્કાની ઉડાન દરમિયાન ઈમરજન્સી બ્લાસ્ટિંગ સિસ્ટમમાં ગરબડ થઈ હતી અને લોન્ચિંગમાં નિષ્ફળતા મળી હતી. 

દરિયામાંથી મળ્યો ચોલિમા-1નો કાટમાળ

અગાઉ 31 મેના રોજ પણ નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના ઈરાદાઓ પર પાણી ફરી વળ્યું હતું. તે દિવસે નોર્થ કોરિયાએ પોતાનો પ્રથમ સૈન્ય જાસૂસી ઉપગ્રહ લોન્ચ કર્યો હતો જે નિષ્ફળ રહ્યો હતો. તે સમયે જાપાન અને દક્ષિણ કોરિયાની સરકારે તેમને દરિયામાંથી ઉપગ્રહનો કાટમાળ મળ્યો હોવાનું જણાવ્યું હતું. 

દક્ષિણ કોરિયા અને જાપાનના મીડિયાએ નોર્થ કોરિયાનું પ્રથમ લોન્ચિંગ નિષ્ફળ ગયાની માહિતી આપી હતી. જોકે, નોર્થ કોરિયાએ તે અંગે કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું હતું. 

નોંધનીય છે કે, નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉને આકાશમાંથી કરવામાં આવતા મોનિટરિંગને શાસનની સર્વોચ્ય પ્રાથમિકતા ગણાવી છે. નોર્થ કોરિયા દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે ક્ષેત્રમાં વધી રહેલી અમેરિકી સૈન્યની ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને સંતુલન સ્થાપિત કરવા માટે આ જરૂરી પગલું છે. 

નોર્થ કોરિયા દ્વારા એવા સમયે આ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જ્યારે થોડા સમય પહેલા જ વોશિંગ્ટન, સિયોલ અને ટોક્યોના નેતાઓએ સંયુક્ત રાજ્ય અમેરિકાના કેમ્પ ડેવિડ ખાતે બેઠક કરી હતી. ઉપરાંત તાજેતરમાં જ અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ થયો છે.