જેવા સાથે તેવાઃ હવે અમેરિકાએ પણ પોતાના દેશમાંથી રશિયાના 2 રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી

યુક્રેનમાં યુદ્ધની શરૂઆત બાદ અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. ત્યારે હવે અમેરિકા અને રશિયા દ્વારા એકબીજા સામે એક્શન લેવાની કવાયત પણ શરૂ થઈ ગઈ છે. રશિયાએ અમેરિકાના 2 રાજદ્વારીઓની હકાલપટ્ટી કરીને તેમને 7 દિવસમાં દેશ છોડવા માટે હુકમ કર્યો ત્યાર બાદ જવાબી કાર્યવાહીમાં અમેરિકાએ પણ રશિયાના 2 રાજદ્વારીઓની હકાલપટ્ટી કરીને તેમને […]

Share:

યુક્રેનમાં યુદ્ધની શરૂઆત બાદ અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. ત્યારે હવે અમેરિકા અને રશિયા દ્વારા એકબીજા સામે એક્શન લેવાની કવાયત પણ શરૂ થઈ ગઈ છે. રશિયાએ અમેરિકાના 2 રાજદ્વારીઓની હકાલપટ્ટી કરીને તેમને 7 દિવસમાં દેશ છોડવા માટે હુકમ કર્યો ત્યાર બાદ જવાબી કાર્યવાહીમાં અમેરિકાએ પણ રશિયાના 2 રાજદ્વારીઓની હકાલપટ્ટી કરીને તેમને દેશ છોડવા માટે જણાવ્યું છે.

અમેરિકાએ રશિયાના આરોપો નકાર્યા

રાષ્ટ્રપતિ જો બાઈડનના પ્રશાસને આ નિર્ણય રશિયાએ તેમના 2 રાજદ્વારીઓની એક પૂર્વ કાઉન્સિલર કર્મચારી સાથે સંપર્ક રાખવા બદલ હકાલપટ્ટી કરી ત્યાર બાદ સામે આવ્યો છે. આ સાથે જ અમેરિકાએ સંવેદનશીલ જાણકારી એકત્ર કરવાના આરોપોને પણ પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે રશિયાની સરકાર દ્વારા તેમના રાજદ્વારીઓના ઉત્પીડનના અયોગ્ય વ્યવહારને સાંખી નહીં લેવામાં આવે તેમ પણ જણાવ્યું હતું.  

અમેરિકાએ રશિયાના રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી

અમેરિકા દ્વારા રશિયાના કયા રાજદ્વારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે તે જાહેર નથી કરાયું પરંતુ તેમને 7 દિવસની અંદર અમેરિકા છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. અમેરિકાના રાજદ્વારીઓ જેફરી સિલિન અને ડેવિડ બર્નસ્ટીનને પણ આટલો જ સમય આપવામાં આવ્યો હતો જેમને ગત મહિને રશિયા છોડી દેવા કહેવામાં આવ્યું હતું. 

સિલિન અને ડેવિડ બર્નસ્ટીન પર વ્લાદિવોસ્તોકમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસના એક પૂર્વ કર્મચારીનો સંપર્ક કરવાનો આરોપ લાગ્યો હતો જેણે બાદમાં ગોપનીય જાણકારી એકત્રિત કરવાનો ગુનો સ્વીકારી લીધો હતો. જોકે રશિયા અને અમેરિકા ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો તે પહેલાથી જ એકબીજાના અધિકારીઓની પોતાના દેશમાંથી હકાલપટ્ટી કરવાની રેસમાં સામેલ છે. જોકે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ બાદ સ્થિતિ વધુ વિકટ બની છે. 

બાઈડન સરકારના વિદેશ વિભાગના કહેવા પ્રમાણે તેમણે આ કાર્યવાહી રશિયાને વળતો જવાબ આપવા માટે કરી છે. મોસ્કોએ અમેરિકાના 2 રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી તેમને દેશ છોડવા માટે કહ્યું. અમેરિકાના રાજદ્વારીઓ ત્યાં એક રશિયન નાગરિક સાથે સંપર્કમાં હોવાનો આરોપ લગાવ્યો જે પહેલા રશિયાના વ્લાદિવોસ્તોક શહેરમાં આ વર્ષે બંધ કરી દેવાયેલા અમેરિકી વાણિજ્ય દૂતાવાસમાં કામ કરતો હતો. બાદમાં તે વ્યક્તિની મુખબિરીના આરોપસર એટલે કે, ગુપ્ત માહિતીની હેરફેરના આરોપમાં ધરપકડ કરી લેવાઈ હતી. 

પહેલા રશિયા દ્વારા કાર્યવાહી

અગાઉ 14 સપ્ટેમ્બરના રોજ રશિયાના વિદેશ મંત્રાલયે મોસ્કોમાં અમેરિકી દૂતાવાસના અધિકારી જેફરી સિલિન અને ડેવિડ બર્નસ્ટીન પર ગેરકાયદે ગતિવિધિનો આરોપ લગાવી 7 દિવસમાં દેશ છોડવા આદેશ આપ્યો હતો. રશિયાના મંત્રાલયે તેઓ બંને વાણિજ્ય દૂતાવાસના પૂર્વ કર્મચારી રોબર્ટ શેનોવના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો. શેનોવ પર યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી સાથે સંબંધિત મુદ્દાઓ અંગે અમેરિકાના રાજદ્વારીઓ માટે જાણકારી એકઠી કરવાનો આરોપ હતો.