આફ્રિકાના દેશ કેપ વર્ડે ટાપુ નજીક બોટ પલટી, 60થી વધુનાં મોત

એટલાન્ટિક મહાસાગરમાં કેપ વર્ડે ટાપુ પાસે પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે.  આ અકસ્માતમાં 63 લોકોના ડૂબી જવાની આશંકા છે. તે જ સમયે, 38 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા લોકોને સ્થાનિક શબઘરમાં રખાયા છે, હાલ ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે તેમજ રિલિફ કેમ્પ સ્થપાયો છે. કેપ વર્ડે ટાપુ નજીક […]

Share:

એટલાન્ટિક મહાસાગરમાં કેપ વર્ડે ટાપુ પાસે પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે.  આ અકસ્માતમાં 63 લોકોના ડૂબી જવાની આશંકા છે. તે જ સમયે, 38 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલા લોકોને સ્થાનિક શબઘરમાં રખાયા છે, હાલ ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે તેમજ રિલિફ કેમ્પ સ્થપાયો છે.

કેપ વર્ડે ટાપુ નજીક પહોંચેલી બોટ ગયા મહિને 10 જુલાઈએ સેનેગલથી નીકળી હતી

IOM (ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ માઇગ્રેશન)એ બુધવારે જણાવ્યું હતું કે બોટ ગયા મહિને સેનેગલથી નીકળી હતી. બોટમાં 100થી વધુ શરણાર્થીઓ સવાર હતા. આ બોટ ચોક્કસ કયા સમયે પલટી ગઈ તે હજુ સુધી જાણી શકાયું નથી. આ બોટ છેલ્લે સોમવારે સ્પેનિશ માછીમારી બોટ દ્વારા નજરમાં આવી હતી. તેણે આ અંગે કેપ વર્ડિયન સત્તાવાળાઓને જાણ કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસે જણાવ્યું કે, સોમવારે આ ફિશિંગ બોટ કેપ વર્ડે આઈલેન્ડથી લગભગ 150 નોટિકલ માઈલ એટલે કે 277 કિલોમીટર દૂર એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે માછલી પકડનારા સ્પેનના એક જહાજે તેને જોઈ હતી, ત્યારબાદ તેણે કેપ વર્ડેના અધિકારીઓને તેની જાણકારી આપી.

IOMના પ્રવક્તા મસેહાલીએ જણાવ્યું કે 7 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 56 લોકો હજુ પણ ગુમ છે. તેમણે કહ્યું કે સામાન્ય રીતે બોટ દુર્ઘટના પછી જ્યારે લોકો ગુમ થયાની જાણ કરવામાં આવે છે, ત્યારે તેઓ મૃત હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ સેનેગલના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ બોટ સેનેગલના ફાસે બોયેથી 10 જુલાઈએ રવાના થઈ હતી, જેમાં 101 મુસાફરો હતા.

સ્થાનિક માછીમારી એસોસિએશનના પ્રેસિડન્ટ ચૅક અવાએ જણાવ્યું કે તેના 2 ભત્રીજા લાપતા છે. તેઓ સ્પેન જવા માટે બોટમાં સવાર હતા. સેલના સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે,  7 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. 

અગાઉ પણ કેપ વર્ડે પાસે દુર્ઘટના સર્જાઈ હતી

વર્ષ 2022માં કેનેરી ટાપુઓ પર પહોંચવાનો પ્રયાસ કરતી વખતે 559 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ વર્ષના પ્રથમ 6 મહિનામાં, કેનેરી ટાપુઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરતા 126 લોકો માર્યા ગયા અથવા ગુમ થયા. આ દરમિયાન બોટ તોડવાના 15 કેસ નોંધાયા હતા. આ વર્ષે જાન્યુઆરીમાં કેપ વર્ડેમાં રેસ્ક્યુ ટીમોએ 90 લોકોના જીવ બચાવ્યા હતા.

કેપ વર્ડે પશ્ચિમ આફ્રિકન કિનારે સ્થિત એક ટાપુ રાષ્ટ્ર છે. સ્પેનિશ કેનેરી ટાપુઓ પર જતી બોટ અહીંથી પસાર થાય છે. કેનેરી ટાપુઓને યુરોપિયન યુનિયનનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. હજારો આફ્રિકન માઈગ્રન્ટ્સ ગરીબી અને યુદ્ધથી બચવા ગેરકાયદેસર રીતે યુરોપિયન યુનિયનમાં પહોંચવાનો પ્રયાસ કરે છે. તેઓ મોટે ભાગે નાની હોડીઓમાં મુસાફરી કરે છે અને પોતાનો જીવ જોખમમાં મૂકે છે.