Oxygen On Venus: સૂર્ય મંડળના બીજા નંબરના અને પૃથ્વીના ભગીની ગ્રહ પરથી ઓક્સિજન મળ્યો

Oxygen On Venus: પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ આશરે 21% જેટલું છે અને વાતાવરણમાં મહત્તમ એટલે કે, 78% જેટલો નાઈટ્રોજન વાયુ રહેલો છે. મનુષ્ય સહિતની તમામ સજીવ સૃષ્ટિના જીવન-નિર્વાહ માટે ઓક્સિજન ખૂબ જ મહત્વનો છે. જ્યારે સૂર્ય મંડળમાં પૃથ્વીનો પાડોશી ગ્રહ ગણાતા શુક્રની સ્થિતિ તદ્દન અલગ છે. સૂર્ય મંડળના બીજા નંબરના ગ્રહ શુક્ર પર ઓક્સિજન (Oxygen […]

Share:

Oxygen On Venus: પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ આશરે 21% જેટલું છે અને વાતાવરણમાં મહત્તમ એટલે કે, 78% જેટલો નાઈટ્રોજન વાયુ રહેલો છે. મનુષ્ય સહિતની તમામ સજીવ સૃષ્ટિના જીવન-નિર્વાહ માટે ઓક્સિજન ખૂબ જ મહત્વનો છે. જ્યારે સૂર્ય મંડળમાં પૃથ્વીનો પાડોશી ગ્રહ ગણાતા શુક્રની સ્થિતિ તદ્દન અલગ છે. સૂર્ય મંડળના બીજા નંબરના ગ્રહ શુક્ર પર ઓક્સિજન (Oxygen On Venus) વાયુની લગભગ ગેરહાજરી છે. 

સૌથી તેજસ્વી અને પૃથ્વીના ભગીની ગ્રહ તરીકે ઓળખાતા શુક્રના વાતાવરણમાં 96.5% સાથે કાર્બન ડાયોક્સાઈડ વાયુનું વર્ચસ્વ રહેલું છે અને તે સિવાય નાઈટ્રોજન સહિતના વાયુઓ છે. શુક્રના વાતાવરણમાં ઓક્સિજનની ગેરહાજરીના કારણે જ વૈજ્ઞાનિકો મંગળ જેવા ગ્રહોની સરખામણીએ શુક્ર પર ઓછું ધ્યાન આપે છે. 

Oxygen On Venus કેટલું મહત્ત્વનું?

શુક્રના વાતાવરણમાં ઓક્સિજન વાયુની ગેરહાજરી હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જ વૈજ્ઞાનિકો તેના તરફ દુર્લક્ષ સેવી રહ્યા હતા પરંતુ નાસા અને જર્મન એરોસ્પેસ સેન્ટર વચ્ચેના સંયુક્ત પ્રોજેક્ટમાં ઈન્ફ્રારેડ ટેલિસ્કોપ વહન કરવા માટે સંશોધિત બોઈંગ 747SP એરક્રાફ્ટ – સોફિયા એરબોર્ન ઓબ્ઝર્વેટરી પરના એક સાધનનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ હવે શુક્રના વાતાવરણના બે સ્તરો વચ્ચે સેન્ડવીચ થયેલા પાતળા સ્તરમાં એટોમિક ઓક્સિજન શોધી કાઢ્યો છે. 

શુક્ર પરનો ઓક્સિજન શ્વાસ લેવા યોગ્ય નહીં

સામાન્ય રીતે આપણે શ્વાસમાં જે ઓક્સિજન વાયુ લઈએ છીએ તેમાં ઓક્સિજનના 2 પરમાણુ હોય છે. આમ શુક્ર પરથી મળી આવેલો એટોમિક ઓક્સિજન તેમાં ઓક્સિજનનો એક જ અણુ હોવાથી શ્વાસ લેવા માટે યોગ્ય નથી. જોકે વૈજ્ઞાનિકોને પ્રથમ વખત શુક્રની સૂર્ય તરફની બાજુ પરથી ઓક્સિજનનું પ્રમાણ મળી આવ્યું છે. શુક્ર પર ઓક્સિજન (Oxygen On Venus) અંગેનું આ સંશોધન એ ફોટોકેમિસ્ટ્રી એક્શન અંગેનો સીધો પુરાવો છે. 

વધુ વાંચો: Aditya-L1 મિશનને મળી પહેલી મોટી સફળતા, સોલાર ફ્લેયર્સની પ્રથમ હાઈ એનર્જી એક્સ-રે તસવીર લીધી

શુક્ર વિશે

શુક્ર ગ્રહ પર દિવસો સૌથી લાંબા હોય છે. શુક્ર ગ્રહ પરનો એક દિવસ 5,832 કલાક જેટલો લાંબો હોય છે. એટલે કે શુક્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 243 દિવસ જેટલો હોય છે. તે સૂર્યનો બીજો સૌથી નજીકનો ગ્રહ છે. તેને સૂર્યની પરિક્રમા કરતા  224.7 પૃથ્વી દિવસ લાગે છે. પ્રેમ અને સૌંદર્યની રોમન દેવી પરથી શુક્રનું નામ રાખવામાં આવ્યું છે. રાત્રિના સમયે ચંદ્ર બાદ શુક્ર સૌથી વધુ તેજસ્વી દેખાય છે. 

મંગળ પર ઓક્સિજનનું સર્જન

નોંધનીય છે કે, વૈજ્ઞાનિકો દ્વારા અન્ય ગ્રહો પર જીવનની શક્યતા માટે સતત પ્રયોગો ચાલુ છે. અન્ય ગ્રહો પર જીવન શક્ય બનાવવા માટે સૌથી અગત્યનું પરિબળ ઓક્સિજન છે. ત્યારે ગત વર્ષે નાસાને મંગળ ગ્રહ પર ઓક્સિજન એટલે કે પ્રાણવાયુનું સર્જન કરવામાં સફળતા મળી હતી. 

નાસાએ  મંગળના વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઈડમાંથી  ઓક્સિજનનું સર્જન કર્યું હતું. મંગળ પર સર્જવામાં આવેલો ઓક્સિજન પૃથ્વી પર માનવીઓ અને પ્રાણીઓ-પક્ષીઓ દ્વારા શ્વસન ક્રિયામાં લેવામાં આવતા ઓક્સિજન જેવો જ છે.