પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિંદુ મંદિર પર રોકેટ લોન્ચરથી હુમલો થયો

રવિવારે પાકિસ્તાનના દક્ષિણ સિંધ પ્રાંતમાં ગુનેગારોની એક ટોળકીએ હિંદુ મંદિર પર હુમલો કર્યો હતો. આ ઘટના કાશમોર વિસ્તારમાં બની હતી, જ્યાં હુમલાખોરોએ નાના મંદિર અને હિંદુઓના ઘરોને નિશાન બનાવ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ હુમલો રવિવારે વહેલી સવારે જયારે મંદિર બંધ હતું ત્યારે કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ પૂજા કરવાના સ્થળ પર રોકેટ […]

Share:

રવિવારે પાકિસ્તાનના દક્ષિણ સિંધ પ્રાંતમાં ગુનેગારોની એક ટોળકીએ હિંદુ મંદિર પર હુમલો કર્યો હતો. આ ઘટના કાશમોર વિસ્તારમાં બની હતી, જ્યાં હુમલાખોરોએ નાના મંદિર અને હિંદુઓના ઘરોને નિશાન બનાવ્યા હતા.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ હુમલો રવિવારે વહેલી સવારે જયારે મંદિર બંધ હતું ત્યારે કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ પૂજા કરવાના સ્થળ પર રોકેટ લોન્ચરથી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જો કે, સદનસીબે વિસ્ફોટ થયા ન હતા તેમજ કોઈ જાનહાનિ થઈ ન હતી. સ્થાનિક બાગરી સમુદાયના લોકો દ્વારા કરવામાં આવતી ધાર્મિક સેવાઓ માટે મંદિર દર વર્ષે ખોલવામાં આવે છે.

હુમલાની માહિતી મળતાં જ કાશમોર-કંધકોટ SSP ઈરફાન સામુની આગેવાની હેઠળ પોલીસની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ હુમલામાં આઠ કે નવ બંદૂકધારીઓના સામેલ હોવાનો અંદાજ છે. પોલીસે હુમલાખોરોને પકડવા માટે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.  આ ઘટનાથી રહેણાક વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માગ છે કે તેઓને સુરક્ષા મળી રહે.

આ હુમલો કાશમોર અને ઘોટકી નદીના વિસ્તારોમાં રહેતા ગુનેગારો દ્વારા આપવામાં આવેલી ધમકીઓને કારણે બન્યો છે, જેમણે હિન્દુ ધર્મસ્થાનો અને હિન્દુ સંપ્રદાયના લોકોને નિશાન બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ધમકીઓ પાકિસ્તાની મહિલા સીમા હૈદર જાખરાનીના વખતે બનેલા બનાવના કારણે આપવામાં આવી હતી, જેણે 2019માં ઓનલાઈન ગેમ, PUBG રમતી વખતે મળેલા હિન્દુ પુરુષની સાથે રહેવા માટે પોતાનો દેશ છોડી દીધો હતો.

આ ઘટનાથી આ વિસ્તરમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. બાગરી સમુદાયના સભ્ય ડો. સુરેશે પોલીસને આ સમુદાયના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતે વિનંતી કરી હતી. SSP સામુએ હિંદુ સમુદાયના લોકોને આશ્વાસન આપ્યું કે તેમની સુરક્ષા કરવામાં આવશે. કાશમોર વિસ્તારમાં સૌથી વધુ હિંદુ ધર્મના લોકોની વસ્તી છે.

પાકિસ્તાનના માનવાધિકાર આયોગ (HRCP) એ કાશમોર અને ઘોટકીના જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. HRCPને એવા અહેવાલો પ્રાપ્ત થયા છે કે આ વિસ્તારોમાં ગુનાહિત ટોળકી દ્વારા મહિલાઓ અને બાળકો સહિત હિંદુ સમુદાયના આશરે 30 સભ્યોને બંધક બનાવવામાં આવ્યા છે. આ ગેંગોએ ઉચ્ચ-કક્ષાના હથિયારો દ્વારા હિન્દુ સંપ્રદાયના પૂજા સ્થળો પર હુમલો કરવાની ધમકી આપી છે.

HRCPએ સિંધના ગૃહ વિભાગને આ મામલાની તાત્કાલિક તપાસ કરવાના આદેશ આપ્યા છે. વધતા જતા તણાવને કારણે હિંદુ સમુદાયની સલામતીની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે. સિંધ પ્રાંતની રાજધાની, કરાચી શહેરમાં ઘણા પ્રાચીન હિન્દુ મંદિરો છે. હિંદુઓ પાકિસ્તાનમાં સૌથી મોટો લઘુમતી સંપ્રદાય છે.